Sandesh on Facebook Sandesh on Twitter Sandesh RSS Feeds Subscribe Daily Headlines Download Sandesh Toolbar Sandesh On Mobile
May 18,2013 05:01:32 PM IST
 

જંગલની સંસદ સભા (મસ્તીનાં પૂર)

Apr 10, 2012 Supplements > Columnist
 
comment     E-Mail     Print    
 
Viewed: 1144
Rate: 5.0
Rating:
Bookmark The Article

મસ્તીનાં પૂર - સાંઈરામ દવે

ઘેઘૂર જંગલ છે. એક વાંદરો જંગલના રસ્તે હાલ્યો જાય છે. ત્યાં એણે ઘોડાને બીડી પીતો જોયો. વાંદરાએ વિનંતી કરી. અરે! અશ્વરાજ આવું વ્યસન રખાય? મૂકી દ્યો બીડી. હાલો તમને જંગલ બતાવું. ઘોડાને પણ વાંદરાની વાત હૃદયમાં ઊતરી ગઈ. એણે બીડીનો ઘા કર્યો ને ઈ વાંદરા સાથે જંગલ જોવા ચાલી નીકળ્યો. ત્યાં એક શિયાળ સમાધિસ્થ અવસ્થામાં ગાંજો પીતુંતું. વળી વાંદરાએ કહ્યું એ શિયાળકાકા વ્યસનથી છેટા એટલા સારા. ગાંજો મૂકી દ્યો. લાચારી ફેંકી દો ને હાલો અમારી સાથે તમને જંગલની મોજ કરાવું. શિયાળનું પણ તરત જ હૃદયપરિવર્તન થયું. એણે ગાંજો મૂકી વાંદરા ને ઘોડાની સાથે ચાલવા માંડયું. બધા નદીના કાંઠે પહોંચ્યાં. ત્યાં જંગલનો રાજા સિંહ ટુ સ્કવેર કંપનીની સિગારેટ પીતો તો. (ટુ સ્ક્વેર એટલે ફોર સ્ક્વેરનું ઠૂંઠૂં) વળી વાંદરાએ સિંહને કહ્યું, અરે! મહારાજા, વ્યસન મૂકો, મજબૂરી છોડો હાલો જંગલની સેર કરાવું. સિંહે કહ્યું, તું મને શિખામણ ન આપ ને ઊપડ. આ જવાબ સાંભળી ચિત્તા, શિયાળે પણ સિંહને કહ્યું કે, મહારાજ, વાંદરો આપણા ભલા માટે કહે છે અમે પણ વ્યસન છોડી દીધાં છે. તમારેય વાત માનવી જોઈએ. ત્યાં સિંહે ભેદ ખોલ્યો. અરે! તમને ખબર નથી. આ વાંદરો જ્યારે બે પેગ દારૂ પી જાય છે એટલે આમ જ બધાયને વ્યસનમુક્તિની વાતુ કરે છે અને પ્રાણીઓને ગોટે ચડાવે છે. પછી તો બધાંય પ્રાણીઓએ ભેગાં મળી વાંદરાને ટીચી કાઢયો. ધારો કે જંગલમાં પણ આપણી જેમ સંસદ સભાનું સત્ર ભરાય તો? ચાલો તમને એક જંગલની લાઇવ સંસદનું ટેલિકાસ્ટ સંભળાવું.

