ભૂવનેશ્વર 09, એપ્રિલ
ઓરિસ્સામાં અપહ્યત બીજેડી ધારાસભ્ય ઝીના હિકાકા પ્રકરણમાં નવો વળાંક આવ્યો છે. માઓવાદીઓએ હવે પોતાના સંદેશામાં કહ્યું કે, હિકાકાની પત્ની 10 એપ્રિલે 30 કેદીઓને લઇને કોરાપુટ જિલ્લાના બાલીપેટા ગામમાં પહોંચી જાય. આ બાદ જ હિકાકાને મુક્ત કરવામાં આવશે. ઓરિસ્સા સરકારે જે ર૩ લોકોને મુક્ત કરવાનો નિર્ણય લીધો છે તેઓનો આ 30 લોકોમાં સમાવેશ થાય છે. આ ઉપરાંત 7 નક્સલી પણ તેમાં સામેલ છે.
આ સંદેશો મીડિયાને આંધ્ર-ઓરિસ્સા બોર્ડર સ્પેશિયલ ઝોનલ કમિટી તરફથી મોકલાવાયેલા પત્રમાં અપાયો છે.
બીજી તરફ ત્રણ સપ્તાહ અગાઉ અપહરણ કરાયેલા ઇટાલીયન પર્યટક બોસુસ્કોની મુક્તિ સામે ફરી એકવાર સંકટનાં વાદળ ઘેરાયાં છે. માઓવાદીઓએ ઓરિસ્સા સરકારને એ સ્પષ્ટમ કરવા કહ્યું છે કે તેઓ કેટલા નક્સલીઓને મુક્ત કરી રહી છે. માઓવાદીઓએ એ પણ પૂછ્યું છે કે તેઓ ૧૩માંથી કેટલી માગણી પૂરી કરશે?
માઓવાદી નેતા સબ્યસાચી પાંડાએ મીડિયાને મોકલેલા ઓડિયો સંદેશમાં દાવો કર્યો કે સાત લોકોને મુક્ત કરવાની માગણી કરવામાં આવી હતી. સરકારે આ અગાઉ 6 લોકોને મુક્ત કરવા પર સંમતિ દર્શાવી હતી પણ શનિવારે માત્ર પાંચ લોકોને મુક્ત કરવાનું જણાવ્યું હતું.