Sandesh on Facebook Sandesh on Twitter Sandesh RSS Feeds Subscribe Daily Headlines Download Sandesh Toolbar Sandesh On Mobile
May 23,2013 02:59:46 PM IST
 

“કોણ છે તું?” સુગંધાથી સિદ્ધાર્થને પુછાઈ ગયું (ચહેરા પાછળનો ચહેરો)

Apr 07, 2012 Supplements > Columnist
 
comment     E-Mail     Print    
 
Viewed: 3815
Rate: 4.7
Rating:
Bookmark The Article

ચહેરા પાછળનો ચહેરો - કાજલ ઓઝા વૈધ - પ્રકરણ ૧૨

વહી ગયેલી વાર્તા

એક જમાનાના સુપરસ્ટાર રઘુબીર કશ્યપનું મોત ભેદી સંજોગોમાં થયું હોય છે. અમદાવાદી યુવાન સિદ્ધાર્થ રઘુબીર પર પીએચડી કરવા મુંબઈ આવે છે, જ્યાં તેને સામિયા નામની કોલગર્લ મળે છે. સામિયા રઘુબીરના ખાસ દોસ્ત એવા કાસ્ટિંગ ડિરેક્ટર વિકી તનેજા પર દબાણ કરીને સિદ્ધાર્થને પ્રખ્યાત એક્ટ્રેસ બની ગયેલી રઘુબીરની દીકરી સુગંધા સાથે મુલાકાત ગોઠવી આપો. વિકીએ સુગંધાને સમજાવ્યું હોય છે કે સિદ્ધાર્થને હેલ્પ કર, એ બહાને કદાચ તને તારા ભાઈ સુશાંત પાસેથી રઘુબીરના બંગલાની ચાવી મળી જાય. ચાવીની જીદ કરતાં સુગંધા ચાવી તો મેળવે છે, સાથે તેને ખ્યાલ આવે છે કે તેની માતા માનસી અને ભાઈ સુશાંત કંઈક છુપાવી રહ્યાં છે. સુગંધાના ગયા પછી માનસી અને સુશાંત ચિંતામાં સરી જાય છે. સિદ્ધાર્થે પીએચડી સંદર્ભે ‘મુંબઈ ટાઇમ્સ’ના પત્રકાર અલકેશ યાજ્ઞિકનો સંપર્ક સાધ્યો હોય છે, જેણે મોરેશિયસ જઈને રઘુબીરના મોત અંગે સંવેદનશીલ માહિતી મેળવી હોય છે. અલકેશે સંવેદનશીલ વિગતો માનસીને આપી હોય છે, પણ પરિણામ ઊલટું આવેલું, તેણે પોતાના દીકરાને અપહરણકારોથી છોડાવવા માટે મુંબઈ છોડીને કાનપુર શિફ્ટ થવું પડયું છે. પ્રારંભિક ખચકાટ પછી અલકેશ સિદ્ધાર્થને રઘુબીર વિશે કેટલીક વિગતો આપે છે અને રહસ્યસ્ફોટ કરે છે કે બેનઝીરે રઘુબીરને છેતર્યો. બેનઝીર ખરેખર તો રઘુબીરની નહીં પણ કોઈ બીજાની ગર્લફ્રેન્ડ હતી. સુગંધા રઘુબીરના બંગલે જાય છે અને સિદ્ધાર્થને પણ ત્યાં જ બોલાવી લે છે, પણ સિદ્ધાર્થના વર્તનથી તે ચોંકી ઊઠે છે.

અલકેશ યાજ્ઞિકે કહેતાં તો કહી નાખ્યું કે, “બેનઝીર કોની ગર્લફ્રેન્ડ હતી એ સવાલનો મળી જશે તો બાકીના બધા સવાલોના જવાબો આપોઆપ મળી જશે તને...સિદ્ધાર્થના મગજમાં એ સવાલ ફેવિકોલમાં બોળીને ઠોકેલા ખીલાની જેમ ચોંટી ગયો. રઘુબીર કશ્યપ જેના માટે જીવ આપવા તૈયાર હતો એવી સ્ત્રી જો રઘુબીરની ગર્લફ્રેન્ડ નહોતી તો એનો સંબંધ કોની સાથે હતો? શું એમના ઝઘડાનું કારણ એ જ હતું?