સદ્નસીબે કોઈ પણ પ્રાણી એના મોબાઇલમાં માણસોની ફિલ્મો જોતા પકડાયો નહીં. પ્રાણીઓના એ સત્રમાં વગર આંદોલને એક ચેનલબિલ પાસ કરવામાં આવ્યું. જે રજૂ કરતાં સંસદ સભ્ય શ્રી વાંદરાએ સ્પિકર સિંહને જણાવ્યું હતું કે, મહારાજ આ ચેનલોના જંગલમાં વધતા જતા પ્રચાર પ્રસારથી જંગલનાં પશુઓનાં બાળકોનાં મગજ બેન્ડ મારી ગયાં છે. પારિવારિક કડદા સિવાય સિરિયલો કશું શીખવતી નથી. બાળકોની કલ્પનાશક્તિ રુંધાઈ રહી છે. એટલે તાત્કાલિક અસરથી જંગલમાં તમામ ચેનલો પર પ્રતિબંધ લાદવો જોઈએ અને અંતિમ મુદ્દો આ નેશનલ જિઓગ્રાફી અને ડિસ્કવરી ચેનલ ઉપર તો માણસોની સામે હાઈકોર્ટમાં કેસ કરવાની જરૂર છે, કારણ કે આ બે ચેનલોને લીધે આપણા અંગત જીવનની કોઈ પ્રાઇવસી જ નથી રહી. સમગ્ર વિશ્વમાં તમામ પ્રજાતિઓની સંખ્યા ઘટી રહી છે. એના મૂળમાં આ બે ચેનલો છે. પ્રાણી દંપતીઓ એકબીજાના હાથ પકડતા ડરીને ફફડી રહ્યાં છે કે ક્યાંય ડિસ્કવરીમાં આવી જાશું તો? માટે આપણા સમાજે આ કેસ માટે તાત્કાલિક તૈયારી કરવી પડશે.

સમગ્ર સભાએ સંસદસભ્યશ્રીના બિલને કલબલાટ કરી વધાવ્યું ને પોતાનો એક હાથ પાંખો ઊંચી કરીને ચેનલ બિલ પાસ કરવામાં આવ્યું.

નવનિયુક્ત સાંસદ અને એડવોકેટ શિયાળ સાહેબે સ્પિકરની મંજૂરી માંગી. અધ્યક્ષ શ્રી સમસ્ત પ્રાણીસમાજ વતી આ બેય ચેનલો સામે કોર્ટકેસ લડવા હું તૈયાર છું. આફ્રિકન જંગલ એક્ટ ૩૦૬ (ક) મુજબ પ્રાણીઓના વિશેષાધિકાર અને અંગત આનંદભંગની કલમ મુજબ આપણે કેસ જીતી પણ જઈએ એમ છીએ, પરંતુ પ્રાણી અધિકાર પંચ અને માનવ અધિકાર પંચ વચ્ચે શાહમૃગ અને સમળી જેટલો તફાવત છે. આ સાલ્લી માણસની નાત દરેક કાનૂનનું પક્ષ પ્રમાણે અર્થઘટન અને અમલ કરે છે. કાચિંડા કરતાં દસ ગણી ઝડપે આ માણસો કલર બદલે છે. બે-ત્રણ કિસ્સાઓ જે હું જંગલ સમાજના ધ્યાને દોરું તો કાશ્મીરમાં કોઈ પંડિત મરે તો આ લોકોના અધિકારોનું હનન નથી થાતું પણ કોઈ ચોક્કસ ધર્મનો માણસ એના લખાણે મરે તોય આ માનવ અધિકાર પંચ ચડી બેસે છે. રેલવેના ડબ્બામાં કેટલા સળગ્યા એનાથી આ લોકોને કશો મતલબ નથી, પણ ડબ્બા પાછળ જે સળગ્યા એમાં માનવ અધિકાર ઘોડોપલંગ થઈ જાય છે. એટલે ટુ બી વેરી ફ્રેંક માણસોને તમે હરાવી નહીં શકો. સુપ્રીમ સુધીની તૈયારી રાખજો અને એમાંય જજ છેલ્લી ઘડીએ બદલાઈ જાય તો આપણાં નસીબ... જય જંગલ.

ત્યાં સાંસદ વાંદરાએ કહ્યું, તો શિયાળજી મારો એક બીજો કેસ વાંદરાછાપ લાલ દંતમંજન ઉપર ઠબકારી દો. એણેય મને ને મારા સમાજને પૂછયા વગર અમારો ગેરઉપયોગ કર્યો છે. ત્યાં હાથી સાહેબ બોલ્યા કે તો હાથી છાપ સિમેન્ટ ઉપર મારોય કેસ કરી દો.

