કેલિડોસ્કોપ - મોહમ્મદ માંકડ
તમે જો તમારી ઇચ્છા મુજબનું પરિવર્તન કરવાના પ્રયત્નો ન કરો તો બીજી રીતે પરિવર્તન તો થવાનું જ છે, એને કોઈ અટકાવી તો શકવાનું જ નથી. માણસે તો એમાં કઈ રીતે ભાગ લેવો એટલું જ વિચારવાનું રહે છે, કારણ કે આપણે જેટલા પ્રમાણમાં એ સમજી શકીએ એટલા પ્રમાણમાં હકારાત્મક રહી શકીએ. એટલા પ્રમાણમાં જીવંત રહી શકીએ. સુખી અને સફળ જીવન જીવી શકીએ
માણસ એક અકળ અને અદ્ભુત પ્રાણી છે. પ્રાકૃતિક અવસ્થામાં એ જ્યારે હશે ત્યારે શિકાર કરીને પોતાનું જીવન ટકાવતો હશે. કોઈક શુભ ચોઘડિયે એને પ્રેરણા થઈ હશે અને એણે પશુઓને મારવાને બદલે પાળવાનું શરૂ કર્યું હશે. એ ફળ-ફૂલ વીણીને કે ચૂંટીને પોતાની ભૂખ ભાંગતો હશે. એમાંથી કોઈક પળે અનાજના દાણાને વાવવાનો એને વિચાર આવ્યો હશે. અનાજનો દાણો વાવનાર કે પશુને પાળનાર પહેલો માનવી ઘણો મહાન હશે. આગથી ડરવાને બદલે આગનો ઉપયોગ કરનાર માનવી તો એનાથી પણ મહાન હશે-એ બધા જ માણસો ઘણા મોટા ગજાના માનવીઓ હશે. એ મહામાનવોએ, આપણા પૂર્વજોએ કુદરતનો અભ્યાસ કરીને એના સાચા સ્વરૂપને સમજીને એનો ઉપયોગ કર્યો ન હોત તો આપણે આજે જે આધુનિક જીવન જીવીએ છીએ એમાંનું કશું જ આપણી પાસે ન હોત. આપણે પણ આજે કુદરતના કેટલાક સાદા નિયમો, ગુણો, સ્વભાવનો અભ્યાસ કરવાનો થોડો પ્રયત્ન કરીએ અને એને અનુરૂપ વર્તન કરવાનો પણ પ્રયત્ન કરીએ. કુદરતને સમજીને જિંદગી જીવનારને ઓછો સંઘર્ષ કરવો પડે છે અને લાંબું, તંદુરસ્ત સફળ જીવન એ જીવી શકે છે.
જીવન અને શ્રમ જુદાં નથીઃ આપણને લાગે છે કે જીવવા માટેની બધી જરૂરી વસ્તુઓ હવા, પાણી, ખોરાક કુદરતે આપણને વિનામૂલ્યે, મફતમાં આપી છે, પરંતુ આ વાત છેતરામણી છે. કુદરતે છૂટા હાથે આપેલી કોઈ પણ વસ્તુનો ઉપયોગ કરવા માટે દરેક જીવે શ્રમ કરવો પડે છે. પહેલાં શ્રમ આવે છે પછી જ ઉપભોગ આવે છે. પરિશ્રમ કર્યા વિના કુદરતની કોઈ ચીજ વસ્તુ ઉપલબ્ઘ થઈ શકતી નથી. સતત કાર્યશીલતા જ જીવને જીવંત રાખી શકે છે.
આપણાં ફેફસાં કામ કરે તો જ શરીરને પ્રાણવાયુ મળે છે. હાથ, મુખ કે હોજરી કે આંતરડાં કામ કરે તો જ પાણી અને ખોરાકની જરૂરિયાત પૂરી થાય છે. આપણા શરીરનું એકે એક અંગ શ્રમ કરીને, સતત કાર્યરત રહીને જ ટકી શકે છે અને વિકસી શકે છે. જે જીવંત કોષો કામ કરતા નથી અને નિસ્ક્રીય રહે છે એ નકામા અને નિર્જીવ બની જાય છે. મૃત થઈ જાય છે.
નવું જન્મેલું બાળક પણ આંખો ખૂલતાં જ પોતાના હાથ-પગ હલાવવાનું શરૂ કરી દે છે. બાળક જો હાથ-પગ હલાવે નહીં તો માતાનું ધાવણ પણ તેને પચે નહિ. અને આ વાત જીવસૃષ્ટિના બધા જ જીવોને લાગુ પડે છે. વનસ્પતિનાં અંગો પણ લગાતાર કામ કર્યા જ કરે છે. પાન એનું કામ કરે છે. થડ એનું કામ કરે છે. મૂળ એનું કામ કરે છે. કામથી અલગ એમનું કોઈ જીવન જ નથી. જીવતાં રહેવા માટે દરેક જીવે કાર્યશીલ રહેવું પડે છે, કારણ કે જીવવિજ્ઞાનના અતૂટ નિયમોથી દરેક જીવ બંધાયલા છે. માણસ જ્યારે કુદરતના નિયમોને અનુસરીને પોતાને ગમતાં કાર્યની, શ્રમની પ્રવૃત્તિ શોધી કાઢે છે ત્યારે એના જીવનમાં તાજગી તો રહે જ છે, એને સંતોષ પણ મળે છે.
