Sandesh on Facebook Sandesh on Twitter Sandesh RSS Feeds Subscribe Daily Headlines Download Sandesh Toolbar Sandesh On Mobile
Jun 20,2013 11:00:18 AM IST
સુદ એકાદશી - નિર્જળા એકાદશી,ગાયત્રી જયંતી
 

પોસ્ટ ઓફિસની મહિલા ઠગ એજન્ટ અનસૂયાનો ભેદી સંજોગોમાં આપઘાત

Apr 08, 2012 Ahmedabad > Ahmedabad City
 
comment     E-Mail     Print    
 
Viewed: 383
Rate: 0
Rating:
Bookmark The Article

અમદાવાદ, તા.૭

પોસ્ટ ઓફિસમાં ચાલતી વિવિધ સ્કીમો હેઠળ લોકોના લાખો રૂપિયાનું ફુલેકું ફેરવી દીધાની જેની પર ફરિયાદ થઇ હતી તે ચર્ચાસ્પદ મહિલા ઠગ એજન્ટ અનસૂયા હાલાણીએ ભેદી સંજોગોમાં ઝેરી દવા પીને આત્મહત્યા કરી લેતા નવા રહસ્યો સર્જાવા સાથે અનેક પ્રશ્નો ઊભા થયા છે. અનસૂયાએ ગઈ સાંજે કાલુપુર રેલવે સ્ટેશન નજીક ઝેરી દવા ગટગટાવી લીધી હતી. તેનો એક સંબંધી અનસૂયાને શારદાબેન હોસ્પિટલમાં લઈ ગયો હતો જ્યાં આજે સવારે તેનું મૃત્યુ થયું હતું. પોલીસ ફરિયાદ બાદ નાણાં પરત મળશે તેવી આશા રાખનારા અનેક રોકાણકારો આ ઘટનાથી વિમાસણમાં મૂકાઇ ગયા છે. બીજી તરફ, અનસૂયાના મોતના સમાચારને પગલે તરેહ તરેહની ચર્ચાઓ સંભળાઈ હતી.ખરેખર અનસૂયાએ ઝેરી દવા પી લીધી કે કોઈએ પીવડાવી દીધી તે મુદ્દો ચર્ચાની એરણે છે. પોલીસે ચોક્કસ કારણ જાણવા તપાસ શરૂ કરી છે.

  • છેતરપિંડી આચર્યાની ઓઢવમાં પોલીસ ફરિયાદ થઇ હતી
  • અમેરિકાથી પાછી આવી સંબંધીની સાથે બાવળા પહોંચી
  • કાલુપુર રેલવે સ્ટેશન નજીક ગઇ સાંજે ઝેરી દવા ગટગટાવી
  • રોકાણ, ઠગાઇ, આપઘાત પ્રકરણમાં અનેક પ્રશ્નો અનુત્તર
  • વિવિધ બચત સ્કીમ હેઠળ લાખો રૂપિયા ઉઘરાવી ફુલેકું ફેરવ્યું

મણિનગરના કર્ણાવતી એપાર્ટમેન્ટમાં રહેતી અને ઓઢવમાં ઓફિસ ધરાવતી અનસૂયા મુકેશભાઈ હાલાણી (ઉં. ૪૮) ૨૦૦૬થી પોસ્ટલ રિકરિંગ, ફિક્સ ડિપોઝિટ અને નાની બચતના મહિલા સેવિંગ્સ એજન્ટ તરીકે કામ કરતી હતી. આ વિવિધ યોજના હેઠળ તેણે અનેક પરિચિત- અપરિચિત લોકોના લાખો રૂપિયા ઉઘરાવ્યા હતા. મોટા ભાગના ખાતેદારો મણિનગર અને ઓઢવના હોવાનું ખૂલ્યું હતું. તાજેતરમાં ઓઢવ પોલીસમથકે અનસૂયા વિરુધ્ધ રોકાણકારોએ ૫.૭૧ લાખની છેતરપિંડીની ફરિયાદ નોંધાવી હતી.

