ટૂંકી વાર્તા - જોન વાયની શ્લેજર
જ્યોર્જ મિસૂરી વેલી કોલેજની ફૂટબોલ ટીમનો સારો ખેલાડી હતો. મારો બીજો ભાઈ બોબ હંમેશાં તેની પડખે રહેતો અને તેને હાર માનવા ન દેતો ને તેને હંમેશાં એક જ વાત સમજાવતો - દરેક મુશ્કેલીનો રસ્તો નીકળે જ છે, એનો રસ્તો હોય જ છે. દરેક અકસ્માત પછી જ્યોર્જ વધુ મજબૂત થઈ બહાર આવતો અને વિઘ્નોને પાર કરવાની પોતાની ક્ષમતા જોઈ ખુશ થતો. તેણે વાંચેલું કે જો માણસ રસ્તા પરનાં વિઘ્નો તરફ જોશે તો તે ધ્યેય ચૂકી જશે
૧૯૪૬માં એ રાત્રે અમારા ઘર પર જે તોફાન ત્રાટક્યું હતું તેને હું કદી નહીં ભૂલું.
ફૂટબોલ પ્રેક્ટિસ કરી મારો ભાઈ ઘરે આવ્યો ને તરત ફસડાઈ પડયો. તેને ૧૦૪ ડિગ્રી તાવ હતો. ડોક્ટરે કહ્યું, તેને પોલિયો થયો છે. એ દિવસોમાં પોલિયોની બીમારી વેબ્સ્ટર, મિસૂરીમાં વારંવાર થતી અને કેટલાંય બાળકો મરી જતાં, અપંગ થઈ જતાં.
ડોક્ટરે ત્યાર પછી એક દિવસ જ્યોર્જને કહ્યું, “દીકરા, તને આવું કહેવું મને ગમતું નથી પણ તને પોલિયો થયો છે. તું ઘોડી લીધા વગર કે અચકાયા વિના ચાલી નહીં શકે. તારો ડાબો હાથ પણ નકામો થઈ ગયો છે.”
જ્યોર્જે હંમેશાં ચેમ્પિયન થવાનું સ્વપ્ન જોયું હતું. ગયા વર્ષે જરાક માટે જ તે રહી ગયો હતો. તેની વાચા તો જાણે હણાઈ ગઈ. માંડ તે બોલ્યો, “ડોક્ટર.”
“બોલ.” ડોક્ટરે તેના ખભા પર હાથ મૂક્યો, “શું કહે છે બેટા?”
“ગો ટુ હેલ.” તેના અવાજમાં એક સંકલ્પ હતો.
બીજા દિવસે નર્સ તેના કમરામાં ગઈ તો તે જમીન પર ઊંધો પડયો હતો.
“આ શું?” નર્સ આઘાત પામી.
“કંઈ નહીં, હું ચાલવાનો પ્રયત્ન કરતો હતો.”
તેણે લાકડી કે ઘોડીનો ઉપયોગ કરવાની ના પાડી. ક્યારેક તો વીસ મિનિટ સુધી તે ખુરશીમાંથી ઊભો ન થઈ શકે, છતાં તે કોઈની મદદ ન લે.
મને યાદ છે ૧૦૦ પાઉન્ડ વજન ઊંચકવા માટે કરવો પડે તેટલો પરિશ્રમ તેને એક ટેનિસ બોલ ઊંચકવા માટે કરવો પડતો હતો. એક પગલું ભરવા માટે પણ તેને કેટલો સંઘર્ષ કરવો પડયો હતો એ પણ યાદ છે.
પણ વાત અહીં પૂરી થતી નથી.
મિસૂરી વેલી કોલેજની ફૂટબોલ ટીમનો તે સારો ખેલાડી હતો. મારો બીજો ભાઈ બોબ હંમેશાં તેની પડખે રહેતો અને તેને હાર માનવા ન દેતો ને તેને હંમેશાં એક જ વાત સમજાવતો - દરેક મુશ્કેલીનો રસ્તો નીકળે જ છે, એનો રસ્તો હોય જ છે.
જ્યોર્જની સારવાર ત્રણ વર્ષ ચાલી. ૧૯૪૮ની એક બપોરે તે થોડું ચાલી શક્યો,પણ તેનો પગ કટાયેલી ખીલી પર પડયો અને ખીલી તેના પગમાં ઘૂસી ગઈ.
૧૯૪૯માં તેને ફિલ હેરિસે ઓડિશન માટે બોલાવેલો ને તેને કાકડા થયા.
૧૯૫૦માં તે દાઝી ગયો. ૪૦ ટકા બર્ન્સ થવાથી તેનાં ફેફસાં ખરાબ થઈ ગયાં. ત્યારે તેને મારા બીજા ભાઈ એલને બચાવ્યો હતો ને તે પોતે પણ ઘણું દાઝ્યો હતો.
આ દરેક અકસ્માત પછી જ્યોર્જ વધુ મજબૂત થઈ બહાર આવતો અને વિઘ્નોને પાર કરવાની પોતાની ક્ષમતા જોઈ ખુશ થતો. તેણે વાંચેલું કે જો માણસ રસ્તા પરનાં વિઘ્નો તરફ જોશે તો તે ધ્યેય ચૂકી જશે.
આ આત્મવિશ્વાસ અને રમૂજી સ્વભાવે તેને રક્ષ્યોઃ થોડા સમય પછી તો શો બિઝનેસમાં પ્રવેશ્યો અને ‘લાફ ઇન’ ‘અમેરિકન કોમેડી એવોર્ડ્ઝ’ જેવા મૌલિક કાર્યક્રમો દ્વારા ટેલિવિઝનની દુનિયામાં ક્રાંતિ સર્જી અને ઇનામો પણ મેળવ્યાં.
ખરેખર તેણે સાબિત કર્યું હતું કે સોનું આગમાં તપે તેમ વધારે શુદ્ધ થાય છે. તેણે પોતાની તાકાત બતાવી અને પૂરા દેશને આનંદ આપ્યો.
લાસ્ટ લાઇન
સરળ અને સીધા સંજોગોમાં વ્યક્તિત્વ નથી ઘડાતું. વ્યક્તિત્વ ઘડાય છે અનુભવોથી, કસોટીથી, પીડાથી. તેમાંથી પસાર થતાં થતાં જ આત્મા મજબૂત બને છે, દૃષ્ટિ સાફ થાય છે, મહત્ત્વાકાંક્ષા જાગૃત થાય છે અને સફળતા પ્રાપ્ત થાય છે.
- હેલન કેલર
(‘સ્નેહનું સૌંદર્ય’ પુસ્તકમાંથી, પ્રકાશકઃ આર. આર. શેઠ, અમદાવાદ)