નવી દિલ્હી, તા. ૬
મોબાઇલનો વધુ ઉપયોગ કરતાં બાળકો અને કિશોરોને બ્રેઇન ટયૂમર થવાની શક્યતા
૧૦ વર્ષથી વધુ સમય સુધી રોજ ૧ કલાક સુધી મોબાઇલ પર વાત કરનારાઓએ ચેતવાની જરૃર
મોબાઇલ આજે સ્ટેટસ સિમ્બોલ રહ્યો નથી પરંતુ જરૃરિયાત બની ગયો છે. મોબાઇલ વાતચીત માટેનું શ્રેષ્ઠ સાધન છે પરંતુ ખૂબ જ ઉપયોગી આ મોબાઇલ તમારા માટે ખતરારૃપ પણ બની શકે છે.
ગયા વર્ષે કરવામાં આવેલા એક અભ્યાસમાં જણાવવામાં આવ્યું હતું કે સેલફોન અને બ્રેઇન ટયૂમર વચ્ચે સંબંધ જોવા મળ્યો છે. બાળકો જો જરૃરિયાતથી વધારે મોબાઇલ ફોનનો ઉપયોગ કરે તો તેમને બ્રેઇન ટયૂમર થવાની શક્યતા વધી જાય છે. આ અહેવાલ પછી મોબાઇલના વપરાશકારો ચિંતિત થઇ ગયા છે. સેલફોનના પ્રશંસકો પણ હવે આ વાત સ્વીકારવા લાગ્યા છે.
૧૦ વર્ષથી વધારે સમય સુધી દરરોજ એક કલાક સુધી મોબાઇલ પર વાત કરનારાઓને બ્રેેઇન ટયૂમરનો ખતરો વધી જાય છે, આવાં લોકોને સામાન્ય લોકોની સરખામણીમાં એકોસ્ટિક ન્યરોમાસ એટલે કે એક ખાસ પ્રકારનાં ટયૂમરની આશંકા ૨૦ ટકા સુધી વધી જાય છે. મેલિગ્નેંટ ગ્લાયોમાસ એટલે કે સામાન્ય બ્રેઇન ટયૂમર થવાનો ખતરો ૩૦ ટકા સુધી વધી જાય છે.
એન્વાયરન્મેન્ટ હેલ્થ ટ્રસ્ટ નામનાં એક ગ્રૂપે મોબાઇલનો વધુ ઉપયોગ અને તેની ખરાબ અસરો અંગે ચર્ચા કરી હતી. આ ગ્રૂપ પર્યાવરણ, મોબાઇલ અને કેન્સરના સંબંધો અંગે ખૂબ જ સજાગ છે. આ ગ્રૂપે લોકોને મોબાઇલનાં વિ-કિરણોથી બચવાની સલાહ આપી છે.
ગયા વર્ષે નેશનલ કેન્સર ઇન્સ્ટિટયૂટનાં મેગેઝિને પણ મોબાઇલ અંગે કરવામાં આવેલા અભ્યાસનાં તારણો પ્રકાશિત કર્યાં હતાં. આ અભ્યાસમાં મોબાઇલના ઉપયોગ અને તેનાં જોખમને દર્શાવવામાં આવ્યાં હતાં.
વૈજ્ઞાાનિકોએ નોર્વે, ડેન્માર્ક, સ્વિટ્ઝર્લેન્ડ અને સ્વિડનનાં ૧ હજાર બાળકો અને કિશોરો સાથે વાતચીત કરી હતી. તેમને મોબાઇલના ઉપયોગના પ્રકારો અંગે પૂછવામાં આવ્યું હતું. તેમને પૂછવામાં આવ્યું કે તે મગજના કયા ભાગ પાસે મોબાઇલ રાખે છે અને કઈ રીતે વાત કરે છે, જે લોકો સાથે વાત કરવામાં આવી તેમાંથી ૩૫૦ને બ્રેઇન કેન્સર જોવા મળ્યો અને ૬૫૦ સામાન્ય નીકળ્યાં, જો કે તે સમયે ૩૫૦ બાળકોને મોબાઇલને કારણે જ બ્રેઇન ટયૂમર થયું હોવાનાં તારણને ફગાવી દેવામાં આવ્યાં હતાં પરંતુ હવે સેલફોનનાં વધારે ઉપયોગના ખતરાઓની અવગણના કરી શકાય તેમ નથી એટલે કે આ અહેવાલ નિષ્ણાતો દ્વારા વ્યક્ત કરવામાં આવતી આશંકાઓને સમર્થન આપે છે.