વોશિંગટન, તા. ૧૦
વાઇસ પ્રેસીડન્ટ પદનાં રિપબ્લિકનનાં સંભવિત ૧૦ ઉમેદવારોની યાદી જાહેર
અમેરિકામાં પ્રમુખ પદ માટેનાં રિપબ્લિકન પાર્ટીનાં ઉમેદવારનાં પ્રબળ દાવેદાર મિટ રોમનીનાં સહયોગી તરીકે ઉપપ્રમુખ પદનાં ઉમેદવાર માટે ભારતીય મૂળનાં બોબી જિન્દાલ અને નિક્કી હેલીનું નામ સામે આવી રહ્યું છે. જો કે લૂસિયાનાનાં ગર્વનર બોબી જિન્દાલ અને દક્ષિણ કારોલીનાનાં ગર્વનર નિક્કી હેલીએ વારંવાર ઉપ- પ્રમુખની દોડમાં સામેલ હોવાનો ઇન્કાર કર્યો છે. રિપબ્લિકન પાર્ટીનાં પ્રમુખ પદનાં ઉમેદવાર તરીકે મિટ રોમનીનું નામ લગભગ નિશ્ચિત માનવામાં આવી રહ્યું છે. નવેમ્બરમાં પ્રમુખ પદની ચૂંટણી થવાની છે. ચૂંટણીમાં તેમની સામે ડેમોક્રેટિક પાર્ટીનાં ઉમેદવાર પ્રમુખ બરાક ઓબામા હશે.
ઉપ- પ્રમુખ પદ માટે રિપબ્લિકન તરફથી ૧૦ સંભવિત ઉમેદવારોની યાદી જારી કરવામાં આવી છે. અહીંની એક અગ્રણી ચેનલે આ ૧૦ નામોમાં જિન્દાલ અને હેલીનું નામ પણ સામેલ હોવાનું જણાવ્યું છે. રિપબ્લિકન પાર્ટીનાં વરિષ્ઠ સેનેટર જોહ્ન મેક્કેને જણાવ્યું હતું કે મિટ રોમનીએ ઉપ પ્રમુખ પદનાં ઉમેદવારનાં રૂપમાં જિન્દાલનાં નામની પસંદગી કરવી જોઇએ. મેક્કેને જણાવ્યું હતું કે અહીં ઘણા ઉમેદવારો છે. જેમાં બોબી જિન્દાલ આગળ છે.
બે વખતથી લૂસિયાનાનાં ગર્વનર તરીકે ચૂંટાઇ આવતા જિન્દાલ રિપબ્લિકન પાર્ટીનાં શકિતશાળી નેતા તરીકે ઊભરી રહ્યાં છે. બીજી તરફ સાઉથ કારોલીનાનાં ગર્વનર નિક્કી હેલીનું નામ પણ રિપબ્લિકન પાર્ટીનાં ઉપ-પ્રમુખ પદનાં સંભવિત ઉમેદવારોમાં સામેલ છે. તેમણે પોતાના ચૂંટણી પ્રચાર દરમિયાન સૌનું ધ્યાન ખેંચ્યુ હતું. અમેરિકાનાં ગ્લેમરસ નેતા સારા પાલિને પણ તેમનું સમર્થન કર્યું હતું.
જિન્દાલે ગર્વનર માટેની ચૂંટણીનાં પ્રચાર દરમિયાન ભ્રષ્ટાચાર દૂર કરવા પર ભાર મૂક્યો હતો. તેમણે લૂસિયાનાનાં કર્મચારીઓનાં પેન્શનમાં ઘટાડો કરી રાજ્યનાં દેવામાં ઘટાડો કર્યો હતો. જિન્દાલ ભારતીય મૂળની પ્રથમ વ્યકિત છે જે અમેરિકામાં ગર્વનર બન્યા છે. અમેરિકામાં સૌથી ઓછી ઉંમરે ગર્વનર બનેલા અને અમેરિકામાં ગર્વનરનો હોદ્દો મેળવનાર પ્રથમ ભારતીય મૂળની મહિલા નિક્કી હેલીએ ચૂંટણી પ્રચાર દરમિયાન સૌનું ધ્યાન ખેંચ્યું હતું.