Sandesh on Facebook Sandesh on Twitter Sandesh RSS Feeds Subscribe Daily Headlines Download Sandesh Toolbar Sandesh On Mobile
May 25,2013 04:13:17 PM IST
 

મંદી મનમાંય અનેક ઉલ્કાપાત સર્જી શકે (મનોવૃત્તિ)

Apr 07, 2012 Supplements > Columnist
 
comment     E-Mail     Print    
 
Viewed: 273
Rate: 0
Rating:
Bookmark The Article

મનોવૃત્તિ - રચના કોઠારી

શેરબજારમાં હર્ષદ મહેતાની માયાજાળનો ભાંડો ફૂટયા પછી બજાર જબરજસ્ત મંદીમાં હતું. રોકાણકારોની હતાશાનો પાર નહોતો. આ સમયગાળામાં લોકોની માનસિક સમતુલા ડગમગી ગઈ હોવાના ઘણા કિસ્સાઓ પ્રકાશમાં આવ્યા હતા. યુરોપ-અમેરિકામાં પણ અગાઉના દાયકાઓમાં પ્રસરેલા મંદીના જુવાળમાં ઘણી આત્મહત્યાઓ ચોપડે નોંધાઈ છે. સમાજની સાર્વત્રિક હતાશાનું પ્રતિબિંબ વ્યક્તિગત કિસ્સાઓમાં ઝીલાતું જોવા મળે છે. મોટાં યુદ્ધો, પરાજય કે કુદરતી પ્રકોપ પછીના ગાળામાં પણ લોકો અસંતુલિત બની ગયા હોવાનું જાણીતું છે.

સુરત શહેર (વન ઓફ ધ ફાસ્ટેસ્ટ ડેવલપિંગ સિટી ઓફ ઈન્ડિયા) આમાંથી બાકાત નથી. છેલ્લા દાયકાઓમાં સુરતે હીરા ને ટેક્સ્ટાઈલના વ્યાપમાં રાષ્ટ્રીય તેમજ આંતરરાષ્ટ્રીય કક્ષાએ કાઠું કાઢયું હતું. શહેર મોંઘુંદાટ બન્યું. જમીન, મિલકત તથા રિયલ એસ્ટેટના ભાવો આસમાને ગયા. જીવનધોરણ ઊંચું જતાં સામાન્યજનો મુશ્કેલીમાં મુકાયા. આવા સમયમાં ધીમે ધીમે ‘મંદી’ની બૂમો સંભળાવી શરૂ થઈ. પહેલાં હીરાઉદ્યોગમાં પછી કાપડઉદ્યોગમાં બજાર દબાયેલાં હોવાનો ગણગણાટ સંભળાવા માંડયો. મોટી ખરીદીઓ તથા મિલકતના સોદાઓ ઘોંચમાં પડતા દેખાયા. માર્કેટમાં કેશનો અભાવ વર્તાતો હોવાનું ચર્ચાવા માંડયું. કોઈ લેવાલ નથી’ કે ‘માલ એમનો એમ પડી રહ્યો છે’ એવાં વાક્યો છાશવારે સંભળાવાં માંડયાં. છેલ્લા કેટલાક મહિનાઓથી આ સ્થિતિ વધારે વણસી હોવાની સામાન્ય છાપ વર્તાય છે. જેની અસર જે તે બિઝનેસમાં પડેલા લોકો પર સીધી તથા એના પર અવલંબિત નગર પર આડકતરી અચૂક જોવા મળે છે.

એક બિઝનેસમેનને એટલી સખત માનસિક અસર પહોંચી છે કે તેઓનું વજન બે જ મહિનાના ગાળામાં પંદર કિલો જેટલું ઘટી ગયું. ખોરાક નહિવત્ થઈ ગયો અને ઊંઘ છેક જ વેરણ થઈ ગઈ. અન્ય એક વેપારી કે જે વર્ષે બે વાર કુટુંબ આખાને લઈને વિદેશપ્રવાસે જતા હતા તે વિદેશપ્રવાસ તો શું સાદી વીરપુર-શિરડી-અંબાજી કે મહુડીની જાત્રા કરવાનું ભૂલી ગયા અને આખો દિવસ ઘરમાં બેઠા બેઠા ચિંતા કરતા રહે છે. ઓસરતા વ્યાપારીની માઠી અસરનો ભોગ બનેલા અન્ય એક વેપારી સાવ મૂંગામંતર થઈ ગયા છે. કોઈ સાથે બોલતા નથી, તહેવારોમાં ભાગ નથી લેતા અને કોઈ કંઈ પૂછવા જાય કે તરત જ ધ્રૂસકે ધ્રૂસકે રડી દે છે. આવડી મોટી ઉંમરના પિતાને બધાની હાજરીમાં વારંવાર રડતા જોઈ તેનાં બાળકો પણ હેબતાઈ ગયાં છે.