દરેક જીવ એક અને અનોખો
કુદરતે આ માયાવી સૃષ્ટિનું સર્જન એવું કર્યું છે કે આપણી બુદ્ધિ કામ ન કરે. કુદરતે સર્જેલો દરેક જીવ એક અને અનોખો છે. બાજરાના અબજો દાણામાંથી એક જેવો બીજો દાણો આપણે શોધી શકતા નથી. કુદરત એક જેવો બીજો નમૂનો બનાવતી નથી. એની પાછળનું રહસ્ય આપણે જાણી શકતા નથી. કારીગર પોતાના કામ માટે જુદા જુદા પ્રકારના અને જુદા જુદા માપનાં હથિયારો વાપરે છે એમ કુદરત પણ પોતાના કામ માટે જુદા જુદા જીવોનો ઉપયોગ કરે છે. સર્જનની આ લીલા અગાધ અને અટપટી છે અને કરોડો વર્ષથી આ ક્રિયા ચાલુ હોવા છતાં હજી એનો ખજાનો ખૂટયો નથી અને કરોડો વર્ષો પછી પણ ખૂટવાનો નથી.
આ વિશાળ સૃષ્ટિમાં નાનામાં નાની વનસ્પતિને કે નાનામાં નાના જીવજંતુને પોતાનું કામ છે. એની કામગીરી બીજુ કોઈ કયારેય કરી શકતું નથી. મનુષ્યમાં બીજા કરતાં બુદ્ધિનું તત્ત્વ વધારે છે. એણે બુદ્ધિનો ઉપયોગ કરીને પોતાની વિશેષતા મુજબ કુદરતનું કોઈ સર્જન ક્યાંરેય નકામું નથી હોતું.
આપણે જ્યારે દરેક જીવ એક અને અનોખો છે એવું સ્વીકારીએ છીએ ત્યારે એના વર્તનની, માન્યતાઓની સાચી સમીક્ષા કરી શકીએ છીએ અને ઘણા અન્યાયોને ભૂલી જઇ શકીએ છીએ અને ઘણી બઘી બાબતોમાં બીજાઓને માફ કરી શકીએ છીએ. એટલું જ નહીં આપણી પોતાની જાતને સાચા સ્વરૂપે ઓળખી શકીએ છીએ.
કોઈ પણ જીવ સંપૂર્ણ સ્વતંત્ર નથી ધરતી ઉપર પાંગરેલ જીવસૃષ્ટિનો દરેક જીવ એક ભાગ છે. આપણે પણ એનો એક ભાગ છીએ. આખીયે સૃષ્ટિ એના નિયમોની ચાલ્યા કરે છે, એને સંપૂર્ણ રીતે સમજવાનું આપણું ગજું નથી પરંતુ એમાંનું કેટલુંક આપણે જાણી શકીએ છીએ.
મોટા ભાગના જીવોને જીવવા માટે પ્રાણવાયુની જરૂર પડે છે એ પ્રમાણસર અને શુદ્ધ મળી રહે એટલે પ્રાણીઓ અને વનસ્પતિની જીવન રીત કુદરતે એવી ગોઠવી છે કે એકનો કચરો બીજા માટે ખોરાક બની રહે. પ્રાણીઓ પોતાના ઉચ્છ્વાસમાં કાર્બન ડાયોક્સાઈડ કચરારૂપે બહાર કાઢે છે એનો જ ઉપયોગ કરીને એમાં રહેલા કાર્બનમાંથી વનસ્પતિ પોતાના માટે ખોરાક તૈયાર કરે છે અને ઓક્સિજન હવામાં પાછો કાઢે છે.
એ જ રીતે કેટલાંક પશુ-પક્ષીઓ સૃષ્ટિને સાફ સૂફ રાખવાનું કામ કરે છે. કાગડા, ગીધ, જરખકીડી, મંકોડો જેવા જીવોની ગેરહાજરી હોય તો આ ધરતી ગંધાઈ ઊઠે, પ્રદ્ષણ ફેલાઈ જાય. અને, આ ગંદકી સાફ કરવાના કામમાં જ કુદરતે તેમનો ખોરાક મૂક્યો છે. આમ જીવસૃષ્ટિ એક સાંકળ જેવી છે અને આપણે એમાંની કોઈ એક કડી સમાન છીએ. એટલે દરેક જીવ એક અને અનોખો હોવા છતાં સંપૂર્ણ સ્વતંત્ર નથી. જેમ સાંકળની દરેક કડીનું સ્વતંત્ર અસ્તિત્વ હોવા છતાં એ સાંકળનો એક ભાગ જ હોય છે.
