એલકેમિસ્ટ - પોલો કોએલો - પ્રકરણ ૧૦
તેણે થેલીમાંથી એક રત્ન કાઢયું. તેની “હા” હતી.
“શું મારો ખજાનો હું શોધી શકીશ?” તેણે પૂછયું અને ફરી થેલામાં હાથ નાખ્યો, પણ ત્યારે થેલીમાંના એક કાણામાંથી બંને રત્નો નીચે પડી ગયાં. છોકરાએ જોયું જ નહોતું કે તેની થેલી કાણી હતી. યુરીમ અને થુમીમને લેવા તે નીચે વળ્યો અને ધૂળમાં પડેલા જોયા. ત્યાં તેને ફરી એક વાત યાદ આવી.
“શુકનો ઓળખવાનું શીખી લેવું અને તેને અનુસરવું.” વૃદ્ધ રાજાએ કહ્યું હતું.
એક શુકન. છોકરો મનોમન હસ્યો. બંને રત્નો તેણે ઉઠાવીને થેલીમાં ફરી મૂકી દીધાં. કાણું સીવી લેવાનો તેણે વિચાર પણ ન કર્યો - તે રત્નો ગમે ત્યારે થેલીમાંથી પડી જઈ શકે. એણે નક્કી કર્યું : કેટલીક વાતો એવી હોય છે જેને વિશે કદી પૂછવું નહીં, જેથી તમે તમારી નિયતિથી ભાગી રહ્યા જણાવ. “મેં નિશ્ચય કર્યો હતો કે હું જ મારા નિર્ણયો લઈશ.” તેણે મનમાં વિચાર્યું.
પણ રત્નોએ એટલું તો તેને કહ્યું ખરું કે વૃદ્ધના આશીર્વાદ હજી તેની સાથે જ હતા અને એને લીધે તેનો આત્મવિશ્વાસ વધ્યો. ફરીથી તેણે ખાલી બજારમાં નજર નાખી, પણ પહેલાં કરતાં ઓછી બીક સાથે. આ સ્થળ અપરિચિત નહોતું. એ નવું હતું એટલું જ. આખરે તેને હંમેશાં એ જ તો ખપતું હતું. નવાં નવાં સ્થળો જોવા મળે. ભલે તે પિરામિડો સુધી ન પહોંચે. તે બીજા કોઈ પણ ભરવાડ કરતાં લાંબે અંતરે પહોંચ્યો હતો. ઓહ, તેઓ જો જાણે તો કેવા આશ્ચર્યચકિત બની જાય કે બે જ કલાકની વહાણની મુસાફરીને બીજે છેડે કેવી જુદી જ દુનિયા હતી! હમણાં તો તેની દુનિયા આ ખાલી બજાર હતી, પણ તેને તેણે જીવંત સ્વરૂપેય જોઈ જ હતી અને તેને તે કદી ભૂલી નહીં શકે. તેને પેલી તલવાર યાદ આવી. એને વિશે વિચારતાં તેને થોડું દુઃખ થયું, પણ તેણે એવી તલવાર આજ પહેલાં કદી જોઈ નહોતી એ પણ ખરું. આ બધું વિચારતાં તેને ખ્યાલ આવ્યો કે તેણે હવે જાતે જ નક્કી કરવાનું છે કે પોતાને એક ઠગનો શિકાર માનવો કે પછી ખજાનાની શોધમાં નીકળેલો એક સાહસિક.
“હું એક સાહસિક વ્યક્તિ છું જે ખજાનાની શોધમાં નીકળ્યો છું.” તે મનમાં બોલ્યો.
***
કોઈ તેને ઢંઢોળીને જગાડી રહ્યું હતું. બજારની વચ્ચોવચ્ચ જ તે ઊંઘી ગયો હતો અને બજાર હવે ફરી ચાલુ થવામાં જ હતી. આસપાસ નજર કરીને તેણે એનાં ઘેટાં શોધવા માંડયાં, પણ તરત ખ્યાલ આવ્યો કે તે એક નવી દુનિયામાં હતો. દુઃખી થવાને બદલે તે ખુશ થયો. તેણે હવે ઘેટાં માટે ચારાપાણી શોધવાનાં નહોતાં. તેને બદલે તે પોતાના ખજાનાની શોધમાં જઈ શકશે. ખિસ્સામાં કશું નહોતું પણ તેની પાસે શ્રદ્ધા હતી. આગલી રાત્રે જ તેણે નિર્ણય લીધો હતો કે પુસ્તકોમાં વર્ણવાયેલ સાહસિક વ્યક્તિઓ જેવો જ સાહસિક પોતે બનશે.
બજાર વચ્ચે તે ધીરે ધીરે ચાલવા લાગ્યો. વેપારીઓ પોતપોતાની દુકાનો સજાવી રહ્યા હતા. એક મીઠાઈવાળાની દુકાનને ગોઠવવામાં તેણે મદદ કરી. એ મીઠાઈવાળાના ચહેરા પર સ્મિત હતું. તે ખુશ હતો, તે પોતાના જીવન વિશે જાણતો હતો અને નવા દિવસનું કામ કરવા સજ્જ હતો. તેના સ્મિતને લીધે છોકરાને વૃદ્ધ યાદ આવ્યો - પેલો વૃદ્ધ રાજા, જેને તે મળેલો. ‘‘ આ મીઠાઈનો વેપારી એટલા માટે મીઠાઈ નથી બનાવતો કે જેથી પછીથી પ્રવાસ કરી શકે અથવા વેપારીની પુત્રીને પરણી શકે. તે આ કામ એટલા માટે કરે છે કે તેને એ કામ કરવું છે.’’ છોકરાને વિચાર આવ્યો. છોકરાને ખ્યાલ આવ્યો કે વૃદ્ધની જેમ તે પણ સમજી શકતો હતો કે સામેની વ્યક્તિ પોતાની નિયતિથી નજીક છે કે દૂર. માત્ર તેની સામે જોવાથી જ એને એ સમજાઈ જતું હતું. તેણે વિચાર્યું: આ તો બહુ સરળ છે અને છતાં મેં આજ પહેલાં તે કદી કર્યું નહીં!
દુકાન ગોઠવાઈ ગઈ ત્યારે કંદાઈએ તે દિવસે પહેલી બનાવેલી મીઠાઈ છોકરાને આપી. તેણે આભાર માન્યો, તે ખાધી અને આગળ વધ્યો. સહેજ દૂર ગયો હશે ત્યાં તેને ખ્યાલ આવ્યો કે દુકાન ઊભી કરતી વખતે એક જણ અરબીમાં બોલતો હતો અને એક સ્પેનિશમાં.ળઅને છતાં બંને એકબીજાને સંપૂર્ણ રીતે સમજી શકતા હતા.
છોકરાએ વિચાર્યું કે એવી પણ એક ભાષા હશે જે શબ્દો પર આધાર ન રાખે. મારાં ઘેટાં સાથે મને એનો અનુભવ તો થયો જ હતો અને હવે લોકો સાથે થાય છે. તે ઘણું નવું શીખી રહ્યો હતો. કેટલીક ચીજો તો અગાઉથી અનુભવેલી હતી; એ ખરેખર નવી નહોતી પણ તે વિશે તેને ખ્યાલ જ નહોતો. એ બાબતો પરત્વે એનું ધ્યાન ન ગયું, કારણ કે એને એની ટેવ પડી ગઈ હતી. એને થયું: જો હું એ શબ્દરહિત ભાષા શીખી લઉં તો હું સમગ્ર વિશ્વને સમજવાનું પણ શીખી શકું.