પોલીસ તપાસની જાણ અનસૂયાને થઈ હતી. ગત તા. પાંચમીએ અનસૂયાએ પોતાના સબંધી સંજયને ફોન કરી સાંજે એરપોર્ટ પર આવી જવા કહ્યું હતું. અનસૂયાએ સંજયને કહ્યું હતું કે, તા.૧લીએ હું અમેરિકા ગઈ હતી પણ પોલીસકેસ થયાનો સંદેશો મળતા મારે પોલીસમાં હાજર થઈ જવું છે. હવે મારે શું કરવું જોઈએ ? આ ચર્ચા બાદ સંજય અને અનસૂયા બાવળા ગયા હતા અને ત્યાંથી ગઈકાલે પાછા આવ્યા હતા. બંને રિક્ષા ઊભી રખાવી ગઈ સાંજે પાંચથી સવા પાંચ દરમિયાન કાલુપુર રેલવે સ્ટેશન નજીક ચાની કીટલીએ ચા પીવા ઊભા રહ્યાં હતા. સંજય રિક્ષામાંથી ઉતર્યો ત્યારે અનસૂયાએ પોતે દસ મિનિટમાં પરત આવે છે તેમ કહી રિક્ષામાં કયાંક ગઈ હતી. આ દરમિયાન તેણે ઝેરી દવા ગટગટાવી લીધી હતી. અનસૂયા પાછી આવી અને સંજયની સાથે બંને રિક્ષામાં જતા હતા ત્યારે તેને ઊલટીઓ થવા લાગી હતી. તેથી સંજય તેને શારદાબેન હોસ્પિટલમાં લઈ ગયો હતો, જ્યાં આજે સવારે ૭.૧૫ના સુમારે તેનું મત્યુ થયું હતું. અનસૂયાના પતિ મુકેશભાઈ હાલાણી પાણી પુરવઠા જળસંપત્તિ વિકાસ નિગમમાં અધિકારી છે. બીજી તરફ ઓઢવ પોલીસે આજે અનસૂયાની ઓફિસમાંથી રપ જેટલી પાસબુક જપ્ત કરી હતી જે અંગે તપાસ શરૂ કરાઈ છે.

અનસૂયા દર મહિને ૧૩ લાખનું પ્રીમિયમ જમા કરાવતી હતી

અમદાવાદઃ એવું કહેવાય છે કે, અનસૂયાએ ઓઢવ અને મણીનગરમાં રહેતા લોકોનાં નાણાં વિવિધ સ્કીમો હેઠળ ખંખેર્યા છે. ઓઢવ પોસ્ટ ઓફિસના પોસ્ટ માસ્ટર વાય.આર. વોરાએ જણાવ્યું હતું કે, ‘અનસૂયા હાલાણીની રિકરિંગ ડિપાઝિટની એજન્સી હતી. દર મહિને તેમના ખાતેદારોનું તેઓ રેગ્યુલર અંદાજે પાંચથી આઠ લાખનું અને અગાઉના મહિનાનું સાતથી આઠ લાખનું પેન્ડિંગ પ્રીમિયમ જમા કરાવતા હતા. આમ, દર મહિને અંદાજે કુલ રૂ. ૧૩ લાખનું પ્રીમિયમ ખાતેદારોના ખાતામાં જમા કરાવતા હતા. તેમના નામે મન્થલી ઈન્કમ સ્કિમ એજન્સી પણ હતી. જે ૨૯ માર્ચે બંધ થઈ ગઈ હતી.લ્લ મણિનગર પોસ્ટ ઓફિસના પોસ્ટ માસ્ટર રાજુ શાહે જણાવ્યું હતું કે,’આ પોસ્ટ ઓફિસમાં અનસૂયા હાલાણીના નામે એકેય એજન્સી ન હતી.

જમીન વિવાદમાં અનસૂયા સપડાઈ હોવાની શંકા

અમદાવાદઃ ખાનગી સૂત્રો દ્વારા મળતી માહિતી પ્રમાણે, અનસૂયા હાલાણીએ દસક્રોઈ જિલ્લામાં એક જમીન ખરીદી હતી. આ જમીનના સોદા મામલે તે વિવાદમાં સપડાઈ હોવાનું ખાતેદારોમાં ચર્ચાય છે. જો કે, ખરેખર જમીન પ્રકરણ શું હતું તે અંગે પોલીસે તપાસ શરૂ કરી હોવાનું જાણવા મળ્યું છે.

 
Share This


 
 
   
blog comments powered by Disqus
 
Most Popular
 
© Reproduction in Whole or in part without written permission is prohibited.
investorsgrievance@sandesh.com