મોરેશિયસની હોટેલમાં સ્ટીમ રૂમમાં દાખલ થતી વખતે એ મોટે મોટેથી બેનઝીર સાથે ઝઘડી રહ્યો હતો? જો હા, તો એમના ઝઘડાનો મુદ્દો બેનઝીરની જિંદગીમાં આવેલો કોઈ ત્રીજો પુરુષ હતો?

આ બધા સવાલો સાથે સિદ્ધાર્થ રઘુબીર કશ્યપના બંગલે પહોંચ્યો હતો... રઘુબીર કશ્યપના મૃત્યુ માટે બેનઝીર સાથે તૂટી ગયેલો કે તૂટી રહેલો સંબંધ જવાબદાર હતો? એ સવાલ એને મૂંઝવી રહ્યો હતો...

રઘુબીર કશ્યપના બંગલે પહોંચ્યા પછી જે કંઈ બન્યું એ સુગંધા માટે આઘાતજનક હતું અને સિદ્ધાર્થ માટે આશ્ચર્યજનક...

રઘુબીર કશ્યપના બારના ડ્રોઅરમાંથી મળેલો ચાવીઓનો ગુચ્છો... અને એ ગુચ્છામાંથી ઝીરો ડબલ વન નંબરની ચાવી જે સ્વાભાવિકતાથી સિદ્ધાર્થે શોધી આપી એનાથી સુંદર ચાચા અને સુગંધા બન્ને જણા ડઘાઈ ગયાં હતાં. સિદ્ધાર્થ રઘુબીર કશ્યપનો રૂમ ખોલીને એવી રીતે દાખલ થયો, જાણે એ આ રૂમને જાણતો હોય. પહેલાં પણ એ આ રૂમમાં આવી ચૂક્યો હોય એટલી સહજતા હતી એના વર્તનમાં. સિદ્ધાર્થને પોતાને પણ નવાઈ લાગતી હતી. આવી રીતે અંગત બાબતો વિશેની જાણકારી એની પાસે ક્યાંથી આવી એ સવાલ હમણાં જ કોઈ એને પૂછશે એ વિચારે એને ડર લાગવા માંડયો હતો... કદાચ કોઈ પૂછે તો એની પાસે જવાબ નહોતો!

જાણે એના કાનમાં આવીને કોઈ આ માહિતી એને કહી જતું હતું... એણે ચાવીઓનો ગુચ્છો સુગંધાના હાથમાં જોયો ત્યારે સિદ્ધાર્થની અંદર રહેલા કોઈ માણસે એને ભીતરથી ધક્કો માર્યો હતો, “ઝીરો ડબલ વન” કોઈએ જાણે એને કાનમાં કહ્યું હતું. સિદ્ધાર્થે ઝાઝું વિચાર્યા વિના નંબર કહી દીધો હતો અને દરવાજો ખૂલી ગયો હતો!

અત્યારે સિદ્ધાર્થ પટેલ એના આઈડિયલ, એના હીરો... એ જેને લગભગ ભગવાનની જગ્યાએ માનતો હતો એવા માણસના શયનખંડમાં પોતે ઊભો હતો એ વિચાર એની અંદર રોમાંચ જગાડી રહ્યો હતો. આ એ જગ્યા હતી, જ્યાં રઘુબીર કશ્યપે સપનાં જોયાં હતાં. સુંવાળી કાયાઓને માણી હતી. પોતાની એકલતાની પળોને સહન કરી હતી, તો પોતાની સફળતાના નશામાં ઝૂમીને શેમ્પેઇનની છોળો ઉડાડી હતી... રઘુબીર કશ્યપનાં સુખ અને દુઃખનો સાક્ષી હતો આ ઓરડો. એની પીડા અને સુખ બન્ને એણે આ ઓરડા સાથે વહેંચ્યાં હતાં. આની દીવાલોમાં રઘુબીર કશ્યપનાં આંસુ દફન હતાં... એનાં ખડખડાટ હાસ્યો અહીંની દીવાલોમાંથી પડઘાતાં હતાં!

