સુરત 9, એપ્રિલ
વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી દ્રારા ચાલુ વર્ષે બીએડમાં અમલી બનાવાયેલી પ્રવેશ પ્રક્રિયામાં હોબાળો થવા પામ્યો છે. આ પ્રવેશ માટે 450 થી વધુ વિદ્યાર્થીઓએ ફોર્મ ભર્યાં છતાં હજુ સુધી દસ્તાવેજ જમા કરાવેલ નથી અને ફોર્મ વેરીફિકેશનની પ્રક્રિયા કરી નથી. આ વિદ્યાર્થીઓ જો હવે દસ્તાવેજો જમા નહીં કરાવે તો પ્રવેશ પ્રકિયામાંથી બહાર નીકળી જવાનો ભય સર્જાયો છે.
સૂત્રોનાં જણાવ્યાં અનુસાર ઓનલાઈન પ્રક્રિયામાં વિદ્યાર્થીઓએ આ ફોર્મ મેળવી ભરવાનું હોય છે આ ફોર્મ ભર્યાં બાદ જે તે કોલેજમાં જઈ વેરીફિકેશન કરાવવાનું હોય છે. હાલનાં તબક્કે 450 થી વધુ વિદ્યાર્થીઓએ વેરીફિકેશન કરાવ્યું નથી અને આવતીકાલે અંતિમ તારીખ છે. અત્યારે 3315 ફોર્મ ભરાયાં છે જેમાંથી 2916 વિદ્યાર્થીઓએ વેરીફિકેશન કરાવ્યું છે બાકીનાં વિદ્યાર્થીઓએ દસ્તાવેજ જમા કરાવ્યાં નથી, તો જોવાનું એ છે કે યુનિવર્સિટી હવે પાયલોટ પ્રોડેક્ટમાં વિદ્યાર્થીઓને કેટલી તક આપે છે.