મુંબઇ 07, એપ્રિલ
તમને દિવ્યા ભારતી તો યાદ હશે. જી હાં, જેનું મોત 20 વર્ષ પહેલા પોતાના એપાર્ટમેન્ટની બાલ્કનીમાંથી પડવાને કારણે થયું હતું. આ વાત તો સહુ કોઇ જાણે છે પરંતુ આ ઘટનાને લગતા લેટેસ્ટ ન્યુઝ એ છે કે દિવ્યા ભારતીની મિસ્ટીરિયસ મોત પર ફિલ્મ બનવા જઇ રહી છે અને તેના પ્રોડ્યુસર છે વિક્રમ સંધૂ.
વિક્રમે આ પહેલા 'શહિદ ભગતસિંહ' નામની ફિલ્મ બનાવી ચૂક્યા છે. હાલ તેઓ દિવ્યા ભારતી પર બનનારી મૂવીની સ્ક્રિપ્ટ લખવામાં વ્યસ્ત છે. જ્યારે આ અંગે વિક્રમ સાથે વાત કરવામાં આવી તો તેઓએ જણાવ્યું કે, મારી ફિલ્મની વાર્તા એક ટીનેજર યુવતી પર છે, જે રાતોરાત સ્ટાર બની જાય છે. આ ફિલ્મમાં એક નાનકડાં ટાઉનમાંથી શરૂ થયેલી વાર્તાનો ઉલ્લેખ કરવામાં આવશે જેનો એન્ડ ટ્રેજિક હશે.
દિવ્યાની લાઇફ સાથે વાર્તાનો સંબંધ હોવા અંગે તેઓ કહે છે કે હા આ વાત સાચી છે કે આ વાર્તા થોડી ઘણી દિવ્યાની જિંદગી સાથે મળતી આવે છે, પરંતુ તે સંપુર્ણ રીતે તેના પર આધારિત નથી.
હાલ સંધૂ સ્ક્રિપ્ટ ફાઇનલ કરવામાં લાગી ગયા છે અને ફિલ્મ પ્રી પ્રોડક્શનના સ્ટેજ પર છે. તો વળી, ફિલ્મમાં લીડ રોલ કોઇ નવા ચહેરાને આપવા પર તેઓ વિચાર કરી રહ્યા છે, જેથી મુખ્ય પાત્રને ન્યાય આપી શકાય.
સૂત્રોના જણાવ્યા અનુસાર, ફિલ્મ મેકરને એવી કોઇ યુવતીની શોધ છે, જેનો લુક દિવ્યા ભારતી સાથે મેચ કરતો હોય. આ અંગે કરનાલ, ચંદીગઢ, જમ્મુ અને દિલ્હીમાં ઓડિશન થઇ રહ્યા છે.
આપણે તો બસ આશા રાખીએ કે સંધૂની આ શોધ જલ્દીથી પુર્ણ થાય જેથી દિવ્યાના ફેન્સને દિવ્યા તો નહીં, પણ તેના જેવી એક્ટ્રેસને તો જોવાનો અવસર મળે.