રઘુબીર કશ્યપનો બેડરૂમ ત્રણ લેવલ્સમાં વહેંચાયેલો હતો. દાખલ થતાંની સાથે એક નાનકડું સીટિંગ એરેન્જમેન્ટ અને શેલ (છીપલાં)માંથી બનાવેલો નાનકડો પ્રાઈવેટ બાર હતો. બારની ઉપર કાચની શેલ્ફ હતી... ત્યાં એકસરખા ફિલ્મ ફેર અને બીજા એવોર્ડ્સ ગોઠવાયા હતા. ત્રણ સીડી ચડીને જમણી તરફ એનો શયનખંડ હતો. વિશાળ કોતરણીવાળા એન્ટિક પલંગ ઉપર સુંદર પડદા લગાડેલા હતા. કોઈ ફિલ્મનો સેટ હોય એવો સુંદર આ શયનખંડ હતો. લાકડાના ફ્લોરિંગમાં વચ્ચે વચ્ચે ફ્લોર લાઇટિંગ હતું. છતમાં ફોલ્સ સીલિંગ આપીને એવી રીતે લાઈટિંગ વ્યવસ્થા કરવામાં આવી હતી કે સાદી લાઈટો પણ થઈ શકે અને ફિલ્મી લાઇટિંગની જેમ પિન્ક, યલો અને બ્લૂ લાઈટ્સ પણ રેલાવી શકાય. ડાબી તરફ ત્રણ સીડી ચડીને ઉપર જતાં એનો પ્રાઈવેટ બાથ અને ડ્રેસર તથા ટ્રાયલ રૂમ હતા. રઘુબીર કશ્યપનો બાથરૂમ ભારતના શ્રેષ્ઠ ડિઝાઈન કરેલા બાથરૂમનો એવોર્ડ જીતી ચૂક્યો હતો. સાત બાય સાતનું બાથટબ, જેમાં બે પગથિયાં ઊતરીને અંદર જવું પડે. જાકુઝી અને ગરમ-ઠંડા પાણીની વ્યવસ્થા આ બાથટબમાં હતી. ફ્લોરલ બાથ કે પાણીમાં અત્તર નાખીને નહાવાનો રઘુબીરને શોખ હતો. બાથટબની જમણી તરફ એક નાનકડો મસાજરૂમ હતો. એની ડાબી તરફ રઘુબીરનું ડ્રેસર હતું. કોઈ ઉચ્ચ મધ્યમવર્ગનો ફ્લેટ હોય એવડો મોટો રઘુબીરનો બેડરૂમ હતો. લગભગ ત્રણ બેડરૂમ, કિચન, હોલના એપાર્ટમેન્ટની સાઈઝનો આ બેડરૂમ એટલો બધો વૈભવી અને સુંદર હતો કે સિદ્ધાર્થની નજર ચકાચૌંધ થઈ ગઈ હતી... સિદ્ધાર્થ સ્વાભાવિકતાથી ફરીને રૂમ જોઈ રહ્યો હતો, પરંતુ સુગંધા દાખલ થતાં જ એક તસવીર સામે અટકી ગઈ. દાખલ થતાંની સાથે જ ડાબી તરફ સૂટ પહેરીને ઊભેલા રઘુબીર કશ્યપ અને માનસી કશ્યપની તસવીર હતી. પિન્ક કલરની આસાવરી સાડીમાં રૂબીના દાગીના પહેરીને બેઠેલી માનસી બેહદ ખૂબસૂરત દેખાતી હતી. પાછળ રઘુબીર કશ્યપ ઊભો હતો. માનસીના સિંહાસન જેવા સોફા પર હાથ મૂકીને... એના ચહેરા પર એક ગૌરવ હતું. સુગંધા નજીક જઈને પિતાની તસવીર જોઈ રહી હતી. એની આંખોમાં ફરી પાણી આવી ગયાં, “યુ નો વ્હોટ? વી વેર એ હેપી ફેમિલી. કોઈ પ્રોબ્લેમ નહોતો. ડેડનાં નાનાં-મોટાં લફરાં મારી માએ સ્વીકારી લીધાં હતાં, મારા પપ્પા બેઝિકલી ફેમિલી મેન હતા. અમારું કુટુંબ વિખરાયું એ પછી એ તૂટી ગયા.

