આખી રાત શંકરભાઈને ઊંઘ ન આવી. ભૂતકાળના સંસ્મરણોએ એમના મનનો કબજો લઈ લીધો. સાંજે એઓ કાનજીભાઈને ત્યાં કાનજીભાઈની પત્ની રાધિકાબેનનું અવસાન થયું હોવાથી ખરખરો કરવા ગયા હતા. કાનજીભાઈ સાવ ભાંગી પડયા હતા. એમને સાંત્વના આપી ઘરે આવી વાળુ કરીને સૂતાં પરંતુ ચિત્ત ચકડોળે ચઢયું. બે વર્ષ પહેલાં જ સ્વર્ગે સિધાવેલ પત્ની ઉમિયાબેનની યાદે શંકરભાઈને વ્યથિત કરી દીધા. ઉમિયાબેનની યાદ તો એમની રગરગમાં વ્યાપેલી હતી અને એમની ખોટ એમને સાલતી હતી પરંતુ આજે કાનજીભાઈ સાથે વાતો કરતાં યાદ તીવ્ર બની. શંકરભાઈ સ્વભાવે શાંત પ્રકૃત્તિના જ્યારે ઉમિયાબેન તડનું ફડ કરી દેનારાં. ઘણીવાર ઉમિયાબેન શંકરભાઈને ટોક્તાં- ‘‘ આ જમાનામાં ભલમનસાઈથી કામ થાય નહિ. ડરે ગા તો મરેગા. આપણે કોઈને હાનિ ન પહોંચાડવી પરંતુ કોઈ આપણી મેથી મારી જાય એ કેમ ચાલે ?’’ જીવનના દરેક ક્ષેત્રે પંતુજી વેડા ન ચાલે. જાણો છો બધી પરિણીત સ્ત્રીઓ પોતાના પતિના દીર્ઘાયુ માટે વટસાવિત્રી, સોળ સોમવાર અને એવાં બીજાં વ્રતો કરે છે. હું નથી કરતી. તમે એટલા ભલા અને સરળ સ્વભાવના છો કે હું ન હોઉં તો તમારા ભુંડા હાલ થાય. એટલે ભગવાનને પ્રાર્થના કરૂ છું કે મારા પહેલાં તમે વિદાય લ્યો. હાથે જાતે તમારી ચાકરી કરી તમને વળાવું. ભલે વૈધવ્યનું દુઃખ સહન કરવું પડે. આજે તો ખાટલે પડેલ ડોસલાંને કોઈ પાણી આપવા પણ રાજી નથી. મારાં જેવાં જબરાંને તો ધાકે ધાકે પણ કોઈ આપે. ઉમિયાબેનની વાત આજે અક્ષરસહ સાચી લાગે છે. ઉમિયાબેન હતાં ત્યાં સુધી તો મુઠિયાં, પાતરાં, ઢોકળાં જેવાં ફરસાણ અને પ્રસંગોપાત દૂધપાક, બાસુંદી, લાપસી જેવાં મિષ્ટાન થતાં પરંતુ હવે તો પીઝા, બર્ગર, પાઉંભાજી અને ચાઈનીઝ. જરાય ન ભાવતું માત્ર પેટ ભરવા પૂરતું કોળિયા બે કોળિયા ખાઈ લેવાનું. પોતાની પસંદગી વ્યક્ત કરવાની હામ તો એમનામાં હતી જ ક્યાં ! અને હવે સાંભળે પણ કોણ ? રાત અજંપામાં વિતાવી વહેલી સવારે ખુલ્લી હવામાં ફરવા નીકળ્યા જેથી મનને જરા શાંતિ મળે. પરંતુ એ પ્રયત્ન નિષ્ફળ ગયો. ઘરે પાછા આવ્યા. બારણું ઉઘાડવા જતા હતા કે ઘરમાં થતી વાતો સાંભળી એમના પગ અટકી ગયા. પુત્રવધૂ યાત્રા પુત્રને કહી રહી હતી- તીર્થ આ બાપુજીથી તો હું કંટાળી ગઈ. આ વિજ્ઞાન અને ટેક્નોલોજીના યુગમાં એ આપણી બીરવાને શ્રવણ, રામલક્ષ્મણ, કૃષ્ણ, પરી અને ભૂતોની વાર્તા કર્યા કરે અને પેલી ચીબાવલી પણ હું દાદાજી, હું દાદાજી કર્યા કરે. કયું જ્ઞાન મળવાનું એને ? સમયની બરબાદી બીજું શું ? યાત્રા બીરવા તો હજી ઘણી નાની છે. આજથી એના પર કોમ્પ્યુટર જ્ઞાન કે વિજ્ઞાનની વાતોનું ભારણ શા માટે ? ભારતીય સંસ્કૃતિ વિશે, ભારતના સંતો મહંતો વિશે થોડું જાણશે તો એમાં ખોટું શું છે ? સાંભળ વિજ્ઞાન ભલે ને ગમે એટલી પ્રગતિ કરશે પરંતુ પરમાત્મા પાસે તો એ પાણી જ ભરે. કાલે જ મેં એક ભજન સાંભળ્યું
‘‘શેરડીમાં મીઠાશ ને મરચાંમાં તીખાશ,
શ્રીફળમાં પાણી તમે ભરી તો જુઓ.
મારો હરિ જે કરે તે કામ કરી તો જુઓ.’’
એ ભજનમાં આવાં તો ઘણાંય ઉદાહરણો છે. મને યાદ નથી.
બસ બસ તીર્થ તમે પણ પંતુજી બાપના પંતુજી પુત્ર જ રહ્યા. લગ્ન વખતે હું હરખાતી હતી કે ચાલો મારે તો જેઠ- દિયર- નણંદ કોઈ છે જ નહિ. મારા ઘરની હું મહારાણી. પરંતુ આજે થાય છે કે જેઠ- દિયર કોઈ હોત તો સારૂ. થોડા દિવસ તો ડોસાને ત્યાં મોકલી નિરાંતનો શ્વાસ લેત. શંકરભાઈના પગ ધ્રુજી ઊઠયા. પરંતુ આજે તેમનામાં ન જાણે ક્યાંથી હિંમતનો સંચાર થયો. બારણું ખોલી ઘરમાં દાખલ થયા એક બેગ લઈ એમાં એમનાં કપડાં ભરવા લાગ્યા. બાપુજી ક્યાંક બહાર જાઓ છો ? તીર્થ પૂછી બેઠો. હા બેટા મંદિરના ઓટલે ભેગી થતી અમારી મંડળીના સભ્ય રવિન્દ્રભાઈનો દીકરો હેમાંગ અમેરિકાથી આવ્યો છે. આજે રવિન્દ્રભાઈનો જન્મ દિવસ છે. હેમાંગે વાહનની વ્યવસ્થા કરી આઠ દિવસના પ્રવાસનું આયોજન કરી આપ્યું છે. અમારે તો ફક્ત બે જોડ કપડાં લઈ વાહનમાં બેસી જવાનું. સંપૂર્ણ ખર્ચ રવિન્દ્રભાઈનો. કાલે નક્કી થયેલું પરંતુ હું કાનજીભાઈને ત્યાં ગયો હતો એટલે મને ખબર ન પડી. અડધા કલાક પછી શંકરભાઈ ઘર બહાર નીકળી ગયા.
