Sandesh on Facebook Sandesh on Twitter Sandesh RSS Feeds Subscribe Daily Headlines Download Sandesh Toolbar Sandesh On Mobile
May 22,2013 07:56:03 AM IST
 

પરિવારની પ્રતિષ્ઠા માટે પ્રતિબદ્ધ આર્જેન્ટિના (વિવિધ સંસ્કૃતિ)

Apr 07, 2012 Supplements > Columnist
 
comment     E-Mail     Print    
 
Viewed: 512
Rate: 0
Rating:
Bookmark The Article

વિવિધ સંસ્કૃતિ - સુકુમાર એમ. ત્રિવેદી
સત્તાવાર નામ
આર્જેન્ટિનિયન રિપબ્લિક
સ્થાન
દક્ષિણ અમેરિકા
કુલ વિસ્તાર
૨,૭૩૬,૬૯૦ ચો.કિમી.
કુલ વસ્તી
૪,૧૩,૪૩,૨૦૧
રાજધાની
બ્યુએનોસ આયર્સ
મોટાં શહેર

કોર્ડોબા, રોસારિયો, મેન્ડોઝા, માર ડેલ પ્લાટા

મુખ્ય ભાષા
સ્પેનિશ અથવા કેસ્ટિલિયન
ધર્મઃ

રોમન કેથલિક, યહૂદી, ઇસ્લામ પ્રોટેસ્ટન્ટ

આર્જેન્ટિનાની શોધ ૧૫૧૬માં સાગરખેડુ જુઆન ડીઆઝ દ સોલિસે કરી હતી અને તે પછી આર્જેન્ટિના સ્પેનનું એક સંસ્થાન બન્યું હતું. રાજધાની બ્યુએનોસ આયર્સની રચના ૧૫૮૦માં થઈ હતી. સ્પેનના આ સંસ્થાન પર બ્રિટિશ લશ્કરી દળોએ વારંવાર હુમલા કર્યા હતા, પરંતુ ૧૮૦૭ સુધીમાં તેમને પૂરેપૂરા હાંકી કાઢવામાં આવ્યા હતા. ઈ.સ.૧૮૦૮માં નેપોલિયન બોનાપાર્ટે સ્પેન પર વિજય મેળવ્યો તે પછી ૧૮૧૦માં આર્જેન્ટિનિયનોએ પોતાની સરકારની સ્થાપના કરી હતી અને સત્તાવાર રીતે ૧૮૧૬ની નવમી જુલાઈએ આર્જેન્ટિનાના સ્વાતંત્ર્યદિન તરીકે જાહેર કરવામાં આવ્યો હતો. પહેલા અને બીજા વિશ્વયુદ્ધમાં આર્જેન્ટિના તટસ્થ રહ્યું હતું. આમ છતાં બીજા વિશ્વયુદ્ધમાં પાછલા સમયમાં (૧૯૪૫માં) તેણે ધરી (એક્સિઝ) દેશો સામે યુદ્ધની જાહેરાત કરી હતી. યુદ્ધ પછી એક લશ્કરી અધિકારી જુઆન દ પેરોન આર્જેન્ટિનાના એક મજબૂત નેતા તરીકે ઊતર્યા હતા અને ૧૯૪૬ અને ૧૯૫૧માં થયેલી પ્રમુખપદની ચૂંટણીઓમાં વિજયી બન્યા હતા, પરંતુ ૧૯૫૫માં તેમની સામે થયેલા લશ્કરી બળવાને પગલે તેઓ તેમનો દેશ છોડીને ચાલ્યા ગયા હતા અને ૧૯૭૩માં પાછા ફર્યા ત્યાં સુધી આર્જેન્ટિનામાં લશ્કરી સરમુખત્યારશાહીનું શાસન રહ્યું હતું.

