કવર સ્ટોરી - મહિમા પટેલ
અત્યારની સ્ત્રીઓ વિકાસના આકાશને આંબવા લાગી છે. ઘરના ઉંબરને ઓળંગીને સ્ત્રીએ પોતાના વિકાસની ચોક્કસ કેડી કંડારી લીધી છે. આ કેડી હવે પહેલાંની સરખામણીમાં ઓછી કાંટાળી અને વિકટ છે અને સ્ત્રીઓ એટલી તો હોશિયાર થઈ જ ગઈ છે કે તે વિકટ પરિસ્થિતિને પોતાના શાણપણથી હેન્ડલ કરી શકે. તેમ છતાં ચાર દીવાલની બહાર નીકળ્યા પછી જિંદગીમાં ક્યારેક એવી કેટલીક અણધારી આપત્તિઓનો ભોગ બનવું પડતું હોય છે કે જેનો તાત્કાલિક ઉપાય ધારીએ તેટલો સરળ નથી હોતો. આપણે વારંવાર માધ્યમોમાં એવા સમાચારો વાંચતા જ હોઈએ છીએ કે, ‘હવે ફલાણું ફલાણું શહેર કે રાજ્ય સ્ત્રીઓ માટે સુરક્ષિત નથી રહ્યું’. ‘રોડ રોમિયોએ કરેલી છોકરીની છેડતી’, ‘મોબાઇલ પર કે ફેસબુક પર યુવતીની છબી ખરડવાનો પ્રયાસ’,’સોનાના દાગીના ધોવાના બહાને ગઠિયો સોનું પડાવી ગયો’, ‘ઓફિસમાં સહકર્મચારીએ કે ઉપરીએ કરેલું શોષણ’, અથવા ‘લગ્નનું વચન આપીને પ્રેમી પલાયન થઈ ગયો...’ આવી તો અસંખ્ય ઘટનાઓમાં સ્ત્રીઓ છેતરાતી હોય છે કે ભોળવાતી હોય છે અથવા તો જાહેરમાં છેડતીનો ભોગ બનીને શરમજનક પરિસ્થિતિમાં મુકાતી હોય છે. અને આવી પરિસ્થિતિનો સામનો કેવી રીતે કરવો તેની ખબર જ પડતી નથી. રાધર એવું પણ કહી શકાય કે, સ્ત્રી હિંમતપૂર્વક આવી પરિસ્થિતિનો સામનો કરતા ગભરાય છે, પરંતુ હા સારી અને આશાસ્પદ બાબત એ છે કે અપવાદરૂપ સ્ત્રીઓ બુદ્ધિચાતુર્ય અને શારીરિક સ્ફુર્તિથી કેટલીક વણજોઈતી પરિસ્થિતિમાં પણ નુકસાન ન થાય તેવો ઉકેલ શોધી કાઢે છે. આવી જ એક ઘટનાની વાત કરતાં અમદાવાદની ૨૫ વર્ષની શ્રુતિ પેટીગરા કહે છે કે, ‘‘એક વાર રાત્રે અમે બધી બહેનપણીઓ બહારથી આવતા હતા, તે વખતે બે ત્રણ યુવકો તેમના ફોર વ્હિલર સાથે સતત અમને ફોલો કરી રહ્યા હતા. તેઓ વારંવાર અમારી બાજુમાં ગાડી અટકાવીને અમારી મજાક કરતા હતા અને અભદ્ર ભાષા બોલતા હતા. આથી અમારે તેમની સાથે થોડું બોલવાનું થઈ ગયું. તેમની પાસે ત્રણ ફોર વ્હિલર હતાં અને પ્રમાણમાં રસ્તા પર અવરજવર જૂજ હતી. આથી અમારી માથાકૂટ ચાલતી હતી ત્યારે જ મારી ફ્રેન્ડને મેસેજ મોકલીને કીધું કે તારા મોબાઇલનું રેકોર્ડર ચાલુ કરી દે. ત્યારબાદ મેં ઝડપથી મારા ઘરનો નંબર લગાવી દીધો. મેં ફોન હાથમાં જ રાખ્યો હતો આથી ઘરમાં મમ્મીએ ફોન ઉપાડતા તેમને ફક્ત વાત જ સંભળાતી હતી. તેમને ખ્યાલ તો આવી જ ગયો કે કાંઈ સમસ્યા છે. મેં ફોનમાં વાત કર્યા વિના જ તેમને જણાવી દીધું કે અમે કયા લોકેશન પર છીએ. થોડી હિંમત ભેગી કરીને તે યુવકોને પણ કીધું કે, તમારી અભદ્ર વાતચીત રેકર્ડ કરીને પોલીસને નંબર લગાવી દીધો છે. આ બાબતની પોઝિટિવ અસર થઈ અને અમે તે બદમાશોથી છુટકારો મેળવ્યો.’’
