પેવેલિયન - એ. ડી. વ્યાસ
વિશ્વના સૌથી ધનાઢય બોર્ડ ઓફ કંટ્રોલ ફોર ક્રિકેટ ઇન ઇન્ડિયા (BCCI) દ્વારા ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL)ની પાંચમી આવૃત્તિનો રંગેચંગે આરંભ તો થઈ જ ગયો છે, પણ પબ્લિક ઇન્ટરેસ્ટ લિટિગેશન (PIL) તેમનો પીછો છોડતી નથી.
ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ વિશ્વનું સૌથી વધુ આવકવાળું ક્રિકેટ બોર્ડ છે. ભારતનાં બધાં જ રમતમંડળોને ૨૫ વર્ષ સુધી આર્થિક મદદ કરી શકે તેવી તાકાત તેની પાસે છે. દેશના કોઈ પણ મંડળના પ્રમુખ અને મંત્રીને તેમના મંડળ એસોસિયેશન કે ફેડરેશનની આવક જાવકના આંકડા જીભને ટેરવે હોય છે. તેમને ઊંઘમાં પણ પૂછવામાં આવે તોપણ તરત જ જવાબ મળી શકે છે (કારણ આંગળીના વેઢે ગણાય તેટલું બેન્ક બેલેન્સ હોય છે.) પણ ક્રિકેટ બોર્ડના પ્રમુખ કે મંત્રીને કમ્પ્યુટર કે પછી તેમના ખજાનચીનો સહારો લેવો પડે છે. કારણ કે ક્રિકેટ બોર્ડ પાસે ગણ્યા ગણાય નહીં એટલા પૈસા છે. પણ તેના વહીવટમાં ઘણી ત્રુટીઓ છે. એક પ્રમુખ, ચાર ઉપપ્રમખ, બે મંત્રી, બે બે ખજાનચી અને વિવિધ કમિટિના સભ્યો ઉપરાંત બોર્ડની મુંબઈ ખાતેની ઓફિસમાં મસમોટો સ્ટાફ છે, જેને મહિને લાખો રૂપિયાનો પગાર ચૂકવાય છે. અને તેમ છતાં એક નહીં અનેક ગોટાળા છે. ભલે તેઓ પારર્દિશતાની વાતો કરતા હોય પણ ધોળું એટલું દૂધ એ વાત માની ન શકાય.
પૈસાના જોરે ક્રિકેટ બોર્ડ વિશ્વમાં ક્રિકેટનું સંચાલન કરનાર ઇન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ(ICC)ને પણ આંગણીના ટેરવે નચાવે છે અને તેનો ઉત્તમ દાખલો IPL નો છે. ICCના વિરોધ છતાં છેલ્લાં પાંચ વર્ષોથી ટંકશાળ જેવી ઇન્ડિયન લીગનું આયોજન કરવામાં આવે છે. ફક્ત ૨૦-૨૦ ઓવરના ફોર્મેટવાળી આ ટૂર્નમેન્ટમાં ક્રિકેટપ્રેમીઓને પણ રસ પડયો છે, તેથી મોટી મોટી કંપનીઓ પણ સ્પોન્સરઅપ માટે કરોડો ખર્ચી રહી છે.
દર વર્ષે IPL નીઆવકમાંથી ક્રિકેટ બોર્ડને કરોડો મળે છે અને તેથી તિજોરી છલકાઈ ગઈ છે. પણ તેના આયોજનમાં એટલા બધા છબરડા અને ગોટાળા થયા છે કે એક નહીં પણ એક ડઝન કેસ કોર્ટમાં ચાલે છે. IPL જેના ભેજાની પેદાશ છે તે લલિત મોદી વિરુદ્ધ ક્રિકેટ બોર્ડે કેસ કર્યો છે તો વળતા ઘા રૂપે મોદીએ પણ કોર્ટનો દરવાજો ખટખટાવ્યો છે. હજુ ગયા અઠવાડિયે જ નવી મુંબઈ પોલીસે ૨૦૧૦ની IPL ની મુંબઈના ડી.વાય.પાટિલ સ્ટેડિયમમાં રમાયેલી મેચોની સુરક્ષા માટે પૂરી પડાયેલ સુવિધા બદલ ૫,૧૭,૭૨,૮૩૮ રૂપિયા નહીં ચૂકવવા બદલ બોમ્બે હાઈકોર્ટમાં PIL એટલે કે જાહેર હિતની ફરિયાદ કરી છે.
