TOP 10 ROBBERY - રશ્મિન શાહ
એક એવી લૂંટ કે જેના પરથી દુનિયાની સાત ભાષામાં ફિલ્મો બની
૮મી ઓગસ્ટ, ૧૯૬૩ના દિવસે થયેલી અને ‘ધી ગ્રેટ ટ્રેન રોબરી’ના નામે ઇતિહાસમાં બહુ જાણીતી થયેલી આ લૂંટની એક ખાસિયત એ છે કે આ લૂંટ કરવા માટે દોઢ વર્ષથી મહેનત ચાલતી હતી. આ લૂંટ બકિંગહામશેયરમાં થઈ હતી પણ લુંટ બ્રિટનની રોયલ મેલની ટ્રાવેલિંગ પોસ્ટ ઓફિસમાં કરવામાં આવી હતી. ચાલતી ટ્રેનમાં લૂંટ કરવાનો વિચાર એ દિવસોમાં તો દીવાસ્વપ્ન જેવો હતો આને એટલે જ લૂંટ કરવા માટે એક ખાસ નકલી સિગ્નલ ઊભું કરવામાં આવ્યું હતું, જેના આધારે ટ્રેન રોકવામાં આવી અને લૂંટ કરવામાં આવી. આ લૂંટમાં કુલ તેર વ્યકિતઓ સામેલ હતા. દરેકના હાથમાં એ સમયના અત્યાધુનિક કહેવાય એવા હથિયારો હતા અને એમ છતાં પણ એક પણ ગોળી છોડવામાં નહોતી આવી! ‘ધી ગ્રેટ ટ્રેન રોબરી’ એ હદે પોપ્યુલર થઈ હતી કે બોલિવૂડ અને હોલિવૂડ સિવાયની અન્ય ફિલ્મ ઇન્ડસ્ટ્રીએ પણ આ લૂંટનો બેઝ બનાવીને ફિલ્મો બનાવેલી છે.
ક્યાંથી આવ્યો આઇડિયા
રોયલ મેલની ટ્રાવેલિંગ પોસ્ટ ઓફિસ લૂંટવાનો વિચાર ભાગ્યે જ કોઈ કરી શકે, પણ આ લૂંટનો વિચાર આવ્યો બ્રુશ રેનોલ્ડ્સને. એ સમયે બ્રુશની ઉંમર રોકડી છવ્વીસ વર્ષની. બ્રિટનના ર્બિંમગહામ સ્ટેશન પર એક વખત એ ઊભો હતો ત્યારે તેણે રોયલ મેલ જોઈ અને તેના મનમાં આ વિચાર આવ્યો હતો. આ વિચાર આવ્યાની પાંચમી મિનિટે તેણે નક્કી કરી લીધું હતું કે કોઈ પણ ભોગે આ ટ્રેન લૂંટવી. ટ્રેન લૂંટનો વિચાર આવ્યા પછી બ્રુશ રેનોલ્ડ્સ બધાં કામ પડતાં મૂકીને લૂંટની તૈયારીમાં લાગી ગયો. યાદ રાખજો, આ ૧૯૬૩ના અરસાની વાત છે. ટેક્નોલોજીની દુનિયા સાવ પાંગળી હતી. સફરમાં ઝડપ શબ્દને કોઈ અવકાશ નહોતો, એ દિવસોમાં રોયલ મેલ બહુ ઝડપી ગણાતી. આ રોયલ મેલને લૂંટવી તો ઠીક, એ લૂંટવાનો વિચાર પણ ભાગ્યે જ થઈ શકે એમ હતું.
બ્રુશ રેનોલ્ડ્સે માસ્ટર પ્લાન બનાવવાની શરૂઆત કરી, જાણકારી મેળવવાથી. રોયલ મેલમાં કોણ હોય છે, કેટલી સિક્યુરિટી હોય છે, આ ગાર્ડ્સ પાસે શું વ્યવસ્થા હોય છે, રોયલ મેલ ક્યાં ક્યાં રોકાય છે, એ બધી જાણકારી માટે બ્રુશે રોયલ મેલના કોઈ કર્મચારીઓને ફોડયા હશે એવું તારણ આ આખા કેસની તપાસ કરનારા બ્રિટિશ ડિટેક્ટિવ ફ્રેક વિલિયમ્સે કાઢેલું.