શ્રુતિની વાત સાંભળ્યા બાદ એટલી તો ખાતરી થઈ જાય છે કે જો સ્ત્રીઓ ઇચ્છે અને થોડું શાણપણ વાપરીને હિંમતથી કામ લે તો અન્યની મદદની રાહ જોયા વિના જ તે સ્વસુરક્ષા કરી શકે છે, પરંતુ સ્ત્રીઓ માટે વાત ફક્ત શારીરિક સુરક્ષા શીખવાથી અટકતી નથી. સ્ત્રીની કાર્યક્ષમતાઓ ત્યારે જ નિખરે છે જ્યારે તે ઇમોશનલી, મેન્ટલી ઇકોનોમિકલી કે સોશિયલી પણ ડિફેન્સિવ થઈ શકે. રોજિંદા જીવનમાં એવી ઘટનાઓ બનતી હોય છે જ્યાં તમે શોરબકોર કરી શકતા નથી. એવી મુશ્કેલીઓમાં તમારી આગવી સૂઝબૂઝનો જ ઉપયોગ કરવો પડે છે. સુરતનાં ધનલક્ષ્મીબહેન સ્વાનુભવની વાત કરતાં કહે છે કે, મારા પતિનું અચાનક અવસાન થતા મારી પર આભ તૂટી પડયું હતું. તેમના મૃત્યુ બાદ બેંકની કેટલીક એફ.ડી વગેરે રિન્યુ ન કરાવી શકી. એ ઉપરાંત બીજાં આર્થિક રોકાણો વિશે મને કોઈ જાણ નહોતી. વાસ્તવમાં મેં આર્થિક બાબતોમાં રસ જ નહોતો લીધો. એટલે પતિના મૃત્યુ બાદ મારી અણઆવડતના કારણે મને ઘણી મુશ્કેલી પડી.
ધનલક્ષ્મીબહેન પોતાના કટુ અનુભવે એ શીખી ગયાં છે કે સ્ત્રીએ પોતાના જીવનને સુરક્ષા પ્રદાન કરવા બેઝિક ટેક્નોલોજીથી માંડીને કાયદાઓની તમામ બાબતો સમજવી જ જોઈએ. જેથી કોઈના ઓશિયાળા ન બનવું પડે. અહીં ડિફેન્સિવ બનવું એટલે દરેક કન્ડિશનમાં બચાવ કરવાની વાત નથી. ડિફેન્સિવ બનવું એટલે કે દરેક પરિસ્થિતિ સામે વ્યવસ્થિત રીતે ઝઝૂમીને તેમાંથી સારધાર બહાર નીકળવું. તો હવે સમયનો તકાજો સમજીને સ્ત્રીઓએ સેલ્ફ ડિફેન્સના વિવિધ પાસાંને જીવનમાં ઉતારવાનો પ્રયત્ન શરૂ કરી જ દેવો જોઈએ. જરૂરી નથી કે સુરક્ષા માટે કાયમ હાથમાં હથિયાર હોવું જ જોઈએ.
સેલ્ફ ડિફેન્સ ટિપ્સ
કેટલીક ઘટનાઓનો ભોગ ન બનાય તે માટે મહિલાઓ પોતાની સુરક્ષા પોતે જ કરે તે જરૂરી છે. આવો જાણીએ એવી કેટલીક સેલ્ફ ડિફેન્સ ટિપ્સ રસ્તા પર જાવ ત્યારે ફોન પર વાતોમાં મસ્ત રહેવાને બદલે કે ઇયર ફોનમાં ગીતો સાંભળવાને બદલે થોડું ધ્યાન આસપાસમાં પણ રાખવું.
તમને લાગતું હોય કે કોઈ તમારો પીછો કરી રહ્યું છે તો તમે બોડી લેન્ગ્વેજથી એવું જાહેર ન કરી દો કે તમે એ વ્યક્તિથી ડરી ગયા છો.
તમે બસમાં કે જાહેર સ્થળે ફોન પર વાત કરતા હો ત્યારે તમારો મોબાઇલ નંબર, એટીએમ પાસવર્ડ, એકાઉન્ટ નંબર અને પરિવારની વ્યક્તિઓ અંગેની માહિતી શેર કરવાનું ટાળવું.
