પાટણ,તા.૭
પાટણ શહેરના સોનીવાડા વિસ્તારમાં આવેલ ફોફળીયાવાડા ખાતેના એક મકાનમાંથી તીવ્ર દુર્ગંધ મારતા આસપાસના રહીશોએ મકાનમાં રહેતી વૃધ્ધાના દિકરાને જાણ કરતા તેઓએ મકાનનું તાળું તોડીને જોતા મકાનમાંથી વૃધ્ધ મહિલાની મૃત હાલતમાં લાશ મળી હતી. આ અંગે મૃતક મહિલાના પુત્રએ પાટણ શહેર એ ડીવીઝન પોલીસ મથકે ખબર આપી હતી.
- તીવ્ર દુર્ગંધ મારતા રહીશોએ પુત્રને જાણ કરી તાળું તોડયું
પાટણના સોનીવાડા વિસ્તારમાં આવેલ ફોફળીયાવાડા મહોલ્લાના એક મકાનમાં તીવ્ર દુર્ગંધ આવતા આસપાસના રહીશોએ મકાનમાં રહેતી વૃધ્ધ મહિલા લતાબેન રજનીશભાઈ જોષી(ઉ.વર્ષ.૬ર) ના પુત્ર યોગેશભાઈ રજનીશભાઈ જોષીને જાણ કરતા તેઓ મકાન ખાતે દોડી આવ્યા હતા અને મકાનનું તાળું ખોલીને જોતા તેમાં તેઓની માતા મૃતહાલતમાં મળી આવી હતી. આ અંગે તેઓના પુત્રએ પાટણ શહેર એ ડીવીઝન પોલીસ મથકે જાણ કરી હતી કે તેઓની માતા મરણજનાર લતાબેન રજનીશભાઈ ફોફળીયાવાડા વિસ્તારમાં આવેલ મકાનમાં એકલા જ રહેતા હતા દરમ્યાન ગત રોજ યોગેશભાઈ મોઢેરા ગામે હવનમાં ગયેલ હતા તે સમયે તેઓના ઉપર પાટણથી ફોન કર્યો હતો કે તમારી માતાના ઘરમાંથી ખરાબ વાસ આવી રહી છે અને છેલ્લા ત્રણ દિવસથી આ વાસ આવે છે જેથી તેઓ ફોફળીયાવાડ સ્થિત તેઓની માતાના ઘરે દોડી ગયા હતા. જ્યાં ઘરનું તાળું તોડી અંદર જોતા લતાબેન મરણ ગયેલ હાલતમાં મળી આવ્યા હતા.