તમને એવું લાગે છે કે કુટુંબ તૂટવા માટે તમારા ફાધર જવાબદાર હતા?”

મારે તમારી સાથે આ ચર્ચા શું કામ કરવી જોઈએ?” સુગંધાની અંદર રહેલી સ્ટાર અચાનક ભાનમાં આવી. એને લાગ્યું કે એ કારણ વગર એક અજાણ્યા માણસ સાથે પોતાની સાવ અંગત વાત શેર કરી રહી હતી. એણે જાત પર કાબૂ મેળવી લીધો, “વોર્ડરોબ... ઝીરો વન ટુ, રાઈટ?”

સિદ્ધાર્થના ચહેરા પર સ્મિત આવી ગયું. એ સમજી શક્યો કે સુગંધાએ અચાનક જ પોતાના મનના દરવાજા બંધ કરી દીધા હતા. એણે ડોકું ધુણાવ્યું, “તમારે વાત ન કરવી હોય તો તમારી મરજી, પણ હું એવું માનું છું કે તમારું કુટુંબ વિખરાઈ ગયું એનું કારણ બીજું કોઈ નહીં, પણ બેનઝીર...”

આ નામ સાંભળતાં જ સુંદરચાચાના ચહેરા પર આઘાત ફેલાઈ ગયો. એમની આંખો પહોળી થઈ ગઈ. અત્યાર સુધી જે કંઈ બન્યું હતું એ બધી જ ઘટનાઓથી એ આઘાતમાં હતા. એમાંય બેનઝીરનું નામ સાંભળીને એમને લાગ્યું કે હવે અહીંયાં બ્લાસ્ટ થશે. બેનઝીરનું નામ સાંભળતાં જ સુગંધાનાં ભવાં સંકોચાયાં. એના કપાળ પર કરચલીઓ પડી. એ કશું બોલી નહીં. જવાબ આપવાને બદલે એણે ચાવીઓના ગુચ્છામાંથી ઝીરો વન ટુ નંબર શોધીને ડ્રેસરનો દરવાજો ખોલ્યો...

ચારે તરફ અરીસા જડેલું દસ બાય દસનું ડ્રેસર રઘુબીર કશ્યપનું ફેવરિટ સ્થાન હતું. પોતાની જાતને અરીસામાં જોવી અને કલાકો સુધી નિહાળ્યા કરવી એ રઘુબીર કશ્યપની સૌથી વહાલી પ્રવૃત્તિ હતી. સુગંધા દરવાજો ખોલીને અંદર દાખલ થઈને ચારે તરફ જોઈ રહી હતી. આમાંથી કયા વોર્ડરોબમાં એ ટેન કલરનું જેકેટ હશે એ સવાલ એને મૂંઝવી રહ્યો હતો. બરાબર એ જ વખતે સિદ્ધાર્થ ડ્રેસરમાં દાખલ થયો. જમણી તરફના બીજા સ્લાઈડરને હટાવીને હેન્ગર પર લટકતું જેકેટ એણે એવી રીતે બહાર કાઢયું, જાણે એ વોર્ડરોબ એણે ગઈ કાલે જ ગોઠવ્યું હોય.