ખૂબ જ નિરાંત અને હળવાશપૂર્વક તેણે ટેન્જિયરની ગલીઓમાં રઝળવાનો સંકલ્પ કર્યો. એ જ રીતે તે શુકનો સમજી શકશે. તેને ખબર હતી કે તે માટે ખૂબ જ ધીરજ રાખવી પડશે. ભરવાડો તો ધીરજ વિશે બધું જાણતા હતા. ફરી એક વાર તેને સમજાયું કે જે કંઈ પાઠ તે પોતાનાં ઘેટાં પાસેથી શીખ્યો હતો તેનો જ ઉપયોગ તે આ અજાણી ભૂમિમાં કરી રહ્યો હતો. ‘‘સૃષ્ટિની તમામ વસ્તુઓ સરખી જ છે.’’ વૃદ્ધે કહેલું.
સવાર પડતાં જ ક્રિસ્ટલના વેપારીની આંખ ખૂલી. રોજની જેમ આજે પણ એના મનને એ જ ચિંતા ઘેરી વળી. છેલ્લાં ત્રીસ વર્ષથી એ આ જ જગ્યાએ હતો. આ જગ્યા પહાડની ટોચ ઉપર હતી અને ક્યારેક કોઈક રડયોખડયો ગ્રાહક આવી જતો હતો. હવે કંઈક નવું કરવા માટે મોડું થઈ ગયું હતું. એને માત્ર એક જ વસ્તુ-કાચનાં વાસણોની ખરીદી અને વેચાણ જ આવડતાં હતાં. એક એવો પણ સમય હતો જ્યારે ઘણા લોકો એની દુકાનને જાણતા હતા. અરબી વેપારીઓ ફ્રેન્ચ અને અંગ્રેજ ભૂસ્તર શાસ્ત્રીઓ અને જર્મન સિપાઈઓથી એની દુકાન ઊભરાતી રહેતી હતી. કેવા સોનેરી દિવસો હતા! વાસણો વેચવામાં અનોખો આનંદ આવતો હતો. એને તો એવું જ લાગતું કે જલદીથી તે પૈસાદાર બની જશે અને પાછલી ઉંમરમાં સુંદર સ્ત્રીઓ તેને ઘેરી વળશે.
જેમ-જેમ સમય વીત્યો તેમ ટેન્જિયર પણ બદલાઈ ગયું. પાડોશી શહેર કિઓટા બહુ જ ઝડપથી વિકાસ પામ્યું હતું અને તેનાથી જ અહીંનો વેપાર-ધંધો ઢીલો પડી ગયો. ઘણા લોકો પણ શહેર છોડીને જતા રહ્યા અને હવે માત્ર ગણીગાંઠી દુકાનો જ રહી હતી અને એવો કયો વીરલો હોય કે થોડીક દુકાનો નજરતળે કાઢવા માટે પહાડ ચડીને આવે!
વેપારી પાસે હવે કોઈ વિકલ્પ બચ્યો નહોતો. સળંગ ત્રીસ વર્ષ સુધી એ કાચનાં વાસણ ખરીદતો અને વેચતો રહ્યો હતો અને હવે બીજું કંઈ કરવાનો સમય જ નહોતો રહ્યો.
આખી સવાર અમુક જ માણસોને અહીંથી પસાર થતા તેણે જોયા હતા. વર્ષોથી એ આવું જ જોતો રહ્યો છે અને પસાર થનાર દરેક વ્યક્તિને સંપૂર્ણ રીતે ઓળખે છે. પણ બપોર પહેલાં એક નવો જ છોકરો તેની દુકાનની સામે ઊભો રહી ગયો. તેણે સામાન્ય કપડાં પહેર્યાં હતાં. વેપારીની અનુભવી આંખોએ એ જોઈ લીધું કે છોકરા પાસે કંઈ લેવા માટે પૈસા નહોતા. તો પણ વેપારીએ વિચાર્યું કે છોકરો જાય પછી જ હું જમવા બેસીશ. (ક્રમશઃ)
(સુધા મહેતા દ્વારા અનુવાદિત ‘એલકેમિસ્ટ’માંથી, પ્રકાશકઃ આર.આર. શેઠ)