ડાયટ ટિપ્સ - અંગના શાહ
ઉનાળાની ગરમીમાં શરીરને આંતરિક રીતે ઠંડક આપવાનું લગભગ અઘરું બની જાય છે. ઉનાળામાં ઠંડક મળી રહે તે માટે એરકન્ડિશનર અને ઠંડા પીણાંનો જ સહારો રહે છે. ઉનાળામાં એવાં શાકભાજી અને ફળ મળે છે જેમાં પાણી પુષ્કળ હોય છે. તેનો વપરાશ કરવાથી શરીર ઠંડક અનુભવે છે અને ગરમીનો અનુભવ થોડો ઓછો જણાય છે. માટે ઉનાળા દરમ્યાન ઠંડક આપતાં શાકભાજી અને ફળોનો ઉપયોગ બને તેટલો વધારી દેવો જોઈએ.
* ફ્રૂટસથી મળશે ઠંડક
ફળફળાદીમાં આમ પણ સામાન્ય રીતે પાણીનો ભાગ વધુ હોય છે. તે ઉપરાંત તેમાં શરીરને જરૂરી પોષકતત્ત્વો છે. તે એન્ટિઓક્સિડન્ટ પણ છે અને તે ઉનાળામાં શરીરને ઠંડક આપવાનું મોટું કામ કરે છે. આવાં ફળોમાં દ્રાક્ષ, સફરજન, તરબૂચ અને ટેટીનો સમાવેશ થાય છે. કેરી, નારંગી ફળોનો સમાવેશ રોજિંદા જીવનમાં ઘણી રીતે કરી શકાય છે. જેમ કે બપોરના સમયે, સવારે નાસ્તા પછી અને સવારના ભોજન પહેલાં ફળો તથા ફળોનો રસ શરીરને આંતરિક ઠંડક બક્ષશે અને પાણીનું પ્રમાણ પણ જાળવશે.
* શાકભાજી
એવાં ઘણાં શાકભાજી છે જે શરીરના તાપમાનને નીચું રાખવાનું તેમજ ગરમીથી બચાવવાનું કામ કરે છે. તૂરિયાં, ગલકાં, કારેલાં, કોબીજ, ફુદીનો, વરિયાળી વગેરે શરીરને ઠંડક આપવાનું કામ કરે છે. ઉનાળુ શાકભાજીમાં વિપુલ પ્રમાણમાં પાણીનો ભાગ આવેલો છે. તે લોહીને પાતળું કરી, શરીરમાંથી ગરમાવો કાઢીને શરીરને ઠંડું કરવાનું કામ કરે છે. (ક્રમશઃ)
(લેખિકા અમેરિકામાં ડાયટિશ્યન છે.)
angana@anganahospital.gmail.com