બ્રુશે ઇન્ટરનલ બધી જાણકારી મેળવી લીધા પછી પોતાની ટીમમાં જે તે સમયના રીઢા ગુનેગોરોને લેવાના શરૂ કર્યા. મોટા ભાગના બધા પહેલા તો બ્રુશનો પ્લાન સાંભળીને તેને ગાળો દઈને ભાગી જતાં હતા પણ પછી બધાને એ પ્લાનનું મહત્ત્વના સમજાતું એટલે સામેથી પાછાં આવતા. બ્રુશની સાથે સૌથી પહેલો રોની બિગ્સ જોડાયો અને પછી ચાલી વિસ્બે, ગોર્ડન ગૂડી, જિમ્મી હૂસે, જોન વેટર, બ્રાઇન ફિલ્ડ, જિમ્મી વ્હાઇટ્સ, બસ્ટર એડવડ અને ટોમી વિસ્બે જોડાયા. કુલ થયા દસ. આ દસ લૂંટારુઓએ ટ્રેન કેમ રોકવી એ બાબતનો પ્લાન બનાવ્યો અને એ પ્લાનમાં એક અવ્વલ દરજ્જાનો પ્લાન રોનીના દિમાગમાં આવ્યો. આ પ્લાન મુજબ રોયલ મેલ રોકવા માટે એક નકલી સિગ્નલ બનાવવાનું નક્કી કર્યું. આ સિગ્નલને કારણે જ એ લોકો પકડાયા પછી માત્ર ફાંસીના માંચડેથી બચ્યા. પ્રાઇવેટ ડિટેક્ટિવ ફ્રેક વિલિયમ્સના કહેવા પ્રમાણે, ‘પકડાયા પછી બધાએ પહેલાં નકલી સિગ્નલ બનાવ્યાનું સ્વીકાર્યું પણ જ્યારે જ્યુરી સામે લઈ જ્વામાં આવ્યા ત્યારે તેમણે પોતાનું સ્ટેટમેન્ટ ફેરવી નાખ્યું અને એવું સ્ટેટમેન્ટ આપ્યું કે સિગ્નલ બનાવ્યું જ નથી. ટ્રેનને રોકવા માટે અમે સિગ્નલ બગાડી નાખ્યું હતું. આ સ્ટેટમેન્ટને કારણે જ્યુરીએ તપાસમાં કચાસ છે એવો ચુકાદો આપ્યો અને આરોપીઓ સામે રહેમદિલી રાખી. બાકી, આજે એ તેરમાંથી એકેય જીવતા રહયા ન હોત.
પ્લાનનો અમલ
પોલીસ ડિટેક્ટિવની નકલી થિયરીને પકડીને વાત કહેવાની હોય તો કહી શકાય કે બ્રુશ અને તેના સાથીઓએ રોયલ મેલ રોકવા માટે નકલી સિગ્નલ બનાવતાં પોણા ચાર મહિના લાગ્યા. આ પોણા ચાર મહિના દરમ્યાન એ પ્રકારનું નકલી સિગ્નલ અને ફાટક બનાવવામાં આવ્યું જે બિલકુલ ફોલ્ડિંગ હતું અને માત્ર એક કલાકમાં ફિટ થઈ જતું હતું. ૮મી ઓગસ્ટની સવારે ટ્રેન જયારે લંડન સ્ટેશનથી રવાના થઈ ત્યારે રોનીએ ટીમના સભ્યોને બકિંગહામશેયરમાં આની જાણકારી આપી. જાણકારી આપીને રોની પોતાની કારમાં લોકેશન પર પહાંચ્યો. એ દરમિયાન બાકીના સાથીઓએ પોતાનું કામ પુરું કરી લીધું હતું. રોયલ મેલ જ્યારે લેડબ્રન નામના બ્રિટનના એક નાનકડાં ગામડા પાસે પહોંચી ત્યારે ત્યાં સિગ્નલ દેખાયું એટલે ટ્રેનને રોકવામાં આવી. ટ્રેનના એન્જિન ડ્રાઈવરને વિચાર સુધ્ધાં આવ્યો હતો કે આગાઉ તો તેણે આ જગ્યાએ આવું કોઈ સિગ્નલ જોયું નહોતું પણ તેણે પોતાની શંકાને ધ્યાન પર લીધા વિના રાબેતા મુજબ સિગ્નલને માન આપી દીધું અને ટ્રેન રોકી દીધી. ટ્રેન જેવી રોકાય કે તરત જ આજુબાજુના એરિયામાંથી બ્રુશની ટીમ બહાર આવી ગઈ અને બધાએ મહત્ત્વની ક્હેવાય એવી બોગી પર કબજો લઈ લીધો. ચાલીસ મિનિટની આ લૂંટ દરમિયાન એક વખત ટ્રેનના ડ્રાઇવર જેક મિલ્સે ટ્રેન ભગાડવાની કોશિશ કરી હતી પણ એ દરમિયાન ટ્રેનના એન્જિન ડ્રાઇવર પર નજર રાખી રહેલા બ્રુશના એક સાથીએ તેના માથે લોખંડનો મોટો સળિયો મારી દીધો. આખી લૂંટમાં જો લોહી રેડાયું તે આ એક જ વાર.
લૂંટ કુલ ૨.૩ મિલિયન પાઉન્ડની કરવામાં આવી, જેમાં ફક્ત અને ફકત એક, પાંચ અને દસ પાઉન્ડની નોટ હતી. લૂટની આ રકમનો આંકડો ૧૯૬૩નો છે. જો આજના સમયની સાથે આ પાઉન્ડની કિંમતને કન્વર્ટ કરવાની હોય તો કહી શકાય કે એ સમયે થયેલી આ લૂંટમાં ૪૦ મિલિયન પાઉન્ડ લૂંટાયા હતા.
