Sandesh on Facebook Sandesh on Twitter Sandesh RSS Feeds Subscribe Daily Headlines Download Sandesh Toolbar Sandesh On Mobile
May 20,2013 08:01:23 PM IST
 

હસુભાઈ નોનસ્ટોપ ઓન ‘સચીનની સોમી’ (વાતનું વતેસર)

Apr 07, 2012 Supplements > Columnist
 
comment     E-Mail     Print    
 
Viewed: 514
Rate: 0
Rating:
Bookmark The Article

વાતનું વતેસર - ડો. રઈશ મનીઆર

હસુભાઈએ સવારની પહોરમાં પેડ-ગ્લવ્ઝ વગર બેટિંગ શરૂ કરી, “જોયું? સચીન રાહુલ દ્રવિડની ફેરવેલમાં હાજર ન રહ્યો. પત્રકારો ‘તમે ક્યારે...’ પૂછે ને એટલે.”

મેં કહ્યું, “એવું નથી, એ ભારતમાં જ નહોતો.”

વાહ, દ્રવિડની ફેરવેલમાં ન ગયો ને મૂકેશ અંબાણીની વેલફેર જોવા એન્ટિલા પહોંચી ગયો?”

વાત તો સાચી. સચીને ઇન્ડિયન ટીમના ભિલ્લુઓ કરતાં મુંબઈ ઇન્ડિયન ટીમના પિલ્લુઓ અને સલ્લુઓને પ્રેફરન્સ આપ્યો. ફોર અ ચેઇન્જ મેં હસુભાઈને સાથ આપ્યો અને જાણે મર્કટને મદિરાપાન કરાવ્યું.

દ્રવિડે એના પ્રવચનમાં સચીનને ડ્રોપ કર્યો એટલે સલમાને અંબાણીઝની પાર્ટીમાં આ મુંબઈ ઇન્ડિયનને વધાવ્યો.

શેની પાર્ટી હતી?”

હસુભાઈએ મારી સામાન્ય જ્ઞાનની પૃચ્છાનો જવાબ વિશેષ જ્ઞાનથી આપ્યો, “રાજ ઠાકરે નામના વિખ્યાત સમાજશાસ્ત્રીએ પાડેલા વર્ગીકરણ મુજબ મુંબઈમાં બે પ્રકારના ઇન્ડિયન વસે છે. મલાઈ ખાનારા અને ધુલાઈ ખાનારા. જ્યાં સૌ મલાઈ ખાનારા ભેગા મળ્યા એવી મૂકેશ અંબાણીની પાર્ટીમાં સલમાન હોસ્ટ (એન્કર) હતો.

અચ્છા? શું થયું પાર્ટીમાં?”

બ્રેડમેન જીવતા હતા ત્યાં સુધી કારકિર્દીની શરૂઆતમાં સચીનને બ્રેડમેન અભિનંદન આપતા. કારકિર્દીના અસ્તાચળે સચીનનાં નસીબ કે હવે સલમાન એને અભિનંદન આપે છે. સલ્લુએ સચીનને સોમી બદલ અભિનંદન આપ્યાં.

મેં મમરો મૂક્યો, “સલ્લુએ સંગીતાને જતી કરી તે અઝહરને વરી અને સલ્લુએ સોમી (સોમી અલી)ને જતી કરી તે સચીનને વરી.

હસુભાઈ અખબારમાં પૂરો હેવાલ વાંચીને આવ્યા હતા. એ હેવાલ સંભળાવી મને પૂરો કરી મારા હાલહવાલ બગાડવા કટિબદ્ધ હતા, પાર્ટીમાં પ્રિયંકા ચોપરા પણ હતી. શાહરુખ અને અક્ષય જેવા સાવ બૂઢાઓ સાથે કામ કરી ટેવાયેલી પ્રિયંકાએ નવબૂઢા સચીનને ઓફર કરી, “ચાલો નવી ફિલ્મ લોન્ચ કરીએ.” સચીને પૂછ્યું, “ટાઇટલ શું રાખશું?” પ્રિયંકાએ કહ્યું, “ટાયર્ડ હૂં, રિટાયર્ડ નહીં!”

મેં લાગણી વ્યક્ત કરી, ‘સચીનને સોમી બદલ ભારતમાંથી થોડાં ઓછાં અભિનંદન મળ્યાં, નહીં?”