એણે મને ક્યાં રોયલ્ટી ચૂકવી છે. ત્યાં પાછળથી રૃંછાવાળું કૂતરું બોલ્યું કે વોડાફોને મારોય બેફામ ઉપયોગ કર્યો છે અને એક સમ ખાવા પૂરતો મોબાઇલ (ઠોઠિયું) તો શું મફતીયું સીમકાર્ડ પણ નથી દીધું... ત્યાં વળી કાચબાએ ડોકું બહાર કાઢયું ને હળવેથી કીધું..કે.. શિ...યા..ળ..સા...હે..બ.. હરામ જો મેં કોઈ’દી એક પણ મચ્છર માર્યું હોય તો.. પણ તોય આ લોકોએ (કછુઆ અગરબત્તી) મને બદનામ કરી નાખ્યો છે. મારોય કેસ ઝીંકી દો. ત્યાં વડાપ્રધાન ચિત્તો ક્યે કે આ સ્પ્રાઇટ વિરુદ્ધ મારી ફરિયાદ પણ લોકાયુક્ત મારફત દાખલ કરાવો એટલે ખબર પડે આ લોકોને... ત્યાં પેંગ્વિન ક્યે મારો સેવન અપ ઉપર, મગરમચ્છ ક્યે મારો ઓલા ચોકલેટ ચિંગમવાળા ઉપર કેસ ઠબકારી દો. એટલામાં ભેંસ ક્યે અમને પૂછયા વગર અમૂલ દૂધવાળા અમને બતાવ્યા કરે છે. એનેય મૂકતા નહીં અને અંતમાં ખુદ મહોદય સ્પિકર શ્રી સિંહ (વનરાજશ્રી) બોલ્યા કે એમ તો ‘ખુશબૂ ગુજરાત કી’ માં મને આજદિન સુધી પેમેન્ટ નથી મળ્યું. ત્યાં સૌથી વયોવૃદ્ધ અને દયામૂર્તિ અને છેલ્લાં ૬૦ વર્ષોથી સતત સાંસદ તરીકે બિનહરીફ ચૂંટાતી ગાય બોલી કે શાંતિ.. શાંતિ... શાંતિ... આટલો ક્રોધ આટલા બધા કેસ મનુષ્ય જાતિ પર કરશો તો આ મોંઘવારીમાં અધમૂઈ થયેલી પ્રજા આપણા આક્ષેપોથી સાવ નાસીપાસ થઈ જાશે.. તો આપણા અને એનામાં ફર્ક શું રહેશે??? મારા મતે એમને માફ કરવામાં આવે..

 ત્યાં જ જંગલની સભામાં સોપો પડી ગયો. ચેનલ બિલ તો પાસ થયું, પરંતુ આક્ષેપબાજી નાપાસ, કારણ જંગલરાજનો નિયમ છે કે એક પણ જીવ નારાજ થાય એવી કોઈ કાનૂનને સર્વસંમતિ મળતી નથી.

પરંતુ મને હજી ડર છે કે ઘેર ઘેર ગમે તે’દી આ જંગલ કોર્ટની તારીખુ, સમન્સ કે વોરંટ આવ્યા વિના રહેશે નહીં. ગમે ત્યારે જંગલ જેલમાં જવા માટે તૈયાર રે’જો.

અત્યારે તો આ પ્રાણી સમાજે ‘ગૌમાતા’ના ઇશારે માનવતા દાખવીને મનુષ્યોની પશુતાને માફ કરી છે, પરંતુ આ દયામૂર્તિ ગાય નહીં રહે પછી???

હાઉકલી

મેં ઈશ્વરને જોયો છે, મારા બાળકની નિર્દોષ આંખોમાં...

 mastinapur@gmail.com
 
Share This


 
 
   
blog comments powered by Disqus
 
 
© Reproduction in Whole or in part without written permission is prohibited.
investorsgrievance@sandesh.com