ઘરે એકલા રહેવાનું થયું હોય તો ઘરની બહાર ઊભા રહીને એ અંગે ફોનમાં મોટે મોટેથી વાત ન કરવી.
દરવાજામાં મેજિક કી લગાવવી. કોઈ દરવાજો ખખડાવે ત્યારે એમાંથી જ જોઈને પરિચિત વ્યક્તિ હોય તો જ દરવાજો ખોલવો.
રિક્ષામાં બેસતાં પહેલાં રિક્ષાનો નંબર નોટ કરી લેવો.
જ્યારે મોડું થવાનું હોય ત્યારે ઘેર જાણ કરી દેવી ને રસ્તામાં પણ તેમની સાથે ફોનથી સંપર્ક રાખવો.
રસ્તામાં કે અજાણી જગ્યાએ અટવાઇ જાવ ત્યારે ૧૦૦ નંબર ડાયલ કરીને પોલીસની મદદ લેતા અચકાવું નહીં.
તમને લાગે કે કોઈ વ્યક્તિ તમારી છેડતી કે મશ્કરી કરી રહી છે તો તેને કડકાઈથી સમજાવી દેવી. જરૂર પડે તો આસપાસના લોકોની કે પોલીસની મદદ પણ લઈ શકાય.
કપરી પરિસ્થિતિમાં હાજર સો હથિયાર સમજીને તમે તમારી સુરક્ષા માટે પર્સ, સેફ્ટીપિન,પેન જેવી ઘણી વસ્તુઓનો ઉપયોગ કરી શકો.
જિંદગીમાં દરેક ક્ષેત્રે ડિફેન્સિવ રહેવું જરૂરી
મેન્ટલી ડિફેન્સિવ
સુરક્ષા ફક્ત બાહ્ય જ નથી હોતી. સ્ત્રી આંતરિક રીતે પણ મજબૂત બને તે જરૂરી છે. માટે માતા-પિતાએ નાનપણથી દીકરીને કૂકિંગની સાથે સાથે માર્શલ આર્ટ્સ, કરાટે, જૂડોની તાલીમ અપાવવી જોઈએ.
કામમાં શોષણ થતું હોય, તમે ઓવરબર્ડન કામ કરતા હો તો માનસિક રીતે સ્વસ્થ રહીને સઘળી પરિસ્થિતિ તમારા ઉપરીને સમજાવો.
કોઈ તમારી લાગણી સાથે રમત કરી રહ્યું હશે તો આ બાબતમાં તમે મુશ્કેલીમાં મુકાશો છતાં હો-હા નહીં કરી શકો. માટે સઘળી પરિસ્થિતિનો વિચાર કર્યા બાદ જ કોઈ સંબંધમાં ઊંડા ઊતરો. સામાન્ય રીતે યુવતીઓ રિલેશનશિપમાં ખૂબ સંવેદનાઓ રાખીને આગળ વધતી હોય છે, પરિણામે દુઃખી થાય છે.
ઇકોનોમિકલી સુરક્ષા
સ્ત્રીઓએ ઘણાં આર્થિક વ્યવહારો તથા રોકાણો બાબતની જાણકારી રાખવી.
દરેક સ્ત્રીએ પોતાનું એક સેવિંગ એકાઉન્ટ ખોલાવવું.
તમારું પોતાનું આગવું બજેટ બનાવીને આવક જાવકનો વ્યવસ્થિત હિસાબ રાખવો.
ઘણી સ્ત્રીઓ પોતાનું ખાતું ખોલાવી દે કે શેર ખરીદી લે છે. પછી તે બાબત પર કોઈ મોનિટરિંગ નથી રાખતી. ઘણી સ્ત્રીઓને તો બેંક એકાઉન્ટ નંબર સુધ્ધાં યાદ નથી હોતો. આ બાબત યોગ્ય નથી.
સોશિયલ સાઇટ્સ પર બિનજરૂરી શેરિંગ ન કરવું.
અત્યારે દરેક યુવતીઓ સોશ્યલ નેટવર્કિગ સાઇટ્સ પર જરૂરી બિનજરૂરી, અંગત માહિતીઓ શેર કરતી હોય છે. અજાણી વ્યક્તિઓ સાથે ખપપૂરતી જ વાત કરવી.
તમારા બેંકના પાસવર્ડ, ફોટોગ્રાફ જેવી બાબતો સાઇટ્સ પર શેર ન કરવી.
ફ્રેન્ડઝ લિસ્ટને વિસ્તારવા કોઈ પણ વ્યક્તિની ફ્રેન્ડ રિકવેસ્ટ ન સ્વીકારવી.