ક્રિકેટબોર્ડ પર જાહેર હિતની આ પહેલી ફરિયાદ નથી. બોર્ડ પ્રમુખ શ્રીનિવાસન કે જેઓ IPL ની એક ટીમના માલિક છે (નિયમ પ્રમાણે ખોટું છે.) તેમના ઉપર પણ ઘણા કેસ છે. બોર્ડના બીજા ઘણા પદાધિકારીઓ સામે પણ કોર્ટમાં ફરિયાદો નોંધાઈ છે. ઇન્કમટેક્સ વિભાગ દ્વારા પણ ઘણી બધી નોટિસો અપાઈ છે પણ અઢળક પૈસા હોવાથી બોર્ડ મોટા મોટા વકીલો રોકીને કોર્ટમાં તારીખો પડાવીને કેસ લંબાવી રહ્યું છે.
પૈસાના જોરે તો ક્રિકેટબોર્ડે ભારત સરકાર સામે પણ બાંયો ચઢાવી છે. કેન્દ્રના ખેલકૂદ મંત્રાલય દ્વારા નક્કી કરાયેલી ગાઇડલાઇન્સનો અમલ નહીં કરવાની બોર્ડે સરકારને ધરાર ના પાડી દીધી છે. આ મુદ્દે પણ કોર્ટના ચુકાદાની રાહ જોવાની છે.
૧૯૨૮માં ક્રિકેટ બોર્ડની સ્થાપના થઇ હતી ત્યારે તેની પાસે એક કાવડિયો પણ ન હતો અને તેથી રાજા, મહારાજા અને નવાબો વિદેશનો ખર્ચો ઉપાડી લેતા હતા. ખેલાડીઓને રેલવેના ત્રીજા વર્ગની (તે સમયે રેલવેમાં થર્ડ ક્લાસના ડબ્બા પણ હતા) ટિકિટ આપવામાં આવતી. પાંચમા દશકની વાત કરીએ તો એવો પણ એક પ્રસંગ નોંધાયો છે કે ટ્રેન ન હોવાથી ખેલાડીઓ ગુડ્ઝ ટ્રેનમાં કોલસાની બોગીમાં કપડાં કાળાં ન થાય તેથી અખબારોનાં પાનાં પાથરીને તેના ઉપર બેસીને મુસાફરી કરી હતી. આજે સમય બદલાઈ ગયો છે. ક્રિકેટરોને તો ફાઇવસ્ટાર નહીં પણ સેવનસ્ટારની સુવિધાઓ મળે છે. બોર્ડના અધિકારીઓ પણ તેવી જ સુવિધાઓ ભોગવે છે. કાગળ ઉપર લખાણ છે કે તેઓ માનદ્ સેવા આપે છે. અલબત્ત, તેઓ ચાર્જ નથી કરતા પણ એક દિવસની બેઠકમાં ભાગ લેવા તેમના શહેર કે ગામથી બિઝનેસ ક્લાસની એરટિકિટ મળે છે. ફાઇવસ્ટાર હોટલમાં રહેવાનું અને રોજના ૧૦થી ૧૫ હજારનું ભથ્થું પ્રાપ્ત કરે છે અને આવાં અનેક કારણોને લીધે તેમને કોઈ પ્રકારની ચિંતા હોતી નથી. અને તેથી ગમે તેટલી જાહેરહિતની ફરિયાદો તેની વિરુદ્ધમાં થાય તો પણ તેમના પેટનું પાણી નહીં હાલે તેમને PIL નહીં પણ IPL ની પડી છે.
newsvnm@yahoo.com