આ અવસ્થાને મનોચિકિત્સાની ભાષામાં ‘રિએક્ટિવ ડિપ્રેશન’ કહે છે. જેની સૌથી મોટી આડઅસર એ છે કે એક વાર ડિપ્રેશનમાં ફસાયા બાદ વ્યક્તિ તેની પરિસ્થિતિ સાથે ઝઝૂમવાનું માંડી વાળે છે. તે પોતાની યાતાનાના વિષચક્રમાં જ ઘૂમરાયા કરે છે. એકદમ સંવેદનશીલ બની જાય છે. નાની નાની વાતોમાં તે ચીડાઈ જાય છે અને ખોટું લગાડી બેસે છે.

મહત્ત્વનું એ છે કે બજાર મંદીમાં હોય યા તો બિઝનેસ ડાઉન હોય ત્યારે એનાથી અસર પામેલા તમામે તમામને કંઈ આવું થઈ જતું નથી. ઘણા લોકો એવા હોય છે જેઓ ભલભલી મુસીબતોમાંય ખિલખિલાટ હસતા રહી શકે છે. ડિપ્રેસ્ડ થનાર અને ન થનારમાં શો તફાવત હશે? કદાચ એવા લોકો જેઓના કુટુંબમાં મનોગત સમસ્યાઓ વધુ માત્રામાં હોય તેઓ ઉદાસ થઈને ભાંગી પડે એવી શક્યતા વધુ હોય છે. તો ક્યારેક વ્યક્તિનું જીવનદર્શન, તેની ફિલોસોફિકલ ઈન્ટિગ્રિટી પણ આવા સંજોગોમાં અગત્યની બની છે. જીવનને પોઝિટિવલી માણનાર તેની સામે બળાપા કાઢયા કરવાને બદલે સુંદર સવાર રચનાર લોકો કદાચ મોટી મનોસમસ્યામાંથી ઉગરી જતા હશે. તો સાથે જ વ્યક્તિની સપોર્ટ સિસ્ટમપણ તેને માનસિક રીતે તંદુરસ્ત રાખવામાં મહત્ત્વની ભૂમિકા ભજવે છે. સમજદાર જીવનસાથી, હિંમત આપનાર સ્વજનો અને સાથે ઊભા રહીને મદદ કરનારા મિત્રો ઘણાને ઉગારી શકે છે.

ઘણી વાર એવું બને છે કે વારંવાર મોટી મંદીનો અનુભવ કરી ચૂકેલા લોકો પણ ઓચિંતા ભાંગી પડે છે. સહુને નવાઈ એ વાતની લાગે છે કે આ વખતે કંઈ એટલી મોટી મુશ્કેલી નથી તો પછી આવું કેમ થયું? કદાચ વારંવારની તાણ પણ મનને ક્ષુબ્ધ કરી મૂકે છે. છેલ્લા મહિનાઓમાં શહેરના મનોચિકિત્સકોએ એવા કિસ્સાઓ જોયા છે. ઝડપી ઔદ્યોગિક વિકાસ કરતાં શહેરોમાં આવું બનતું જ રહેવાનું કે બજારો ડામાડોળ થતાં રહે. ઓચિંતા અકલ્પનીય ઊથલાઓ આવતા રહે. તેજી-મંદીનાં ચક્કરો અણધાર્યાં પલટાતાં રહે. તે વખતે પડતી માનસિક તાણનો મુકાબલો કરવો જ રહ્યો. એને માટે વ્યક્તિગત ધોરણે આટલું થઈ શકે. મનોચિકિત્સક સારવાર ઉપરાંત કૌટુંબિક સહાયનો ઉપયોગ કરવો. સામાજિક, સાંસ્કૃતિક ક્ષેત્રે ઈન્વોલ્વ થવું. પોતાને ખૂલીને વ્યક્ત થવા દેવું અને છેલ્લે, પોતાના જ અગાઉના અનુભવોમાંથી કંઈક શીખવા પ્રયત્ન કરવો.

 
Share This


 
 
   
blog comments powered by Disqus
 
 
© Reproduction in Whole or in part without written permission is prohibited.
investorsgrievance@sandesh.com