દેશ અને દુનિયામાં અનેક લોકો નિઃસ્વાર્થ રીતે પોતાની જવાબદારી નિભાવે છે અને શક્ય છે કે, તે કદાચ પોતાની જવાબદારી ન નિભાવે તો ભારે અવસ્થા સર્જાઈ શકે, પરંતુ આપણે ક્યારેય તેની આ અનિવાર્યતાની નોંધ લીધી છે ?
મેટ્રોસિટી કે મેટ્રોસિટી તરફ ગતિ કરી રહેલ શહેરોની કેટલીક વિશેષતાઓ અને કેટલીક મર્યાદાઓ છે. આમાંની એક ઊડીને આંખે વળગે અને સમગ્ર માનવ સંબંધો પર ગંભીર અસર કરે તેવી મર્યાદા એટલે લોકોનું બહુ જ જલદી ગુસ્સે થઈ જવું.
આપણે રોજબરોજના જીવનમાં અનુભવ કરીએ છીએ કે, રસ્તા પર કે અન્ય કોઈ જગ્યાએ સાવ નજીવી બાબતે લોકો એકબીજા સાથે બાખળી પડે છે અને કેટલીક વખત તો સ્થિતિ એવી કથળી જાય છે કે, સાવ નાની બાબતમાં લોકો જાણે એકબીજાના ખૂનના તરસ્યા બની જાય છે.
આજની આપણી ભાગદોડભરી શહેરી જિંદગીમાં અનેક પ્રશ્નો અને સમસ્યાઓ સાથે લઈને ફરતા આપણે પોતે જ એટલા highper tense હોઈએ છીએ કે બાજી બગડતા વાર નથી લાગતી. ક્યારેક તો લોકો સવારે જ્યારે ઘરેથી નીકળે છે ત્યારે જાણે સામેનાને પાડી દેવાની ગણતરીએ જ નીકળ્યા હોય એવું લાગે. પાછળથી જે તે વ્યક્તિને પણ લાગે છે કે, કદાચ જે તે બાબતે આટલી તીવ્ર પ્રતિક્રિયા આપવાની જરૂર જ ન હતી, પરંતુ ત્યારે તીર કમાનમાંથી નીકળી ગયું હોય છે. આ બધાથી વિશેષ અને અત્યંત અગત્યનું એટલે વારંવાર આ પ્રકારે ગુસ્સે થવાથી જે તે વ્યક્તિના સ્વાસ્થ્ય પર પણ તેની ભારે ખરાબ અસર પડે જ છે.
ખેર, આજનો આપણો વિષય એ છે કે, શું આ સ્થિતિને બદલવી એટલી બધી મુશ્કેલ છે ? ઘણી વખત શાંતિથી વિચારતા લાગે કે, એક નાનકડા હાસ્યથી, થોડા હકારાત્મક દૃષ્ટિકોણથી કે થોડી સમજથી સ્થિતિને ઘણી હળવી બનાવી શકાય છે.
કોલેજના અભ્યાસ દરમિયાન એક પર્યટનમાં એક પ્રાધ્યાપકે રમાડેલ એક અલગ જ રમતથી અમારા વર્ગમાં ભણતા અનેક વિર્ધાથિના જીવનમાં આમૂલ પરિવર્તન આવ્યું. મને લાગે છે કે, આવો દૃષ્ટિકોણ અપનાવવાથી જીવન ઘણું જ હકારાત્મક બની જાય છે. જેના ઘણા સારા અન્ય કોઈને મળે કે ન મળે, પણ આપણને પોતાને અવશ્ય મળે છે. જેના સારા પરિણામો આપણને આપણા જીવનમાં અનુભવી શકીએ છીએ.
પર્યટન દરમિયાન પ્રાધ્યાપકે તમામ વિર્ધાથિઓને એક કોરો કાગળ આપી પોતાના કોઈ પણ બે અવગુણ અને પોતાના ક્લાસના સહપાઠીના જેટલા ધ્યાનમાં હોય તેટલા ગુણ લખવાની સૂચના આપી. શરૂઆતમાં તો વિર્ધાથિઓમાં ભારે રમૂજ સર્જાઈ. પોતાના અવગુણ લખવા તો જરા મુશ્કેલ હતા, પણ વિર્ધાથિઓએ તે સરળતાથી કર્યું. હવે વધારે રસપ્રદ બાબત થવાની હતી. સાધારણ રીતે માનવ સહજ સ્વભાવ છે કે, પોતાના અવગુણ તો આપણે હજુ પણ સ્વીકારી લઈએ છીએ, પણ અન્યોના સદ્ગુણ જાહેરમાં કહેવા અને પચાવવા જરા અઘરા છે. આમ છતાં અમે બધાએ એ કર્યું.
