મીઠાપુર તા.૫:
જામનગર જિલ્લાના ઓખાથી ૩૦ કિ.મી દુર આવેલા અજાડ ટાપુઉપર સોલાર લાઈટ દ્વારા અજવાળા પાથરવામાં આવ્યા છે. ટાપુની પ૦૦ એકર ખેતીલાયક જમીન ઉપર ૧૦ પરિવારો ખેતી કરે છે. ઓખામંડળના દરિયા કીનારે પ્રાકૃતિક સૌદર્ય સાથે દરિયાઈ જીવસૃષ્ટિનો ખજાનો ભરેલો છે.
- ટાપુની પ૦૦ એકર ખેતીલાયક જમીન ઉપર ૧૦ પરિવારો ખેતી કરે છે
ઓખાથી ૩૦ કિ.મીના દરિયાઈ રસ્તે આવેલ અજાડ ટાપુ તો બધા ટાપુઓમાં સર્વશ્રેષ્ઠ ટાપુ ગણવામાં આવે છે. અહીં પ૦૦ એકર ખેતીલાયક જમીન ઉપર ૮ થી ૧૦ પરિવારો ખેતી કરી જીવન નિર્વાહ ચલાવે છે. આ ટાપુ ઉપર જામનગર મરિન નેશનલ પાર્ક સંકલિત દરિયાકાંઠા વિસ્તાર વ્યવસ્થાપન પરિયોજના દ્વારા દરિયાકાંઠા ઉપર રહેતા લોકોનો સામાજિક અને આર્થિક વિકાસ થાય, આજીવીકામાં સુધારો આવે તથા દરિયાઈ જીવસૃષ્ટિ, પરવાર અને ચેરનું સંરક્ષણ અને સંવર્ધન થાય તે હેતુથી ટાપુ ઉપર ૧૦૦% સોલાર લાઈટ અને ૧૦૦% સ્ટ્રીટ લાઈટો અર્પણ કરવામાં આવી છે.
આ પ્રસંગે જામનગરના મુખ્ય વન સંરક્ષક આર.ડી.કમ્બોજ, રેન્જ ફોરેસ્ટ ઓફીસર એન.એન.જોશી, મરિન બાયોલોજીસ્ટ ચંદ્રેશ દવે, ચેતન સોજીત્રા ઉપસ્થિત રહયા હતા. આ પ્રસંગે ગામના રેમતબેન સંઘારે જણાવ્યું હતું કે આ સોલાર લાઈટ દ્વારા બાળકો રાતે ખુબ મનોરંજન માણી શકશે. અજાડ સંકલિત દરિયાકાંઠા વિસ્તાર વ્યવસ્થાપન સમિતિના પ્રમુખ ઈસાભાઈએ જણાવેલ કે સોલાર લાઈટ દ્વારા ટાપુ ઉપર પુર્ણીમાનો ચંદ્ર ખીલ્યો છે અને ભવિષ્યમાં પણ ખીલતો રહેશે. આ સોલાર લાઈટ ગ્રામજનોને અંધકારમાંથી અજવાળા તરફ લાવશે. આ કાર્યનો મુખ્ય ઉદેશ મરિન નેશનલ પાર્ક અને ગ્રામજનો વચ્ચે વિશ્વાસનો સેતુ ઉભો કરવાનો છે.