અમદાવાદ, તા.૧૦
સ્થાનિક સહિત દેશના વિવિધ બુલિયન માર્કેટમાં જ્વેલર્સ અને ગ્રાહકોની સોના-ચાંદીમાં માગ રહેતા બંને કીમતી ધાતુઓમાં સુધારા તરફી વલણ જોવા મળ્યું હતું. અમદાવાદ બુલિયન માર્કેટમાં ૧૦ ગ્રામ સોનામાં રૂ .૧૦૦નો વધારો થતાં સ્ટાન્ડર્ડ સોનું રૂ .૨૮,૬૦૦ અને શુદ્ધ સોનું રૂ .૨૮,૪૫૦ની સપાટીએ રહ્યું હતું. તેમજ એક કિલો ચાંદીમાં પાછલા બંધ ભાવમાં કોઈ ફેરફાર ન થતાં ચાંદી રૂ .૫૫,૭૦૦એ સ્થિર રહી હતી. નવા દાગીના રૂ .૨૭,૪૫૫ અને હોલમાર્ક દાગીના રૂ .૨૮,૦૩૦ના સ્તરે રહ્યાં હતાં.
મુંબઈ ઝવેરી બજારમાં હાજર ચાંદીમાં રૂ .૮૦નો નજીવો ઘટાડો થતાં ચાંદી રૂ .૫૬,૧૫૦ થઈ હતી. તેમજ સોનામાં રૂ .૧૩૫નો વધારો થતાં સ્ટાન્ડર્ડ સોનું રૂ .૨૮,૧૨૦ અને શુદ્ધ સોનું રૂ .૨૮,૨૫૦ના મથાળે રહ્યું હતું. દિલ્હી બુલિયન માર્કેટમાં ચાંદીમાં રૂ .૪૦૦નો કડાકો બોલાતા ચાંદી રૂ .૫૬,૧૦૦ની સપાટીએ રહી હતી. સાપ્તાહિક વાયદામાં ચાંદી રૂ .૩૦૦ ઘટીને રૂ .૫૬,૧૦૦ થઈ હતી. સોનામાં રૂ .૧૫૦નો સુધારો થતાં શુદ્ધ સોનું રૂ .૨૮,૬૫૦ અને સ્ટાન્ડર્ડ સોનું રૂ .૨૮,૫૧૦ના ભાવે રહ્યું હતું. ચાંદીના સિક્કામાં રૂ .૩,૦૦૦નું ગાબડું પડતાં ૧૦૦ નંગ સિક્કાનો ભાવ રૂ .૬૩,૦૦૦ થયો હતો.
- વૈશ્વિક સોનું પ્રતિ ઔંસ ૫.૩ ડોલર વધીને ૧૬૪૯ ડોલર થયું
- ચાંદીના સિક્કામાં રૂ .૩,૦૦૦નો કડાકો
દરમિયાન વૈશ્વિક બુલિયન માર્કેટમાં પણ બંને કીમતી ધાતુઓમાં વધારો જોવા મળ્યો હતો. મોડી સાંજે ન્યૂયોર્ક ખાતે કોમેક્સ સોનું પ્રતિ ઔંસ ૫.૩ ડોલર વધીને ૧૬૪૯ ડોલર થયું હતું. તેમજ ચાંદી પ્રતિ ઔંસ ૨૦ સેન્ટ વધીને ૩૧.૭૩ ડોલર થઈ હતી.