સુગંધા નવાઈથી એની સામે જોઈ રહી. એણે બહારનાં બે ખિસ્સાંઓમાં હાથ નાખવાનો પ્રયત્ન કર્યો. એમાં કંઈ નહોતું. જેકેટ ખોલીને અંદરની તરફ સાટીનથી બનાવેલા અસ્તરના ખિસ્સામાં હાથ નાખ્યો. એમાં પણ કંઈ નહોતું. એણે જેકેટ સિદ્ધાર્થના હાથમાં પાછું આપ્યું, “આમાં કંઈ નથી.”

સિદ્ધાર્થે હેન્ગર સાથે એ જેકેટ પોતાના હાથમાં લીધું. જેકેટના અસ્તરને એણે સહેજ હલાવી જોયું. અસ્તરમાં નાનકડો ફ્લેપ હતો. સિદ્ધાર્થે એ ફ્લેપ ઊંચો કર્યો તો પાછળ એક નાનકડી ઝીપ હતી. એક આંગળી જેટલી લાંબી એ ઝીપ એણે ખોલી. સુગંધા નવાઈથી જોઈ રહી હતી... અંદર હાથ નાખીને એણે છેક જેકેટના આગળના ભાગ સુધી પોતાનો હાથ પહોંચે એમ શોધ ચલાવી. અસ્તર અને લેધરની વચ્ચેથી એણે અમેરિકન ડોલરની એક થોકડી બહાર કાઢી. ત્રીસ હજાર ડોલરની અમેરિકન નોટો એણે સુગંધાના હાથમાં આપી. એ થોકડી પોતાના હાથમાં લેતા સુગંધાનો હાથ ધ્રૂજી ગયો. સુંદરચાચાના હોઠ સુકાવા લાગ્યા. એમના પગ ધ્રૂજવા લાગ્યા હતા... ખભે નાખેલા ગમછાથી એમણે પરસેવો લૂછયો, “બીટિયા!” એ આગળ કશું બોલી શક્યા જ નહીં. સુગંધા પણ નવાઈથી પોતાના હાથમાં પકડેલી એ નોટોને જોતી રહી.

જાણે કશું જ ન બન્યું હોય એમ સિદ્ધાર્થે સ્વાભાવિક રીતે ડ્રેસરનો સ્લાઈડર દરવાજો બંધ કરી દીધો. બે અરીસાની વચ્ચે રહેલી જગ્યા પુરાઈ ગઈ. ફરી એક વાર ચારે તરફ આયના દેખાઈ રહ્યા હતા.

કોણ છે તું?” સુગંધાથી સિદ્ધાર્થને પુછાઈ ગયું.

સિદ્ધાર્થ પટેલ. હું રઘુબીર કશ્યપ પર પીએચડી કરવા માગું છું. મેં કહ્યું હતું તમને.

પણ આ બધું કઈ રીતે જાણે છે તું? ચાવીનો નંબર, જેકેટમાં રહેલા ડોલર...” સુગંધાની આંખો ઝીણી થઈ ગઈ હતી. એ સિદ્ધાર્થની આંખોમાં સચ્ચાઈ શોધવાનો પ્રયત્ન કરી રહી હતી. એણે સિદ્ધાર્થને કોલરમાંથી પકડી લીધો અને હચમચાવી નાખ્યો, “સાચું બોલ... હું હમણાં જ પોલીસને બોલાવીશ અને તને સોંપી દઈશ.”

કયા ગુના હેઠળ? મેં કંઈ કર્યું જ નથી... સિદ્ધાર્થના ચહેરા પર એક નિર્દોષ-સ્વાભાવિક સ્મિત હતું, “સાચું કહું તો તમને જેટલી નવાઈ લાગે છે એટલી જ નવાઈ મને પણ લાગે છે. હું કઈ રીતે આ તમને કહી શક્યો એની મને જ નથી ખબર...