અર્થતંત્ર

આર્જેન્ટિના એક બજારલક્ષી તેમજ વિપુલ પ્રમાણમાં કુદરતી સંપત્તિ ધરાવતું મિશ્ર અર્થતંત્ર છે. તેના અર્થતંત્રમાં કૃષિક્ષેત્રની નિકાસોનો ફાળો મોટો છે ને સાથે જ વિવિધ પ્રકારના ઉદ્યોગોનો પણ વિકાસ થયો છે. આમ છતાં તેના વાર્ષિક ઉત્પાદનમાં સેવાક્ષેત્રનો ભાગ સૌથી મોટો એટલે કે લગભગ ૫૯ ટકા જેટલો છે અને કુલ રોજગારીમાં આ ક્ષેત્રનો ફાળો લગભગ ૭૨ ટકા જેટલો છે. ૨૦૧૦માં તેની કુલ નિકાસ આવકમાં અનાજ અને ફૂડ પ્રોસેસિંગ ઉદ્યોગનો ફાળો ૫૪ ટકા જેટલો હતો. આમ છતાં, ફુગાવાનો ઊંચો દર આર્જેન્ટિનાના અર્થતંત્ર સામે દાયકાઓથી ચાલુ રહેતી સમસ્યા છે. શહેરી ગરીબીના પ્રમાણમાં ૨૦૦૨ પછી ઘણો ઘટાડો થયો છે, પરંતુ ભારતની જેમ જ ભ્રષ્ટાચાર આર્જેન્ટિનાના અર્થતંત્રનું એક લક્ષણ છે અને દુનિયાના સૌથી ઓછી પારદર્શકતા ધરાવતા ૧૭૮ દેશોમાં તેનો નંબર ૧૦૫મો છે, પરંતુ સાથે જ માનવ વિકાસ આંક (હ્યુમન ડેવલપમેન્ટ ઇન્ડેક્સ)ની દૃષ્ટિએ આર્જેન્ટિના દક્ષિણ અથવા લેટિન અમેરિકાના દેશોમાં ચિલી પછીનો સૌથી વધુ વિકસિત દેશ છે. જોકે તેના અર્થતંત્રની ગણના દુનિયામાં વિકાસશીલ દેશ તરીકે જ થાય છે.

સંસ્કૃતિ

આર્જેન્ટિનામાં મુખ્યત્વે સ્પેનિશ અને ઇટાલિયન મૂળના ગોરાઓની સંખ્યા લગભગ ૯૭ ટકા જેટલી છે અને બાકીના ત્રણ ટકામાં મેસ્ટિઝો, અમેરિકન, ઇન્ડિયન અને બીજા અશ્વેત લોકોનો સમાવેશ થાય છે. સમગ્રતયા દૃષ્ટિએ આર્જેન્ટિનાની સંસ્કૃતિ યુરોપિયન વધારે અને લેટિન અમેરિકન ઓછી છે. આર્જેન્ટિનાની સત્તાવાર ભાષા સ્પેનિશ છે, પરંતુ આર્જેન્ટિનામાં બોલાતી સ્પેનિશ સ્પેનમાં બોલાતા સ્પેનિશ કરતાં ઘણી જુદી છે અને કેટલીક રીતે તેની લઢણ સ્પેનિશ કરતાં ઇટાલિયન સાથે વધુ મળતી આવે છે. આથી આર્જેન્ટિનામાં બોલાતી સ્પેનિશ ભાષાને કેસ્ટિલિયન પણ કહેવામાં આવે છે. આ ઉપરાંત આર્જેન્ટિનામાં બોલાતી ભાષાઓમાં ઇટાલિયન, જર્મન, અંગ્રેજી અને ફ્રેન્ચ તથા સ્પેનિયાર્ડોના આગમન પહેલાંના અહીંના નિવાસીઓ દ્વારા બોલાતી ટેહુલ્યે, ગુઆરાની અને ક્વેચુઆ નામની ભાષાઓનો સમાવેશ થાય છે. આર્જેન્ટિનાના બંધારણમાં ધાર્મિક સ્વતંત્રતાના અધિકારનો સમાવેશ કરવામાં આવ્યો છે. આમ છતાં, સત્તાવાર રીતે આર્જેન્ટિના બિનસાંપ્રદાયિકતાવાદી (સેક્યુલર) દેશ નથી અને ખ્રિસ્તી રોમન કેથલિક તે દેશનો સત્તાવાર ધર્મ છે. આ ઉપરાંત પ્રોટેસ્ટન્ટ ખ્રિસ્તી તેમજ ખ્રિસ્તી ધર્મના અન્ય સંપ્રદાયો પણ અહીં પ્રવર્તમાન છે અને છેલ્લા બે-ત્રણ દાયકાથી અહીં ઇસ્લામી ધર્મ પાળતા લોકોની સંખ્યામાં પણ વધારો થઈ રહ્યો છે. આર્જેન્ટિનિયન સંસ્કૃતિ અને સમાજજીવનમાં કૌટુંબિક ભાવના અને કૌટુંબિક મૂલ્યોનું સ્થાન ઘણું ઊંચું છે અને અન્ય દેશોથી અહીં સંયુક્ત કુટુંબોની સંખ્યા ઘણી મોટી છે. આ કુટુંબોના વડાઓને વિશિષ્ટ પ્રકારનું માન અને સન્માન આપવામાં આવે છે. કુટુંબની પ્રતિષ્ઠા અથવા ‘ફેમિલી ઓનર’ આર્જેન્ટિનિયનો માટે જાણે જીવન અને મરણ જેટલો મહત્ત્વનો પ્રશ્ન ગણાય છે અને તેની અસર તેમના રોજબરોજના સામાન્ય જીવનમાં જ નહીં પણ વેપારધંધામાં પણ જોવા મળે છે.

