બ્યુટી ક્વેરી - ડો. ગીતા પટેલ, ડર્મેટોલોજિસ્ટ
ગરમીની સિઝનમાં ચહેરો તૈલી થઈ જાય છે. તો દિવસમાં ચહેરો કેટલી વાર ધોવો જોઈએ? - મહેક
ઉનાળામાં ત્વચા ગરમી તથા પ્રદૂષણના કારણે વધારે ચીકણી થાય છે. તેમાં પણ જેની સ્કિન તૈલી હોય તેની મુશ્કેલીઓ વધી જ જતી હોય છે. બેથી ત્રણ વાર ચહેરો ફેશવોશથી ધોવો જોઈએ. વારંવાર ચહેરો સાફ ન કરવો. ઘણી યુવતીઓ દર બે કલાકે ચહેરો ફેશવોશથી સાફ કરતી હોય છે તો આમ ન કરવું. જરૂર પડે તો તમે પાણીથી બે-ત્રણ વાર ચહેરો ધોઈ શકો. હવે તો ટિશ્યૂ પેપર પણ મળે છે. તો ફેસવોશને બદલે ટિશ્યૂ પેપર વડે ચહેરો સાફ કરીને ત્વચાને ચોખ્ખી રાખી શકો છો.
મારા હોઠ ગરમીમાં સૂકા થઈને ફાટી ગયા છે, તો તેની સંભાળ લેવા હું શું કરું? - રેહાના
શરીરમાં વિટામિન બી કોમ્પ્લેક્સ અને ફોલિક એસિડની ઊણપના કારણે હોઠ સૂકા થઇને ફાટી જાય છે અને હોઠ પર ઘણી વાર કાપા પડે છે. વળી ગરમીમાં તડકાને કારણે હોઠની પાતળી ત્વચા જલદી તરડાઈ જાય છે. કોઈ લિપસ્ટિક તમને સૂટ નહીં થતી હોય તો પણ આમ થઈ શકે છે. કેટલીક દવાઓથી પણ આમ થઈ શકે છે. તો સારો લિપબામ લગાવવો જેમાં સનસ્ક્રીન આવતું હોય. સાથે સાથે વિટામિન બી કોમ્પ્લેક્સ અને ફોલિક એસિડની ગોળીઓ લઈ શકો.
નખની આજુબાજુની ત્વચા સુકાઈને ખૂબ ઉખડે છે, આમ ન થાય તે માટે શું કરું? - નિકિતા
આ સમસ્યાના નિવારણ માટે તમારે હાથની થોડી સંભાળ લેવી જરૂરી છે. જેમ કે, વારેઘડીએ હાથ ન ધોવા. જ્યારે નેલપોલિશ રિમૂવ કરો ત્યારે એસિટોનયુક્ત નેલપોલિશ રિમૂવર ન વાપરવું. નખની આજુબાજુમાં જ્યાં ત્વચા ઉખડતી હોય ત્યાં બેથી ત્રણ વાર મોઇશ્ચરાઇઝિંગ ક્રીમ લગાવવું. આ ઉપરાંત તમે બાયોટિન વિટામિનની ટેબલેટ પણ લઈ શકો છો.
વધતી ઉંમરના લીધે ત્વચા લચી પડી છે. તો મારે આ સમસ્યાને દૂર કરવા શું કરવું? -પ્રેમિલાબહેન
ત્વચા ટાઈટ કરાવવા રેડિયો ફ્રિકવન્સી મશીનનો ઉપયોગ કરી સ્કિન ટાઈટ કરાવી શકો. આ ઉપરાંત થ્રેડ લિફ્ટિંગથી સ્કિન ટાઈટ થઈ શકે, પરંતુ આ ટ્રીટમેન્ટ લેવા નિષ્ણાત ડર્મેટોલોજિસ્ટનો સંપર્ક કરી યોગ્ય માર્ગદર્શન મેળવવું. ત્યારબાદ જ આગળ વધવું.
drgeeta@skinworld.co.in