વોશિંગ્ટન, તા. ૯
સદી પૂર્વેની દુર્ઘટનાની યાદમાં પ્રવાસીઓને એ સમયનું ભોજન અને સંગીત પીરસાશે
બાલમોરલના પ્રવાસીઓમાં ટાઇટેનિકનાં મૃતકોનાં સ્વજનોનો પણ સમાવેશ
સાઉધમ્પ્ટનમાં હજારો લોકોએ સદી પૂર્વેનું વાતાવરણ સર્જ્યું
'ટાઇટેનિક' એમએસ બાલમોરલ એક સદીની યાદોને તાજી કરવા માટે ઇંગ્લેન્ડના સાઉધમ્પ્ટનમાંથી રવિવારે રવાના થયું હતું, જીહા, સદી પૂર્વે ડૂબી ગયેલ ટાઇટેનિક જહાજની ૧૦૦મી વરસી નિમિત્તે 'મિની ટાઇટેનિક'એ જૂનાં સંસ્મરણો તાજાં કરવા માટે ફરી એક વખત એ જ માર્ગે પ્રવાસ ખેડયો છે. એક સદી પૂર્વેનું વાતાવરણ ઊભું કરવાના આશયથી બાલમોરલના વર્તમાન પ્રવાસીઓની સંખ્યા પણ એટલી જ રાખવામાં આવી છે તથા ટાઇટેનિક મેમોરિયલ ક્રૂઝ દ્વારા મૂળ ટાઇટેનિક જ્યાં ડૂબ્યું હતું તે સહિતનાં જૂનાં સ્થળોનો પ્રવાસમાં સમાવેશ કરાયો છે.
અસલ ટાઈટેનિક ૧૦મી એપ્રિલ ૧૯૧૨ના રોજ સાઉધમ્પ્ટનથી રવાના થયું હતું જ્યારે આ કમનસીબ જહાજમાં માર્યા ગયેલા ૧,૫૦૦થી વધુ લોકોનાં ૮૦૦ જેટલા સ્વજનોને લઈને 'ટાઇટેનિક' બાલમોરલ ૮મી એપ્રિલ ૨૦૧૨ના રોજ ૧૨ રાત્રીના પ્રવાસે સાઉધમ્પ્ટનથી જ રવાના થયું છે. આ જહાજ ડેક પરથી રવાના થવાનું હતું ત્યારે મોટી સંખ્યામાં લોકો તેને વિદાય આપવા એકત્ર થયાં હતાં. આ યાદગાર પ્રવાસનો ભાગ બનનાર જહાજના ફર્સ્ટક્લાસ પ્રવાસીઓ, ક્રૂ મેમ્બર્સ, રાહતદરે ટિકિટ મેળવનાર પ્રવાસીઓ અને સ્ટુવર્ડ્સ સહિતનાં કેટલાક લોકો સદી પૂર્વેનાં વસ્ત્રોમાં સજ્જ હતા.
ટાઇટેનિકની મિની આવૃત્તિ સમાન બાલમોરલ પ્રમાણમાં નાનું અને તેનાથી ઓછી ઝડપ ધરાવતું હોવાથી મૂળ પ્રવાસની તારીખ કરતાં બે દિવસ વહેલાં ૧,૩૦૯ પ્રવાસીઓ સાથે રવાના થયું છે. આ પ્રવાસમાં ૨૮થી વધુ દેશોનાં લોકોએ ટિકિટો બુક કરાવી હતી. આ પ્રવાસની ટિકિટ ૨,૭૯૯ પાઉન્ડથી ૫,૯૯૫ પાઉન્ડ છે. બાલમોરલમાં પ્રવાસીઓને એક સદી પૂર્વેનાં ભોજનનો સ્વાદ માણવા મળશે, જે તેમને ટાઈટેનિકની યાદ તાજી કરાવશે. વધુમાં આયોજકોએ ટાઇટેનિક ડૂબી ગયું ત્યાં સુધી સંગીત વગાડનાર સંગીતકારોને અંજલિ અર્પણ કરવાના ભાગરૂપે એક લાઇવ બેન્ડને પણ પ્રવાસનો ભાગ બનાવ્યો છે, જે એક સદી પૂર્વેનું સંગીત વગાડી પ્રવાસીઓનું મનોરંજન કરશે.
બાલમોરલમાં પ્રવાસીઓ ફિલિપ લિટલજ્હોન જેવા ટાઇટેનિક નિષ્ણાતોનાં લેક્ચર્સમાં પણ ભાગ લેશે. લિટલજ્હોનના દાદાએ ૧૯૧૨માં ટાઇટેનિકનો પ્રવાસ ખેડયો હતો અને જહાજ તૂટી પડયું ત્યારે તે લાઇફબોટ ૧૩માં બેસીને બચી ગયા હતા. લિટલજ્હોને જણાવ્યું હતું કે તેમનું જહાજ ટાઇટેનિક ડૂબી ગયું હતું તે સ્થળે પહોંચશે ત્યારે તેના માટે આ પ્રવાસ એક લાગણીસભર સંભારણાં સમાન બની રહેશે. ટાઇટેનિક મેમોરિયલ ક્રૂઝ પર તેમની કથની લોકોને સાંભળવા મળશે તે બાબત જાણીને તેના દાદાને ગર્વ થશે તેમ લિટલજ્હોને ઉમેર્યું હતું.