ખાણીપીણી

આર્જેન્ટિનિયન ખાણીપીણી અને વાનગીઓને ભૂમધ્ય સમુદ્રની (મેડિટરેનિયન) એટલે કે ઇટાલિયન, સ્પેનિશ તેમજ અરેબિક વસ્તીના સાંસ્કૃતિક સમન્વય તરીકે ગણાવી શકાય. આ દેશમાં પશુધન તેમજ કૃષિપેદાશની વિવિધતાને કારણે તેમના ખોરાક અને વાનગીઓમાં વિવિધ પ્રકારની માંસાહારી વાનગીઓ ઉપરાંત શાકાહારી વાનગીઓનું પણ પ્રાધાન્ય છે, પરંતુ ગાયના માંસની વાનગીઓનું પ્રમાણ સૌથી ઊંચું છે.

આર્જેન્ટિનામાં દરેક વ્યક્તિ દર વર્ષે સરેરાશ ૧૦૦ કિલોગ્રામ જેટલા ગાયના માંસ (બીફ)નું ભક્ષણ કરે છે તેવી ગણતરી તાજેતરમાં કરવામાં આવી હતી. એલ ર્માિટન ફાઇરો, એમ્પાડાનસ પ્યુકેમેમસ, એસાડો, લોક્રો, બિફસ્ટુ, મિલેનાસાવગેરે આર્જેન્ટિનાની પરંપરાગત વાનગીઓ છે.

પરંપરા અને રીતરિવાજો

આર્જેન્ટિનામાં સૈકાઓથી ફ્રાન્સના પેરિસની જેમ કાફે-કલ્ચર’ વિકસ્યું છે. મોટાં શહેરોમાં લોકો સવારે જાહેર રસ્તાઓ પર ઊભી કરવામાં આવેલી નાની-મોટી ચા-કોફી અને બ્રેડ, કેક જેવી વાનગીઓ પીરસતી કાફેમાં બેસીને વાતો કરતાં કરતાં મોટે ભાગે એસ્પ્રેસો કોફીનો આનંદ માણે છે. વળી, તેઓ એકબીજાના ઘરની મુલાકાત લે ત્યારે અહીં ‘યેબોમેટ’ નામનું પીણું મહેમાનોને પીવડાવવાની પરંપરા છે. આર્જેન્ટિનામાં લોકો (પુરુષો અને સ્ત્રીઓ પણ) એકબીજાને મળે ત્યારે અચૂકપણે એકબીજાના ગાલ પર ચુંબન કરે છે, એટલું જ નહીં, તેઓ એમ પણ માને છે કે હાથ મિલાવવા કરતાં ચુંબન કરવું તે આરોગ્યની દૃષ્ટિએ વધુ સારું છે. આર્જેન્ટિનામાં આળસુ કહેવાતા લોકો ધિક્કારને પાત્ર બને છે અને ઉદ્યમને એક ઊંચો સદ્ગુણ માનવામાં આવે છે.

smt2@rediffmail.com
 
Share This


 
 
   
blog comments powered by Disqus
 
 
© Reproduction in Whole or in part without written permission is prohibited.
investorsgrievance@sandesh.com