અલ્હાબાદ, તા. ૭
આ મામલે અખિલેશ યાદવના હસ્તક્ષેપની વકીલોની માગણી
અલ્હાબાદના રાજ્ય સરકાર સંચાલિત બાળગૃહમાં પટાવાળા દ્વારા ત્રણ સગીર બાળા પર બળાત્કાર કરવાના કેસમાં ડિસ્ટ્રિક્ટ એડમિનિસ્ટ્રેટિવે ગૃહના નવ સભ્યને સસ્પેન્ડ કર્યા છે, તેમની પર ફરજ દરમિયાન બેદરકારી રાખવાનો આરોપ મુકાયો છે. ડિસ્ટ્રિક્ટ એડમિનિસ્ટ્રેટિવના ચાર્જ સંભાળનારા ચીફ ડેવલપમેન્ટ અધિકારી બી. ચંદ્રકલાએ કહ્યું હતું કે, ઉત્તર પ્રદેશના મહિલા અને બાળકલ્યાણ વિભાગને સ્ટાફના આ નવ સભ્યની બરતરફીની ભલામણ મોકલવામાં આવી હતી.
શિવકુટી વિસ્તારમાં આવેલાં બાળગૃહના સુપરિન્ટેન્ડેન્ટ ઊર્િમલા ગુપ્તાને બેદરકારી દાખવવા બદલ બરતરફ કરવાની માગણીના બીજા દિવસે જ આ પગલું ભરવામાં આવ્યું છે જ્યારે આ પહેલાં આરોપી વિદ્યાભૂષણ ઓઝાને ગુનો કબૂલ્યા બાદ બરતરફ કરવામાં આવ્યો હતો. ઓઝા અહીં પટાવાળા તરીકે નોકરી કરતો હતો. બીજી બાજુ વકીલોનાં એક સંગઠને સમાજવાદી પક્ષના શહેર કાર્યાલય બહાર પ્રદર્શન કરી મુખ્યમંત્રી અખિલેશ યાદવને આ મામલે હસ્તક્ષેપ કરવાની માગણી કરી હતી.