મહુવા તા.પ
મહુવા શહેરમાં એસ ટી સ્ટેન્ડ નજીક બુધવારે મોડી સાંજે ત્રણ શખ્શોએ છ માસ જુની અદાવતના લીધે મુસ્લિમ યુવાનને છરીના આડેધડ ઘા ઝીંકી લોહીલુહાણ કરી નાસી છુટયા હતા. મારામારીમાં ઘાયલ યુવાનને તાત્કાલીક મહુવા હોસ્પીટલમાં ખસેડાયા બાદ વધુ સારવાર્થે તાત્કાલીક ભાવનગર રીફર કરાતા જ્યા સારવાર દરમ્યાન યુવાનનું કરૂણ મોત નિપજતા મારામારીનો બનાવ ખુનમાં પરિણમતા પોલીસે હત્યારા તમામ આરોપીઓને ગણતરીની કલાકોમાંજ ઝડપી પાડયા હતા.
- હત્યારા ત્રણેય આરોપીઓ ઝડપાયા
- એ.ટી.સ્ટેન્ડ પાસે ત્રણ શખ્શોએ યુવાનને છરીના ઘા ઝીંકી દિઘા હતા
બનાવની ઉપલબ્ધ થતી વિગતો મુજબમહુવા શહેરના આમલીવાળા ખાંચામાં રહેતા અને શાક બકાલાનો ધંધો કરતા મુસ્લિમ યુવાન જાવેદભાઈ યુસુફભાઈ હાલારીને છએક માસ પહેલા અલ્તાફ યુનુસભાઈ,જાવેદ યુનુસભાઈ અને નઈમ હારૂનભાઈ સાથે કોઈ બાબતે બોલાચાલી થઈ હતી જેની દાઝ રાખીને ગત બુધવારે રાત્રીના સુમારે જાવેદભાઈ મહુવા એસ.ટી. સ્ટેન્ડ પાસેથી પસાર થતા હતા તેવેળાએ અલ્તાફ યુનુસભાઈ,જાવેદ યુનુસભાઈ તથા નઈમ હારૂનભાઈ સહિતના શખશો છરી લઈ ધસી આવ્યા હતા અને યુવક પર આડેઘડ છરીના ઘા ઝીંકી દિધા હતા.
આ મારામારીમાં ગંભીર રીતે ધવાયેલા જાવેદભાઈ હાલારીને સારવાર માટે મહુવા રેફરલ હોસ્પીટલમાં ખસેડાયો ત્યારબાદ તાત્કાલીક સારવાર અર્થે ભાવનગર ખસેડાતા જયાં મોડી રાત્રે ઘાયલ યુવાક જાવેદનું મૃત્યુ નિપજયું હતું. હત્યાના મામલે મૂતકના પિતા યુસુફભાઈ રજાકભાઈ હાલારીએ ઉકત તમામ આરોપીઓ વિરૂધ્ધ ફરિયાદ નોંધાવતા મહુવા પોલીસે આઈપીસી કલમ ૩૦ર,બીપીએક્ટ ૧૩પ સહિતની કલમો મુજબ ગુનો નોંધી ત્રણેય આરોપીઓને ઝડપી લીધા હતા અને આગળની તપાસ હાથ ધરી હતી.