તીર્થ પિતાજી ફરવા ગયા છે. અઠવાડિયા સુધી આવનાર નથી. આ શનિવારે આપણી બીરવા પણ શાળામાંથી યોજાયેલ એક દિવસીય પ્રવાસમાં જવાની છે. વહેલી સવારે સાડાપાંચ વાગ્યે અને આવશે રાત્રે સાડા નવ વાગે. વાલીઓને નવ વાગ્યે બોલાવ્યા છે. બાળકોને લેવા. સવારે બીરવાને બસમાં બેસાડી આપણે પણ સાપુતારા તરફ ગાડી હંકારી જઈશું. બીરવાની બસ આવે તે પહેલાં પરત આવી જઈશું. તીર્થે પ્રસ્તાવ સ્વીકારી લીધો. બીરવાને પ્રવાસ બસમાં બેસાડી તીર્થ- યાત્રા સાપુતારા જવા નીકળી પડયાં. તીર્થ તારો મોબાઈલ પણ બંધ જ રાખજે નહિતર તારી કંપનીવાળા તો અહીં પણ જંપવા ન દેશે. સાચી વાત છે યાત્રા ચાલ મોબાઈલ બંધ બસ.ચપટી વગાડતાં સાંજ પડી ગઈ. તીર્થ-યાત્રા ઘરે આવવા નીકળ્યાં. યાત્રા આ સામે ‘સાંઈ સુધા’નાં ચા, કોફી ખૂબ જ વખણાય છે. ચાલ જરા ફ્રેશ થઈ જઈએ. બંનેએ કોફીનો ઓર્ડર આપ્યો.
આર્યન તારી ભાણેજના કંઈ સમાચાર મળ્યા કેમ છે એને? હા સંસ્કાર મારી ભાણી સલામત છે. માત્ર કપાળમાં કાચ વાગ્યો હોવાથી બે ટાંકા આવ્યા છે. આજકાલ અકસ્માતોનું પ્રમાણ વધી ગયું છે. આવાં ફૂલ જેવાં બાળકોને અકસ્માત થાય ત્યારે હૈયે હાહાકાર મચી જાય છે. સંસ્કાર હવે તો સુરતની પ્રવાસી બસને નડેલ અકસ્માતના સમાચાર ટીવી ચેનલો પર પણ આવવા લાગ્યા છે. છેલ્લું વાક્ય સાંભળતાં જ તીર્થ-યાત્રા સફાળાં ઊભાં થઈ ગયાં. ભાઈ કોને અકસ્માત થયો છે ? અંકલ સુરતની ‘શારદા વિદ્યામંદિર’ શાળાના બાળકો પ્રવાસે ગયાં હતાં તેમની બસને. શારદા વિદ્યામંદિર ! તીર્થ એ તો આપણી બીરવાની શાળા. બીરવા પણ બસમાં હતી. કેમ હશે આપણી દીકરી ? આપણને કોઈએ ખબર પણ ના આપી ! ભાઈ કેટલા વાગ્યે થયો હતો આ અકસ્માત ?બધાને ખૂબ ઈજા થઈ છે ? જાનહાનિ ? ના અંકલ કોઈને ગંભીર ઈજા નથી થઈ અને જાનહાનિ પણ નહિ. તમે બેસો. મને લાગે છે કે તમે એ જ વાલી છો, જેનો સંપર્ક નથી થઈ શક્યો. અકસ્માત તો સવારે સાડા આઠ વાગ્યે થયો હતો. બધા જ વાલીઓને ફોન કરી બોલાવી લેવાયા હતા. મારી બેન એ જ શાળામાં શિક્ષિકા છે. એનો ફોન હતો એણે જણાવ્યું કે એક જબરદસ્ત ગોઝારી ઘટનામાંથી ઉગરી ગયાં. એક બાળકી બેભાન છે જેના વાલીનો સંપર્ક નથી થઈ શક્તો. અકસ્માત ‘વિસામો’ વૃદ્ધાશ્રમ આગળ જ થયો હતો. ત્યાંના એક વૃદ્ધ સજ્જને બાળકીની જવાબદારી સંભાળી લીધી છે. કાચ વાગવાથી પુષ્કળ લોહી વહી ગયું હોય એને લોહી આપવું જરૂરી