હું નથી માનતી.”
ન માનો. મારે કશું સાબિત કરવાનું નથી.”

વેલ, હું તને એક સવાલ પૂછી શકું?”

જરૂર પૂછી શકો.” સિદ્ધાર્થના ચહેરા પર હજી સ્મિત અકબંધ હતું, “મારી પાસે જવાબ હશે તો આપતા ડરીશ નહીં, એવું વચન આપું છું.”

રઘુબીર કશ્યપ વિશે શું જાણે છે તું ?”

આમ જુઓ તો કશું નહીં. છાપાંઓમાં છપાયેલી હકીકતો, ટીવી પર જોયેલા સમાચારો. નવાઈની વાત તો એ છે કે હું એમને અંગત રીતે ક્યારેય મળ્યો પણ નથી.

તો પછી...” સુગંધાનું મગજ હજીયે ચકરાવે ચડેલું હતું, “તું સાચું બોલ. હું તારી બધી જ મદદ કરીશ. તું પોલીસનો માણસ છે? અંડર કવર એજન્ટ છે? રઘુબીર કશ્યપના મૃત્યુની તપાસ કરી રહ્યો છે? હું તને હેલ્પ કરીશ. પૂરેપૂરું કો-ઓપરેટ કરીશ, પણ પ્લીઝ, મને સાચું કહી દે.”

મિસ સુગંધા કશ્યપ, હું એક સીધોસાદો વિદ્યાર્થી છું. મારા પિતા બિલ્ડર છે. અમદાવાદમાં મારું કુટુંબ વસે છે. તમારા પિતાશ્રીનો હાર્ડકોર ફેન હતો એ સત્ય છે. હું આગળ વધીને એવું કહેવાની હિંમત કરી શકું કે તમને નહીં થયું હોય એટલું દુઃખ મને એમના મૃત્યુથી થયું હતું, પણ એથી વધારે મારી પાસે કહેવા માટે, એક્સ્પ્લેઇન કરવા માટે, કેફિયત આપવા માટે કશું જ નથી...” એણે આગળ વધીને સુગંધાના ખભે હાથ મૂકી દીધો, “પ્લીઝ બીલિવ મી. સુગંધા એની આંખોમાં જોઈ રહી. એના અવાજમાં સચ્ચાઈનો રણકો હતો અને આંખોમાં એક નિર્દોષ સ્વચ્છતા...

બની રહેલી ઘટનાઓ અને આ છોકરાની વાતને એકબીજા સાથે કોઈ કનેક્શન નહોતું... સુગંધા આગળ બોલે તે પહેલાં સિદ્ધાર્થે અચાનક સુંદરચાચા સામે જોયું, “એક ચાય મિલેગી ચાચા? થોડી સી અદરખ ડાલ કર, દૂધ કમ... ચીની કમ...”

સુગંધા અને સુંદરચાચાએ એકબીજાની સામે જોયું. સિદ્ધાર્થે જે પ્રકારની ચા બનાવવાનું કહ્યું એવી જ ચા રઘુબીર કશ્યપ પીતો... બન્ને જણા કંઈક વિચિત્ર અસમંજસ અનુભવી રહ્યાં હતાં. ચારે તરફ દેખાતા આયનામાં સિદ્ધાર્થ પોતાને જોઈ રહ્યો હતો... ચહેરો તો એનો પોતાનો જ હતો, પણ એની અંદરથી કોઈક બીજું જ એના બદલે વર્તી રહ્યું હતું. સિદ્ધાર્થને પણ સવાલ થયો, “કોણ હશે એ?” (ક્રમશઃ)

kaajalozavaidya@gmail.com
 
Share This


 
 
   
blog comments powered by Disqus
 
 
© Reproduction in Whole or in part without written permission is prohibited.
investorsgrievance@sandesh.com