આરોગ્ય અને ઔષધ - વૈદ્ય પ્રશાંતભાઈ ગૌદાની
આપણે ત્યાં ‘ડુંગળી’ને ‘ગરીબોની કસ્તૂરી’ કહેવામાં આવે છે, કારણ કે સસ્તી અને સુલભ હોવાની સાથે ડુંગળી પોષકતત્ત્વોથી ભરપૂર છે. આહારમાં પોતાની રુચિ પ્રમાણે ડુંગળીનો ઉપયોગ કરવાથી બધાં જ પોષકતત્ત્વો મળી રહે છે. ગ્રીષ્મ ઋતુમાં ડુંગળીનું સેવન કરવાથી લૂ લાગતી નથી અને સૂર્યના ઉગ્ર તાપની શરીર પર માઠી અસર નથી થતી. શિયાળામાં તે શરીરને પોષણ આપે છે અને ચોમાસામાં આહારનાં પાચનમાં સહાય કરે છે. ટૂંકમાં, ડુંગળી એ દરેક ઋતુમાં એકસરખી ઉપયોગી છે. આ વખતે આ ડુંગળી વિશે આયુર્વેદની દૃષ્ટિએ થોડું જાણીએ.
ગુણકર્મોઃ ડુંગળીનાં રથી ૩ ફૂટ ઊંચા છોડને સમશીતોષ્ણ આબોહવા માફક આવે છે. ભારતમાં તે સર્વત્ર ખાસ કરીને સૌરાષ્ટ્ર, મહારાષ્ટ્ર, ઉત્તરપ્રદેશ, બંગાળ વગેરે પ્રદેશોમાં થાય છે. આપણે ત્યાં ડુંગળીની સ્વાદ, રંગ, ગંધ અને આકારની દૃષ્ટિએ અનેક જાત જોવા મળે છે. જેમાંથી સફેદ અને લાલ ડુંગળી વધારે પ્રમાણમાં થાય છે.
આયુર્વેદ પ્રમાણે ડુંગળી સ્વાદમાં મધુર અને તીખી, સહેજ ગરમ, તીક્ષ્ણ, પચવામાં ભારે, રુચિકર, જઠરાગ્નિવર્ધક, વાયુશામક, કફ અને પિત્ત વધારનાર, યકૃતઉત્તેજક, મૂત્રલ, વેદનાનાશક, વીર્ય અને શક્તિવર્ધક છે. ડુંગળી મંદાગ્નિ, હરસ-મસા, હૃદય અને યકૃતની નબળાઈ, કમળો, રક્તસ્રાવ, સૂકી ઉધરસ, માસિકની અનિયમિતતા અને અલ્પતા, કોલેરા, સોજા, વીર્યની અલ્પતા તથા વાયુના રોગો મટાડનાર છે.
રાસાયણિક દૃષ્ટિએ ડુંગળીમાં એક તીખું, દુર્ગંધી, ઊડનશીલ તેલ, પ્રોટીન ૧.૨%, કાર્બોહાઇડ્રેટ ૧૧.૬%, ચરબી ૦.૧ %, કેલ્શિયમ, લોહ, વિટામિન એ, બી-૧ તથા સી હોય છે. મોટી કરતાં નાની ડુંગળીમાં વિટામિન સી વધારે પ્રમાણમાં હોય છે.
ઉપયોગોઃ ડુંગળી પુષ્ટિ અને શક્તિ આપનારી છે. તે મધુર, સ્નિગ્ધ અને ગુરુ હોવાથી શરીરને પોષણ આપે છે. આયુર્વેદના આચાર્યોએ તેને શુક્રવર્ધક અને કામવર્ધક માની છે તે યથાર્થ જ છે. ડુંગળી સમગ્ર શરીરને બળ આપનારી અનન્ય ઉત્તમ ઔષધી છે. તે યકૃતને ઉત્તેજિત કરીને પાચનતંત્રને બળવાન બનાવે છે. હૃદયને ઉત્તેજિત કરીને થાક દૂર કરે છે અને દેહના સર્વ ધાતુકોષોને પોષણ અને શક્તિ આપે છે.
આયુર્વેદના મર્હિષ ચરકે શ્વાસ રોગ દમ માટે એક સરળ ઉપચાર બતાવ્યો છે. ડુંગળીના રસનાં બે બે ટીપાં નાકમાં પાડવાથી શ્વાસ રોગમાં લાભ થાય છે. શ્વાસ રોગમાં મુખ્ય પ્રકોપ વાયુનો હોય છે. ડુંગળી પરમ વાયુનાશક છે. આધુનિક ઉપચારોમાં દવાઓ પમ્પથી સીધી આપવામાં આવે છે. જે ઝડપથી શ્વાસનળીઓને પહોળી કરીને રાહત આપે છે. ડુંગળીમાં પણ આવો જ ગુણ છે. ડુંગળીના રસમાં કફને છૂટો પાડી સરળતાથી બહાર કાઢવાના ગુણ છે. જે ડુંગળીની ઉષ્ણતા, તીક્ષ્ણતા અને સ્નિગ્ધતાને આભારી છે.
આયુર્વેદ ડુંગળીને એક અતિ ઉત્તમ રસાયણ, અત્યંત વાજીકરણ અને અમૂલ્ય ઔષધી માને છે. તેની વાજીકરણ શક્તિ મેળવવા માટે આ પ્રમાણે ઉપચાર કરવો. ૫૦૦ ગ્રામ અડદની દાળ લઈ, તેને સારી રીતે ડુંગળીના રસમાં ભીંજવી, તડકે સૂકવી લેવી. આ રીતે રોજ પંદર દિવસ સુધી કરવું. પછી અડદની દાળને દળી લઈ, ગોળ અને ઘી સાથે નાની નાની લાડુડી બનાવી લેવી. રોજ સવારે અડદ-ડુંગળીની આ લાડુડી ખાઈને ઉપર એક ગ્લાસ દૂધ પીવું. આહારમાં દૂધ-ઘી વિશેષ લેવાં. ગરમ મસાલાનો ત્યાગ કરવો. આ ઉપચાર એક-દોઢ મહિના સુધી કરવાથી વીર્યવૃદ્ધિ થઈ શરીરમાં પુષ્કળ શક્તિ આવે છે.
જેમને માસિક ઓછું આવતું હોય, શરીરમાં વાયુ અને કફની અધિકતા હોય અને શરીરની પ્રકૃતિ ઠંડી હોય તે સ્ત્રીઓએ આહાર સાથે કાચી ડુંગળીનો છૂટથી ઉપયોગ કરવો. ડુંગળી એ માસિકને શુદ્ધ કરનાર છે.
ગરમ પ્રકૃતિની સ્ત્રીઓએ આ ઉપચાર ન કરવો.
shant_1980@yahoo.com