નવી દિલ્હી, તા. ૫
પીએફના ૫ કરોડ ખાતેદારોને લાભ મળવાની આશા
ઈપીએફઓ દ્વારા ૨૦૧૨-૧૩માં ૮.૬ ટકા વ્યાજ ચૂકવવા તપાસાતી શક્યતા
પ્રોવિડન્ટ ફંડની ડિપોઝિટ્સ પર વર્ષ ૨૦૧૧-૧૨ માટે વ્યાજદરમાં ૧.૨૫ ટકાનો ઘટાડો કરવાની જાહેરાતની ભારે ટીકા કરવામાં આવ્યા બાદ નિવૃત્તિ ફંડનું સંચાલન કરનાર ઈપીએફઓ દ્વારા ચાલુ નાણાકીય વર્ષ એટલે કે ૨૦૧૨-૧૩માં ૮.૬ ટકા વ્યાજ ચૂકવવામાં આવે તેવી શક્યતા છત્, આનો સીધો લાભ પીએફના ૫ કરોડ ખાતેદારોને મળશે.
ગયા મહિને એમ્પ્લોયીઝ પ્રોવિડન્ટ ફંડ ઓર્ગેનાઈઝેશન દ્વારા પીએફની ડિપોઝિટ્સ પરનો વ્યાજદર ૨૦૧૧-૧૨ માટે ૮.૨૫ ટકા જાહેર કરવામાં આવ્યો હતો જે અગાઉના વર્ષ ૨૦૧૦-૧૧માં ૯.૫ ટકા હતો. સંસદની બહાર અને અંદર ઈપીએફઓના આ નિર્ણયની ભારે ટીકા થઈ હતી.
ટીકાનો ભોગ બનેલા ઈપીએફઓ દ્વારા હવે ચાલુ નાણાકીય વર્ષ માટે આ વ્યાજદર વધારીને ૮.૬ ટકા કરવા વિચારાઈ રહ્યું છે. આ માટે આવકના અંદાજો નક્કી કરાઈ રહ્યા છે. આ મુદે શ્રમપ્રધાનનાં વડપણ હેઠળ સેન્ટ્રલ બોર્ડ ઓફ ટ્રસ્ટીઝની મિટિંગ આવતા મહિને મળવાની છે.
સરકારે સ્પેશિયલ ડિપોઝિટ સ્કીમ ૧૯૭૫ પરના વ્યાજદર ડિસેમ્બર ૨૦૧૧થી અમલમાં આવે તેવી રીતે ૮ ટકાથી વધારીને ૮.૬ ટકા કરવામાં આવ્યા પછી ઈપીએફઓએ ચાલુ વર્ષ માટે પીએફનું વ્યાજ વધારવા સક્રિય વિચારણા શરૂ કરી છે.
નોનગવર્નમેન્ટ પ્રોવિડન્ટ ફંડ અને આવા અન્ય ફંડોને શ્રેષ્ઠ વળતર આપવા માટે કેન્દ્ર સરકાર દ્વારા ૧ જુલાઈ, ૧૯૭૫માં આ સ્કીમ શરૂ કરવામાં આવી હતી જેમાં ઈપીએફઓ દ્વારા રૂ. ૫૫,૦૦૦ કરોડનું રોકાણ કરવામાં આવ્યું છે. એસડીએસના ઓછા વ્યાજને કારણે ઈપીએફઓ માટે ૮.૫ ટકા વળતર જાળવવાનું મુશ્કેલ બન્યું હતું. ઈપીએફઓ દ્વારા કરવામાં આવેલાં અન્ય રોકાણો પર ૮.૫ ટકા કરતાં વધુ વ્યાજ મળી રહ્યું છે, જો કે કામદાર સંઘો દ્વારા ઈપીએફઓ પરનું વ્યાજ પીપીએફને સમકક્ષ કરવા માગણી કરવામાં આવી હતી. સરકારે ગયા મહિને પીપીએફનો વ્યાજદર ૮.૬ ટકાથી વધારીને ૮.૮ ટકા કર્યો હતો.