બધા વિર્ધાથિઓએ કાર્યવાહી કર્યા પછી પ્રાધ્યાપકે બધાના કાગળ લઈ લીધા અને થોડા સમય પછી ફરીથી એકત્ર થવાની સૂચના આપી. પ્રાધ્યાપક હવે શું કરશે તેવી ઉત્તેજના સાથે અમે બધા વિખેરાયા. થોડા સમય પછી અધ્યાપક પ્રત્યેક વિર્ધાથિઓના વ્યક્તિગત નામ સાથેનો કાગળ જે તે વિર્ધાથિને આપ્યો. બધાના આશ્ચર્ય વચ્ચે પ્રાધ્યાપકે દરેક વિર્ધાથિએ પોતે પોતાના લખેલા અવગુણ સૌથી ઉપર અને અન્ય વિર્ધાથિઓએ લખેલ ગુણોની આખી લાંબી યાદી તેની નીચે આપી.
કાગળ હાથમાં આપતાની સાથે જ દરેક વિર્ધાથિઓના ચહેરા પર એક અનેરી ખુશી હતી. પોતાની મર્યાદાની સાથે સાથે દરેકને એ વાતનો આનંદ હતો કે, પોતાની આસપાસના આટલા લોકોને તેમનામાં આટલી વિશેષતાઓ કે ગુણો દેખાય છે. સારા થવાની દિશામાં કે હકારાત્મક દૃષ્ટિકોણ કેળવવા તરફનું આ એક સફળ પગલું હતું.
સખીઓ, જીવનમાં પ્રત્યેક વ્યક્તિઓને પોતાની અંદરના સારા ગુણોની સર્વવ્યાપી સ્વીકૃતિ મળે કે, તેની નોંધ લેવાય તેવી ઇચ્છા ઊંડે ઊંડે હોય છે. આપણે ક્યારેય આપણા જીવનમાં અન્ય કોઈ વ્યક્તિને આ પ્રકારે તેના સદ્ગુણો કહ્યાં છે ? દેશ અને દુનિયામાં અનેક લોકો નિઃસ્વાર્થ રીતે પોતાની જવાબદારી નિભાવે છે અને શક્ય છે કે, તે કદાચ પોતાની જવાબદારી ન નિભાવે તો ભારે અવસ્થા સર્જાઈ શકે, પરંતુ આપણે ક્યારેય તેની આ અનિવાર્યતાની નોંધ લીધી છે ?
આજકાલ જમાનો એવો છે કે, પોતાને સોંપેલ જવાબદારી કે જે કામનો પોતાને પગાર મળે તેવાં કાર્યો પણ નિષ્ઠાપૂર્વક કરવામાં લોકોને તકલીફ પડે તેવો વ્યાપક જમાનો આવી ગયો છે તેમાં પણ કોઈ વિશેષ પુરસ્કારની અપેક્ષા વગર ચૂપચાપ પોતાની કામગીરી નિભાવતા અનેક લોકો આજે પણ હયાત છે. માત્ર એક વખત “તમે આ કામ ખરેખર ખૂબ સરસ કર્યું અને તેની અમે નોંધ લીધી છે” તેવા આપણા માત્ર એક વખતના રિમાર્કથી સામેની વ્યક્તિના ઉત્સાહને અનેકગણું બળ મળે છે. શું માત્ર આટલું જ આપણે ન કરી શકીએ ? જેના તે ખરેખર તે હકદાર છે ? કોઈકની નાની અમસ્તી સહાય માટે પણ તેમનો આભાર માનવાનો સ્વભાવ સામેની વ્યક્તિમાં એક અલગ જ આત્મસન્માન ઊભું કરે છે.
એ જ પ્રકારે પોતાની ભૂલ વખતે પણ નિખાલસતાપૂર્વક ર્જિ કહેવાથી વાતાવરણને ઘણું જ હળવું કરી શકાય છે. ફિલ્મ ‘આનંદ’નું રાજેશ ખન્નાનું પાત્ર યાદ આવે છે ? આપણો સ્વભાવ જ અનેક મિત્રો કે અનેક દુશ્મનો બનાવે છે. સખીઓ, આપણે કેટલું જીવ્યા એ નહીં, પણ કેવું જીવ્યા તે મહત્ત્વનું છે. આનંદો અને હકારાત્મક સ્વભાવ પહાડ જેવડી મુશ્કેલીને પણ નિવારવાની ક્ષમતા ધરાવે છે, જ્યારે ક્રોધી સ્વભાવ રાઈ જેવડી મુશ્કેલીને પહાડ જેવી બનાવી દે છે.
આવો હકારાત્મક થઈએ, હળવા રહીએ અને વાતાવરણને હળવું કરીએ.