લૂંટ પૂરી કરીને બધા લૂંટારાઓ ફરાર થઈ ગયા. કોમ્યુનિકેશનનો અભાવ અને વોકિટોકીમાં સિગ્નલ મળતાં નહીં હોવાથી ડ્રાઈવરે છેક બેતાલીસ માઈલ દૂર સુધી ટ્રેનને ચલાવીને લાવવી પડી અને પછી આ લૂંટની ફરિયાદ થઈ. ટ્રેનને લૂંટના સ્થળેથી હટાવી લેવી એ વાતને બ્રિટિશ જયુરીએ અક્ષમ્ય ભૂલ ગણાવી છે. બ્રિટનના નસીબ એટલાં સારાં કે ટ્રેનના અમુક કમ્પાર્ટમેન્ટમાંથી બ્રુશની હિસ્ટ્રીસિટર ગેંગની ફિંગર પ્રિન્ટ મળવી શરૂ થઈ અને બ્રિટિશ પોલીસને લૂંટના આરોપીઓ સુધી પહોંચવામાં મદદ મળી. અલબત્ત, ફિંગર પ્રિન્ટસ મળ્યા પછી પણ પોલીસ બ્રુશ અને તેના બાર સાથીઓમાંથી માત્ર અગિયારને એરેસ્ટ કરી શકી, બે સાથીઓ ક્યારેય પકડાયા જ નહીં.
કઈ રીતે ચાલી તપાસ?
લૂંટના કેસની આ તપાસમાં બ્રુશ આણી મંડળીને પોતાનો ક્રિમિનલ ટ્રેક રેકોર્ડ નડી ગયો. બ્રુશ અને તેની ટીમના સાત વ્યક્તિઓના ફિંગર પ્રિન્ટ્સ બ્રિટિશ પોલીસ પાસે હતા. ટ્રેનમાંથી મળેલા ફિંગર પ્રિન્ટ્સના આધારે તપાસ શરૂ થઈ અને માત્ર ચોથા દિવસે પોલીસને ખબર પડી ગઈ કે આ લૂંટમાં કોણ -કોણ સામેલ હોય શકે છે. જોકે એ લોકો સુધી પહોંચવામાં પોલીસના નાકે દમ આવી ગયો. કારણ કે બ્રુશની સૂચના મુજબ બધા બ્રિટનમાં વેરવિખેર થઈ ગયા હતા. લૂંટના માલને પણ અલગ અલગ જગ્યાએ દાટી દેવામા આવ્યો હતો. નક્કી થયા મુજબ ચોક્કસ સમયગાળા પછી બધા બ્રિટનના ઓકલે નામના શહેરમાં ભેગાં થયાં અને એ સમયે પોલીસે રેડ પાડીને બધાને પકડી લીધા.
ટ્રેનની બદલી નાખવામાં આવેલી જગ્યા અને સાચા સિગ્નલમાં છેડછાડ કરવામાં આવી હતી કે નકલી સિગ્નલ મૂકવામાં આવ્યું હતું એ બે મહત્ત્વની ચૂકને કારણે બ્રુશની ટીમ સામે કોઈ કડક પગલાં લેવાયાં નહીં અને બધાને ચારથી નવ વર્ષ વચ્ચેની જેલની સજા થઇ. આ સજામાં રોની પહેલો એવો શખ્સ હતો કે જે પંદર મહિના પછી પોલીસના કબજામાંથી ભાગી ગયો. પોલીસને જ્યારે ખબર પડી કે રોની ઓસ્ટ્રેલિયાના મેલબોર્ન શહેરમાં રહે છે ત્યારે પોલીસ ત્યાં પહોંચી પણ એ સમય દરમિયાન રોની બ્રાઝિલ ભાગી ગયો હતો. રોનીની જેમ જ ચાર્લી વિલ્સન પણ પોલીસના કબજામાંથી ભાગી ગયો હતો પણ ચાર્લીની પત્ની મુર્ખામીને કારણે તે ફરીથી પકડાઈ ગયો. બન્યું એવું કે ચાર્લી ભાગીને કેનેડા રહેવા ચાલ્યો ગયો હતો. થોડા સમય પછી તેણે તેની પત્નીને પણ રહેવા બોલાવી લીધી. ચારેક વર્ષ પછી તેની વાઈફે પોતાના પિયર ફોન કર્યો એમાં સ્કોટલેન્ડ પોલીસને ચાર્લીના આશ્રયની ખબર પડી ગઈ અને તને કેનેડામાંથી એરેસ્ટ કરી ફરીથી જેલ હવાલે કરવામાં આવ્યો.
ફેકટસ એન્ડ ફિગર્સ
|
લૂંટની રકમ
|
|
(મિલિયન પાઉન્ડ) ૨.૩
|
|
લૂંટમાં સામેલ લોકો ૧૩
|
|
લૂંટ માટે ધરપકડ ૧૧
|
|
તપાસ ચાલી (મહિના) ૧૩
|
|
શકમંદ પકડાયા ૨૩૭
|
caketalk@gmail.com