હતું. તેની પણ પેલા સજ્જને વ્યવસ્થા કરી દીધી. તીર્થ આપણે મોબાઈલ બંધ રાખ્યો તેની આ મોંકાણ. કોણ હશે એ ભલો પુરૂષ જેણે આપણી બીરવાને સંભાળી ! ચાલો તીર્થ વહેલી તકે પહોંચીએ દીકરીની પાસે. હા યાત્રા. અંકલ તમારી હાલત જોતાં તમે ગાડી ચલાવી શક્વાને અસમર્થ છો. જો તમારી આજ્ઞા હોય તો હું ગાડી હાંકી લઉં. અમારે સુરત જ જવું છે. બસની રાહ જોતા હતા. અરે બેટા એ તો ખૂબ સારૂ. આખા રસ્તે યાત્રા આંસુ વહાવતી રહી ને પેલા અજાણ્યા સજ્જનનો આભાર માનતી રહી. ઈજાગ્રસ્તો સિવિલ હોસ્પિટલમાં હતા. શાળાના આચાર્ય અને શિક્ષકો પણ સાંજ થતાં ફરીથી હોસ્પિટલમાં આવ્યા. તીર્થ-યાત્રાને જોતાં જ આચાર્યે પ્રશ્નોની ઝડી વરસાવી. બંનેએ પોતાની ભૂલ કબૂલ કરી અને દીકરીને મળવાની તત્પરતા દર્શાવી. હા. તમારી બીરવા હમણાં કલાક પહેલાં જ ભાનમાં આવી છે. બીરવા તો આખી શાળાનો જાન છે. સંતો- મહાપુરૂષો વિશેની એની વાત કરવાની ઢબ અને મન હરિ લેતાં એના ભજનો તો શાળાના ખૂણે ખૂણે ગુંજે છે. આટલા સુંદર સંસ્કાર આપનાર માવતર આજે કેમ ભૂલ કરી બેઠાં ? ભલું થજો શંકરકાકાનું કે જેણે બીરવાનું જીવની જેમ જતન કર્યું. ચાલો તમારી દીકરી પાસે. બીરવા પૂર્ણ ભાનમાં આવી ગઈ હતી. યાત્રાએ એની સંભાળ રાખનાર દાદા વિશે પૂછયું પરંતુ બીરવા બેખબર હતી. બીરવા માટે આઈસક્રીમ લેવા તીર્થ બહાર ગયો તો એને મિત્ર મલય મળી ગયો. તીર્થ ક્યારે આવ્યો તું ? તને કેટલા ફોન કર્યા ! એ તો સારૂ શંકરકાકાએ બીરવાની જવાબદારી સંભાળી લીધી. તીર્થ કાકા વૃદ્ધાશ્રમમાં રહેવા ક્યારે ગયા ? યાર મલય તું કોની વાત કરે છે ? ક્યા શંકરકાકા ? અરે તીર્થ તારા પિતાજીની વાત કરૂ છું. સાંભળ મલય પપ્પા તો યાત્રા કરવા ગયા છે એમના મિત્રો સાથે. તીર્થ સવારે અકસ્માત થયાના સમાચાર મળતાં વેંત હું મારા પાડોશી અચલભાઈ સાથે ત્યાં દોડયો હતો. અચલભાઈનો બાબો મુંજાલ પણ પ્રવાસમાં જોડાયો હતો. ત્યાં કાકા મને મળ્યા હતા અને બીરવાને માટે દોડાદોડ કરતા હતા. જો પેલા શંકરકાકાના મિત્રો રવિન્દ્રભાઈ, ભરતભાઈ, કલ્પેશભાઈ બધા જ અહીં જ આવે છે. તીર્થ ગુંચવાયો- યાત્રાને વાત કરી. યાત્રાએ કહ્યું ‘તીર્થ તમે વૃદ્ધાશ્રમમાં જઈ બાપુજીની તપાસ કરો. હું એમને પગે પડી- માફી માગી આપણે ઘરે પાછા લઈ આવીશ. હું બાપુજીને મનાવી લઈશ. મારે ખાતર નહીં એમની લાડલી બીરવાને ખાતર પણ એઓ જરૂર આવશે જ.