આણંદ તા.૬
પેટલાદ કોર્ટે ચેક સ્વીકારાયા વગર પરત થયેલ ગુનામાં આરોપીને તકસીરવાર ઠેરવી એક વર્ષની સાદી કેદની સજા તથા રૂપિયા ૧ લાખ ૫૦ હજાર વળતર પેટે ફરીયાદીને ચુકવી દેવા માટેનો હુકમ કરી જેલ ભેગો કરી દીધો હતો.
- ૧.૫૦ લાખ વળતર પેટે ફરિયાદીને ચૂકવવાનો આદેશ
પ્રાપ્ત થતી માહિતી અનુસાર પેટલાદ કસ્બામાં રહેતા પટેલ દિલીપભાઈ ગોરધનભાઈએ પેટલાદ તાલુકાના દંતાલી ગામના ઈશ્વરભાઈ ટપુભાઈ ઝાલાને રોકડા રૂપિયા ૧ લાખ ૫૦ હજાર ઉછીના આપ્યા હતા. જે પેટે તેમણે સ્ટેટ બેંક ઓફ ઈન્ડીયા પેટલાદ શાખાનો ચેક નંબર ૨૦૧૩૬૯ તા.૨૩-૬-૨૦૦૪ના રોજ આપ્યો હતો.જે જરૂર સ્વીકારાઈ જશે તેવો વિશ્વાસ અને ભરોસો આપ્યો હતો. દિપીલભાઈ પટેલે ચેક પંજાબ નેશનલ બેંકમાં ભરતા ઈનસફીસીયન્ટ ફંડ (અપુરતા ભંડોળ)ને કારણે સ્વીકારાયા સિવાય પરત થયો હતો જેથી તેમણે ઈશ્વરભાઈ ઝાલા સામે પેટલાદ કોર્ટમાં ધી નેગોસિએબલ ઈન્સ્ટુમેન્ટ એક્ટની કલમ ૧૩૮ મુજબ ફરીયાદ કરી હતી.જે ફરીયાદ પેટલાદના જ્યુ.ફ.ક.મેજીસ્ટ્રેટ પી.જી.ચૌધરી સમક્ષ ચાલી જતાં ફરીયાદીના વકિલની દલીલોને ગ્રાહ્ય રાખી આરોપી ઈશ્વરભાઈ ટપુભાઈ ઝાલાને તકસીરવાર ઠેરવી એક વર્ષની સાદી કેદની સજા તથા રૂ.૧.૫૦ લાખ વળતર ચુકવવાનો હુકમ કરી જેલ ભેગો કરી દીધો હતો. આ બનાવને પગલે સમગ્રપંથકમાં ભારે ચકચાર મચી જવા પામી છે.