હસુભાઈ કહે, “એ તો ખરું જ, પણ જોકે પાકિસ્તાનીઓએ એનો આભાર માનીને સાટુ વાળી દીધું. પાકિસ્તાનીઓ માને છે કે સચીને માત્ર પોતાની સદીની સદી નથી કરી પણ બાંગ્લાદેશને ફાઈનલમાં આવવાની તક આપી અને એ રીતે પાકિસ્તાનને એક ફાઈનલ જીતવાની તક આપી એ એના સરહદ પારના દેશો પ્રત્યેનો અપાર પ્રેમ અને હૃદયની વિશાળતા સૂચવે છે.

મેં કહ્યું, “હસુભાઈ આમ કટાક્ષ ન કરો, સચીન કાયમ દેશ માટે રમે તો કદી તો પાડોશી દેશ માટે રમે ને યાર! આ વાત ભલે ભારતીયોને ન સદી, પણ સદી આખરે સદી છે. પાડોશી દેશો તો એટલે સુધી કહે છે કે જો તમે સચીનને ભારતરત્ન આપવાના ન હો તો અમે પાકિસ્તાનરત્ન કે બાંગ્લાદેશરત્ન આપવા તૈયાર જ છીએ.

હસુભાઈ કહે, “એ ગમે તે હોય પણ સચીન ભારતપ્રેમી તો ખરો. સચીને એમ કહ્યું કે મારો રેકર્ડ કોઈ વિદેશી નહીં પણ વિરાટ કોહલી કે રોહિત શર્મા તોડશે. જોકે સાથે સાથે એમ પણ કહ્યું કે હું ૨૦૧૫ સુધી તો રમીશ જ. એટલે રોહિત શર્મા જરા ટેન્શનમાં છે. એ હવે એ જ વિચારતો હશે કે બારમા ખેલાડી તરીકે સદી કેવી રીતે મારી શકાય?”

મેં સૂર પુરાવ્યો, “સચીન રિટાયર્ડ થાય એની રાહ જોવામાં ઘણા ટાયર્ડ થઈ ગયા.”

હસુભાઈએ એમના સામાન્ય જ્ઞાનના ખજાના સાથે વાતનો તંતુ પકડી લીધો, “મનોજ તિવારી પણ વારી આવે એની વારી જોઈ રહ્યો છે. પ્રેક્ટિસ કરવાનું છોડી ચેતેશ્વર પૂજારા ઈશ્વરની પૂજા કરી રહ્યો છે. અરે, બાર તેર વરસના છોકરાંઓને માબાપે કોચિંંગ કેમ્પમાં મોકલવાનું બંધ કર્યું છે. માબાપ કહે છે, “બેટા, સચીન દાદા રિટાયર થાય પછી.” અરે, ખુદ સચીનનો દીકરો અર્જુન ક્રિકેટર બનવાની ખેવના રાખે છે. એને પણ એની મમ્મી કહેતી તો હશે જ ને કે બેટા, તારા પપ્પા રિટાયર થાય તો તારો ચાન્સ લાગશે ને!’..”

હસુભાઈ આજે અનસ્ટોપેબલ હતા. દસ વરસ પહેલાંના સચીન જેવા, “સચીનને વિશ્વ ક્રિકેટ ઘણું સન્માન આપે છે, વિદેશી ટીમો તો ઘણી વાર સચીનના કેચ ડ્રોપ કરી ક્રીઝ પર રહેવાનો ચાન્સ આપે છે. આ તરફ ભારતીય ક્રિકેટ બોર્ડ એને ડ્રોપ ન કરી ક્રીઝ પર રહેવાનો ચાન્સ આપે છે.

મેં અમારી સાહિત્યકારો સાથેની સચીનની સગાઈ જાહેર કરી, “ગુજરાતીની પહેલી નવલકથા ‘કરણઘેલો’ લખનાર નંદશંકર સચીનના પરદાદાસસરા થાય. એમને ખબર નહીં હોય કે એમનો આ પરપૌત્ર જમાઈ આવો ‘કરણઘેલો’ નહીં પણ ‘રનઘેલો’ નીવડશે. એમણે સચીનને સપનામાં આવીને કહેવું જોઈએ કે હવે લોકોએ તને રમતો જોવો હશે તો વીડિયો પર જોઈ લેશે, શું કામ લાઈવમાં બૂટ અને બેટ ઘસે છે? વાનખેડેને ખેડવાનું છોડ! વાનપ્રસ્થ થા! બેટા, સચીન! તું સાચો ‘રનઘેલો’ હોય તો તારે પોતાના દીવાનખંડમાં બેસીને વિરાટ અને રોહિતને રમતા જોવા જોઈએ.”

amiraeesh@yahoo.co.in
 
Share This


 
 
   
blog comments powered by Disqus
 
 
© Reproduction in Whole or in part without written permission is prohibited.
investorsgrievance@sandesh.com