મુંબઈ, તા. ૬
રેલવે માલભાડામાં વધારો થયા બાદ હવે આયર્ન-ઓર અને સ્ટીલના ભાવમાં વધારો આવશે. ખાનગી ક્ષેત્રની સ્ટીલ ઉત્પાદન કંપનીઓ કિંમતોમાં પ્રતિ ટને રૂ. ૭૫૦થી રૂ. ૧,૭૦૦નો વધારો કરી રહી છે. કેટલીક કંપનીઓ પહેલેથી જ ફ્લેટ સ્ટીલનાં ઉત્પાદનમાં વધારો કરી ચૂકી છે, તો બીજી કંપનીઓ પણ ભાવવધારો કરવાની યોજના બનાવી રહી છે. બજારના જાણકારોનું કહેવું છે કે, એસ્સાર સ્ટીલ ભાવમાં ત્રણથી ચાર ટકાનો વધારો કરી શકે છે. ભૂષણ સ્ટીલના ડિરેક્ટર નીતિન જૌહરીના જણાવ્યા પ્રમાણે હાલ માર્કેટિંગ વિભાગ સાથે આ મુદ્દે વાતચીત ચાલી રહી છે. કોલ્ડ રોલ્ડ સ્ટીલના વેપાર સાથે સંકળાયેલાં સૂત્રોનું કહેવું છે કે, ખાનગી સ્ટીલ કંપનીઓ ભાવમાં રૂ. ૭૫૦થી ૧,૫૦૦નો વધારો કરશે.
તાતા સ્ટીલે જણાવ્યું કે, તેઓ હમણાં ભાવમાં વધારો નહીં કરે. પીએસયુ કંપની સેલના જણાવ્યા પ્રમાણે ફ્લેટ અને લોંગ સ્ટીલના ભાવ યતાવત્ રાખવામાં આવ્યા છે પરંતુ તે સિવાયની સ્ટીલ પ્રોડક્ટ્સમાં અઢી ટકાનો વધારો કરવામાં આવ્યો છે. સેઇલે માર્ચમાં લોંગ પ્રોડ્ક્ટસની કિંમતોમાં પ્રતિ ટન રૂ. ૫૦૦થી રૂ. ૭૦૦નો વધારો કર્યો હતો. લોંગ પ્રોડક્ટસનો ઉપયોગ બાધકામ અને માળખાકીય ક્ષેત્રમાં થાય છે. ફ્લેટ સ્ટીલનો ઉપયોગ કન્ઝ્યુમર ડયુરેબલ્સ અને વાહનોમાં થાય છે.
સ્ટીલ ઉત્પાદકોનું કહેવું છે કે એનએમડીસીએ આયર્ન-ઓરના ભાવમાં રૂ. ૪૦૦થી રૂ. ૫૦૦નો વધારો કરવાની વાત કરી છે. એનએમડીસી જેમની પોતાની ખાણ ન હોય તેવા ઉત્પાદકોને કાચું લોખંડ પૂરૃં પાડે છે. એસએમસીના રિસર્ચ રિપોર્ટ પ્રમાણે ચાલુ વર્ષના પહેલા કે ચોથા ત્રિમાસમાં સ્ટીલની કિંમતોમાં ૮.૫ ટકાનો વધારો થઇ શકે છે, એ જ રીતે આયર્ન-ઓરના ભાવમાં ૧૩ ટકાનો વધારો થઇ શકે છે. વૈશ્વિક સ્તરે સ્ટીલની માગ વધી રહી છે અને ચીનની માગમાં એકધારો વધારો થઇ જ રહ્યો છે. આ વખતનાં કેન્દ્રીય બજેટમાં સ્ટીલની આયાતડયૂટી વધારવામાં આવી છે, આનાથી સ્થાનિક સ્ટીલ કંપનીઓને ફાયદો થશે. આયાતડયૂટી વધારીને ૭.૫ ટકા કરવામાં આવી છે.
પોઇન્ટર
સ્ટીલના ભાવમાં પ્રતિ ટને રૂ. ૮૫૦થી રૂ. ૧,૭૦૦નો વધારો થશે
રેલવે માલભાડાના વધારાના કારણે ભાવ વધશે
કેટલીક કંપનીઓએ ભાવવધારાના સંકેત આપી દીધા
બાંધકામ અને ઓટોમોબાઇલ ઉદ્યોગના ખર્ચ પર અસર થશે