વલસાડ, તા. ૮
વલસાડ રૂરલ પોલીસે અટગામ ગામના રહીશને પહોંચાડવામાં આવનાર નવસાર તથા અખાદ્ય ગોળના રૂ. ૩૫,૫૦૦નો જથ્થો ઝડપી પાડયો હતો. આ દરમિયાન ગામનો રહીશ તથા જથ્થો પહોંચાડવા માટે મારૂતિકારમાં આવેલો ઈસમ ફરાર થઈ જતાં બંનેને વોન્ટેડ જાહેર કરાયા છે. આ અંગેની ફરિયાદ વલસાડ રૂરલ પોલીસ મથકે નોંધાઈ છે.
- બે શખ્સોને વોન્ટેડ જાહેર કરાયા
વલસાડ રૂરલ પોલીસ મથકના પીએસઆઈ એન.એસ. પ્રજાપતિને અટગામ ગામના ગામતળ ફળિયામાં રહેતા અસ્ફાક અહમદ મોહંમદ શેખ દારૂ બનાવવા માટે ઉપયોગમાં લેવાતા અખાદ્ય ગોળ તથા નવસારનું ગેરકાયદે વેચાણ કરતો હોવાની બાતમી મળી હતી. આ બાતમીના આધારે રૂરલ પોલીસે મોડી રાત્રે વોચ ગોઠવી હતી. જે દરમિયાન ગામતળ ફળિયામાં એક મારૂતિવાન નંબર જીજે ૧૫ સીએ ૨૧૦૩ નજરે પડતા પોલીસે કારચાલકને અટકી જવાનું જણાવ્યું હતું. પોલીસને જોતા જ કારચાલક કાર પાર્ક કરી ભાગી છૂટયો હતો. બાદમાં પોલીસે કારની તપાસ કરતા કારમાંથી ૫૦ કિલો અખાદ્ય ગોળ કિંમત ૧૫૦૦ રૂ તથા ૩૪,૦૦૦નો નવસારનો જથ્થો મળી આવ્યો હતો. પોલીસે અખાદ્ય ગોળ, નવસાર તથા મારૂતિવાન મળી કુલ રૂ. ૨,૩૫,૫૦૦નો મુદ્દામાલ કબજે કર્યો હતો. દારૂ તથા નવસારનો જથ્થો વેચનાર અસ્પાક શેખ તથા મારૂતિનો ચાલક ભાગી છુટતા બંનેને વોન્ટેડ જાહેર કરાયા છે. આ અંગેની ફરિયાદ વલસાડ રૂરલ પોલીસ મથકે નોંધાતા પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.