રાજકોટ, તા.૫
કેન્દ્ર સરકારે કપાસ નિકાસ નિયંત્રણ મુકીને ગુજરાતના કિસાનોનું અહિત કર્યુ છે. સટ્ટોડિયાઓના લાભાર્થે આ નિકાસબંધી લાદવામાં આવી છે અને તેના કારણે કપાસના ભાવ ગગડી ગયાછે. સૌરાષ્ટ્ર- ઉ.ગુજરાતના કિસાનોના મોમાંથી કેન્દ્રની કોંગ્રેસ સરકારે કોળીયો છીનવી લીધો છે.
- રૂની નિકાસ નિયંત્રણે ખેડૂતોને બેહાલ કર્યા : ભાજપ પ્રમુખ ફળદુ
કપાસમાં ખેલાતા કોંગ્રેસના રાજકારણ સામે પડકાર ફેકવા માટે ભાજપ દ્વારા તા.૬થી કિસાન યાત્રા શરૂ થઈ રહી છે,જેને મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી લીલીઝંડી આપનાર છે. આ યાત્રા જે ગામડે ગામડે ફરી કિસાનોને સંગઠીત કરશે. તેમ, પ્રદેશ ભાજપ પ્રમુખ આર.સી. ફળદુએ પત્રકાર પરિષદ સંબોધતા જણાવ્યું હતું. એક તરફ રાજય સરકાર કિસાનોના ખેત ઉત્પાદનો વધે તે માટે પ્રયાસો કરે છે, પુરતી વીજળી પુરી પાડે છે. લોડના પ્રશ્નો નિવારવા નવા સબસ્ટેશનો ઉભા કરી ખેડૂતોને પુરતી સુવિધા પુરી પાડતી હોય ગુજરાતનો કિસાન તનતોડ મહેનત કરી દૂનિયાનો ઉતમ પ્રકારનો કપાસ પકાવેછે ત્યારે તેની નિકાસ ઉપર જ પ્રતિબંધ લાદીને ભાવ ગગડાવીકિસાનોની મહેનતનો લાભ અન્યોને મળે તેવા પ્રયાસો કર્યાં છે. ૨૦ કિલો કપાસ પકાવવા માટે ખેડૂતની પડતર રૂ.૧૧૮૦ની છે. જો કે, ટેકાનો ભાવ રૂ.૯૦૦ રાખ્યો છેઅને તેમાં પણ માત્ર ગણતરીની જ ખરીદી થાય છે. તે પણ રૂ.૯૦૦થી નીચા ભાવે ખરીદારી કરવામાં આવે છે. કપાસ એકસપોર્ટ ઉપર રૂ.૨૫૦૦ની ડયુટી નાખી છે અને કદાચ આ કોંગ્રેસ સરકાર આગામી દિવસોમાં ખેડૂતોના તમામ ઉત્પાદનો ઉપર ડયુટી નાખે તો પણ નવાઈ નહિ. તા.૬ ના ભાજપ સ્થાપના દિનથી યાત્રાને રાજકોટ ખાતેથી મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી લીલીઝંડી આપશે.