વડોદરા, તા.૭
સિંગતેલના ભડકે બળી રહેલા ભાવ વચ્ચે આજે વડોદરાના ૧૦ જેટલા તેલના વેપારીઓને ત્યાં પુરવઠા વિભાગે દરોડા પાડતા દોડધામ મચી ગઈ હતી. ઉલ્લેખનીય છે કે સિંગતેલમાં સ્ટોક નિયંત્રણના અમલ બાદ જિલ્લા કલેકટરના આદેશના પગલે આજે પુરવઠા વિભાગે એકાએક દરોડા પાડયા હતા. ૧૦ વેપારીઓમાંથી ૩ વેપારીઓ પાસેથી કુલ રૂ. ૧,૩૪,૬૭૦નો તેલનો જથ્થો કબજે લેવામાં આવ્યો હતો.
- સમલાયાની અશ્વિન વનસ્પતિ ઇન્ડસ્ટ્રીઝ સહિત બે વેપારીઓનો જથ્થો કબજે લેવાયો
દેશમાં તેલના ભાવમાં અધધધ વધારા વચ્ચે કેટલાક વેપારીઓ દ્વારા તેલનો જથ્થો સ્ટોક કરીને કાળાબજારી કરાતી હોવાની બૂમ ઉઠી હતી. દરમિયાન વધી રહેલા સિંગતેલના ભાવ વચ્ચે રાજય સરકારે તાજેતરમાં જ સિંગતેલમાં સ્ટોક નિયંત્રણ અમલી કરવાનો આદેશ આપ્યો હતો. આ આદેશ આપ્યાના ગણતરીના દિવસો બાદ વડોદરામાં તેલના વેપારીઓ પર દરોડા પાડવામાં આવ્યા છે.
વડોદરા જિલ્લા કલેકટર વિનોદ રાવની સૂચનાથી પુરવઠા અધિકારી ડી. આર. પટેલે શહેર જિલ્લાના તેલના વેપારીઓની દુકાન, ગોડાઉન અને ફેકટરી પર દરોડા પાડી તપાસ હાથ ધરી હતી. પુરવઠા કચેરી પાસેથી મળતી માહિતી અનુસાર શહેરના ચોખંડી, સયાજીગંજ, હાથીખાના, સયાજીપુરા, સમલાયા અને પોર ખાતે દરોડા પાડવામાં આવ્યા હતા. વિવિધ વિસ્તારના ૧૦ જેટલા વેપારીઓની દુકાન, ગોડાઉન અને ફેકટરી પર હાથ ધરવામાં આવેલી તપાસમાં સયાજીગંજ વિસ્તારમાં આવેલી શાહી ઓઇલ ડેપો વર્ષ ૨૦૦૯થી બંધ હોવાનું જાણવા મળ્યું હતું. તેમજ અન્ય ૬ વેપારીઓને ત્યાંથી કોઇ પણ જાતની ગેરરીતી નહોતી મળી.
જ્યારે હાથીખાનામાં આવેલી હરિઓમ ટ્રેડર્સ અને અવની ટ્રેડર્સ તેમજ સમલાયાની અશ્વિન વનસ્પતિ ઇન્ડસ્ટ્રીઝ પ્રા. લી. માંથી જથ્થામાં વધ-ઘટ તેમજ રેકર્ડની જાળવણી ન હોવાનું મળી આવ્યું હતું. જેના પગલે પુરવઠા અધિકારી દ્વારા ત્રણેય વેપારીઓના જથ્થાને સરકાર હસ્તક લેવાના આદેશ કરવામાં આવ્યા હતા.
પુરવઠા વિભાગે હરિઓમ ટ્રેડર્સમાંથી રૂ. ૨૫,૬૦૦, અવની ટ્રેડર્સમાંથી રૂ. ૨૦,૮૪૦ અને અશ્વિન વનસ્પતિ ઇન્ડસ્ટ્રીઝ પ્રા. લિ.માંથી રૂ. ૮૮,૨૩૦ મળી કુલ રૂ. ૧,૩૪,૬૭૦નો મુદ્દામાલ કબજે લીધો હતો.