પણજી, તા. ૯
છ વખતના વર્લ્ડ ચેમ્પિયન પંકજ અડવાણીએ શાનદાર પ્રદર્શન યથાવત્ રાખતાં ૧૧મી એશિયન બિલિયર્ડ ચેમ્પિયનશિપ જીતી લીધી છે. પંકજ અડવાણીએ ફાઇનલમાં થાઇલેન્ડના થવાત સુજારીથુરાકરન સામેની રોમાંચક મેચમાં ૧૧-૯થી વિજય મેળવ્યો હતો. ચેમ્પિયન બનવાની સાથે જ પંકજ અડવાણી પાંચ વખત એશિયન બિલિયર્ડ્સ ચેમ્પિયન જીતનાર ભારતનો પ્રથમ ખેલાડી બન્યો છે. આ પહેલાં પંકજ ૨૦૦૫, ૨૦૦૮, ૨૦૦૯ અને ૨૦૧૦માં ચેમ્પિયન બની ચૂક્યો છે.
પંકજ અડવાણીએ પ્રથમ સેટ જીતીને શાનદાર શરૂઆત કરી હતી, જોકે હરીફ ખેલાડીએ બીજો અને ત્રીજો સેટ જીતીને ભારતીય ખેલાડીને ચોંકાવ્યો હતો. બે સેટ હાર્યા બાદ પંકજ અડવાણીએ ચોથો સેટ જીતીને ૨-૨થી બરાબરી કરી લીધી હતી. પંકજે ચાર સેન્ચ્યુરી બ્રેક લગાવીને પોતાની શાનદાર રમતનો પરચો બતાવ્યો હતો. આ પહેલાં પંકજ અડવાણીએ સેમિફાઈલમાં થાઈલેન્ડના પ્રાપુત ચૈતાનાસુકન સામે ૫-૪થી વિજય મેળવી ફાઇનલમાં સ્થાન બનાવ્યું હતું.