અમરેલી : તા.૮
ગઈ કાલે લીલીયાના ક્રાકચ, બેલા, તળી, નાળીયેરી વિસ્તારમાં વસવાટ કરતા એશિયાટિક સિંહોના આવાસ સમા જંગલ વિસ્તારમાં આશરે ૨૫૦૦ વીઘા જમીનમાં દવ લાગ્યો હતો. જે મોડી રાતે શમ્યો હતો. આગથી બચવા કેટલાય સિંહો સલામત જગ્યાએ સ્થળાંતર થઈ ગયા હતા. ગઈ કાલે એવી આશંકા સેવાતી હતી કે એક સિંહણ અને બે બચ્ચા આગની લપેટમાં આવી ગયા છે. પણ આજે આ આશંકા ખોટી ઠરી છે અને બે બચ્ચા સહિતના તમામ સિંહો સલામત હોવાનુ જાહેર થયુ હતું જેનાથી વન્યપ્રેમીઓમાં આનંદની લાગણી ફેલાઈ છે.
ગઈ કાલે અચાનક દવ લાગવાની ઘટના બનતા તૃણાહારી અને માંસાહારી પ્રાણીઓમાં ભયના માર્યા ભારે દોડધામ મચી ગઈ હતી. સાવજો બચવા ડણકો દેવા લાગ્યા હતા. દીપડાઓ સલામત જગ્યા શોધી ઝાડ પર ચડવા લાગ્યા હતા. આમ વનમાં ભારે દોડધામ મચી ગઈ હતી. જયારે વનમાં દવ લાગવાથી જંગલમાં સાગના તેમજ બાવળના અને અન્ય ઝાડી ઝાખરાઓ ભસ્મિભૂત થઈ ગયા હતા. સદનસીબ વનમાં તમામ સિંહો સલામત છે એમ જણાવવામાં આવ્યુ છે.