અને એટલે જ જીવવા માટે માત્ર સ્વાર્થી બનીને રહેવાનું માણસને પોસાતું નથી એણે પરમાર્થી પણ થવું પડે છે, એણે ઉદાર થવુ પડે છે. ઉદારતા એ એની કોઈ મહેરબાની નથી. એની જરૂરિયાત છે.
બધું સ્વયં સંચાલિત છે
આખા બહ્માંડની કે કુદરતની બધી રચનાઓની વાત કરવાનું તો આપણું જ ગજું જ નથી, પરંતુ આપણે માત્ર માનવ શરીરની વાત કરીએ તો પણ કબૂલ કરવું પડે કે કુદરતની એ પાર ન પામી શકાય એવી રચના છે. શરીરને જરૂર પડે એ રીતે એ માગણી કરે છે. પાણીની જરૂર ઊભી થાય એટલે એને તરસ લાગે છે. બળતણની જરૂર ઊભી થાય એટલે એને ભૂખ લાગે છે. શરીરમાં રોગના જંતુઓ દાખલ થાય એટલે શરીરનું ઉષ્ણતામાન વધી જાય છે અને રોગના જંતુઓનો નાશ કરી નાખે છે. આમ કુદરતે દરેક જીવની જરૂરિયાત એના પોતાના દ્વારા જ પૂરી થઈ શકે એવી રચના કરી છે. એમાં ગરબડ થાય તો શરીરને નુકસાન થાય છે. અને એનો અંત પણ આવી શકે છે.
બધું સંતુલિત અને અંકુશમાં છે
આપણે કુદરતને ઓળખવાનો પ્રયાસ કરીએ એટલે આપણને એની પ્રચિંડ શક્તિનો ખ્યાલ આવે છે.આખુ બ્રહ્માંડ એટલું સંતુલિત છે કે જીવસૃષ્ટિ ચાલ્યા કરે છે.ક્યારેય સૂર્યના પ્રખર તાપથી બધી વનસ્પતિ બળી જતી નથી કે ઠંડીમાં બધું નાશ પામતું નથી આકાશમાંથી ખરતાં તારાઓ ગ્રહના ટૂકડાઓ સીધા પૃથ્વી પર આવી પડતા નથી,એ પહેલાં એ વાતાવરણમાં જ સળગીને નાશ પામે છે,જ્યારે આમાં અચાનક ફેરફાર થાય ત્યારે કેટલાક જીવો નાશે પણ પામે છે.
વનસ્પતિ અને પ્રાણી જગત વચ્ચેની સમતુલા અજબ રીતે જળવાઈ રહેલી જોવા મળે છે. વૃક્ષો ઊગે છે અને વધે છે પરંતુ તે આકાશ સુધી વધ્યાં જ કરતાં નથી. જે જીવજંતુઓનો ઝડપથી વિકાસ થાય છે અને જેમનું જન્મપ્રમાણ ઘણું ઊંચું છે તે સમગ્ર પૃથ્વીના પટ ઉપર છવાઈ જતાં નથી, કારણે કે કુદરતમાં બધું સંતુલિત છે અને બધું અંકુશમાં છે.
બધું પરિવર્તનશીલ છે
કુદરતમાં પરિવર્તનની ક્રિયા સતત ચાલુ જ રહે છે. જો પરિવર્તન સતત થતું ન હોત તો ઉત્ક્રાંતિ શક્ય જ ન બનત. દરેક ચીજ અને દરેક જીવમાં પરિવર્તન થયા જ કરે છે આ પરિવર્તનની પ્રકિયાને કારણે જ પાનખરમાં ઠૂંઠાં થઈ ગયેલાં વૃક્ષો વસંતમાં ખીલી ઊઠે છે. છોડ પર નવી ફૂંપળો ફૂટે એ રીતે, કાપકૂપ કરીને એને તાજો રાખી શકાય છે એ પરિવર્તનશીલતાના પ્રકૃતિના સ્વભાવને કારણે જ. પરિવર્તનશીલતા એટલે તાજા રહેવાની પ્રક્રિયા.
કુદરતની આ પરિવર્તનની પ્રક્રિયામાં માણસ ઘણો મોટો ભાગ ભજવી શકે છે. માણસ વિચારોની શક્તિથી પોતાને અનક્ળ પરિવર્તન સર્જી શકે છે. તમે જો તમારી ઇચ્છા મુજબનું પરિવર્તન કરવાના પ્રયત્નો ન કરો તો બીજી રીતે પરિવર્તન તો થવાનું જ છે એને કોઈ અટકાવી તો શકવાનું જ નથી. માણસે તો એમાં કઈ રીતે ભાગ લેવો એટલું જ વિચારવાનું રહે છે, કારણ કે આપણે જેટલા પ્રમાણમાં એ સમજી શકીએ એટલા પ્રમાણમાં હકારાત્મક રહી શકીએ. એટલા પ્રમાણમાં જીવંત રહી શકીએ. સુખી અને સફળ જીવન જીવી શકીએ.