Sandesh on Facebook Sandesh on Twitter Sandesh RSS Feeds Subscribe Daily Headlines Download Sandesh Toolbar Sandesh On Mobile
Jun 19,2013 01:21:13 PM IST
સુદ દસમ - નિર્જળા ભીમ એકાદશી (સ્માર્ત -કેરી)
 

જલિયાંવાલા હત્યાકાંડ

Apr 10, 2012 Supplements > Ardha Saptahik
 
comment     E-Mail     Print    
 
Viewed: 2141
Rate: 4.4
Rating:
Bookmark The Article

પ્રાસંગિક - ગિરીશ ચૌહાણ

સ્થળઃ અમૃતસર તા. ૧૩ એપ્રિલ, ૧૯૧૯

અમૃતસરના જલિયાંવાલા વિસ્તારમાં બપોરના ૩-૩૦ વાગ્યાથી લોકો એકઠા થવા લાગ્યા છે. આ જગ્યાએ બગીચો નથી પણ અનેક મકાનોની પાછળનો ભાગ છે. આ જગ્યાની માલિકી જલિયાણ કુટુંબ ધરાવતું હોવાથી આ જગ્યા જલિયાંવાલા તરીકે ઓળખાય છે. આ જગ્યાની ત્રણે બાજુએ મકાનોનો પાછળનો ભાગ આવેલ છે અને આ ખુલ્લા વિસ્તારમાં દાખલ થવા માટેની જગ્યા બહુ પહોળી નથી. અહીં એક અવાવરું કૂવો પણ આવેલો છે.

ગઇકાલે, એટલે કે તારીખ ૧૨ના રોજ લોકો દ્વારા ખબર આપવામાં આવી હતી કે ૧૩મીના સાંજે સાડા ચાર વાગ્યે જલિયાંવાલા વિસ્તારમાં સભા ભરાવાની છે. આ સભાનો હેતુ સરકારે પસાર કરેલ ‘રોલેટ એક્ટ ‘ કાયદાનો વિરોધ કરવાનો હતો. આજનો દિવસ એ વૈશાખીનો દિવસ છે.

સાંજના સાડા ચાર વાગ્યા સુધીમાં આશરે ૨૦૦૦૦ જેટલા લોકો એકઠા થયા હતા. એકઠા થનાર સર્વે લોકો સામાન્ય કક્ષાના નિશસ્ત્ર લોકો હતા. આ સભામાં આવનાર લોકો ગાંધીજીના આદેશને માન આપીને અહીં એકઠા થયા હતા. અહીં આવનાર લોકોમાં અનેક લોકો એવા હતા કે હવે પછીનો કલાક તેમની જિંદગીનો અંતિમ કલાક હતો. બાકીના લોકો માટે હવે પછીનો કલાક જીવનમાં ક્યારેય ભૂલી ન શકાય તેવી લોહીલુહાણ ઘટનાનો હતો.

આશરે પોણા પાંચ વાગ્યે અહીં એકઠા થયેલા લોકોએ જોયું કે થોડે દૂરથી પોલીસની એક પલટન આવી રહી છે. છેલ્લા સાત દિવસથી શહેરમાં જે કંઈ બનાવો બન્યા તે જોતાં, આ પોલીસની પલટન લોકો માટે નવી વાત ન હતી. આ પલટનનો ઉપરી હતો જનરલ રેજિનાલ્ડ ડાયર. જનરલ ડાયરે તિરસ્કારભરી નજરે લોકો તરફ જોયું. લોકો કંઈ સમજે તે પહેલાં આ જગ્યાના બહાર જવાના રસ્તા પર મશીનગનથી સજ્જ પોલીસો ગોઠવાઈ ગયા. જનરલ ડાયર આજે અમૃતસરના લોકોને પાઠ ભણાવવા માગતો હતો. આ પાઠ દ્વારા તે બાકીના બ્રિટિશ હિંદને સંદેશ આપવા માંગતો હતો, એવો સંદેશ કે જેનાથી બ્રિટિશ હિંદની પ્રજા થથરી ઊઠે.

થોડી જ મિનિટોમાં પોલીસો બહાર જવાના રસ્તા પર ગોઠવાઈ ગયા અને પોતાની મશીનગનોમાં કારતૂસોના પટા ચડાવી લીધા. એકઠા થયેલા લોકોને કોઈ પણ જાતની ચેતવણી આપ્યા વિના જનરલ ડાયરે પોલીસોને હુકમ છોડયો, ફાયર...

ફાયરના આદેશની સાથે જ મશીનગનોમાંથી ગોળીઓ છૂટી. કોઈ સમજી શકે કે શું બની રહ્યું છે તે પહેલાં એકી સાથે, અનેક મશીનગનોમાંથી ગોળીઓ છૂટતી ગઈ. આખો વિસ્તાર ૨૦૦૦૦ લોકોની ચીસોથી કાંપી ઊઠયો. એક પછી એક લાશો પડતી ગઈ. ગોળીઓથી બચવા માટે લોકોએ ભાગાભાગી કરી. આ ભાગાભાગીમાં જે લોકો નીચે પડી ગયા તેઓ ક્યારેય ઊભા થઈ ન શક્યા. લોકોએ બચવા માટે અહીં આવેલ કૂવામાં ઝંપલાવ્યું એક પછી એક લોકોએ કૂવામાં ઝંપલાવ્યું અને થોડી વારમાં આ કૂવો પણ ભરાઈ ગયો. જનરલ ડાયરે ભાગવા માટે કોઈ રસ્તો રાખ્યો ન હતો. સતત દસ મિનિટ સુધી આ તાંડવ ચાલ્યું અને દસ મિનિટ પછી બંધ થયું. ગોળીઓ ખૂટી એટલે. કુલ ૧૬૦૦ રાઉન્ડ છોડાયા. જેમાં ૩૭૯ લોકો મોતને ભેટયા અને ૧૨૦૦ ઘાયલ થયા. જોકે આ આંકડો બ્રિટિશ સરકારે આપેલો છે. આખો વિસ્તાર ઘાયલ થયેલાઓ અને મરણ પામેલાઓના લોહી અને માંસથી ભરાઈ ગયો. ચારે બાજુ લોહીનાં ખાબોચિયાં અને માંસના લોચાઓ નજરે પડતાં હતાં. થોડી વારમાં પોતાનું કાર્ય પૂરું કરીને ડાયર અને તેની પલટને વિદાય લીધી. ઘાયલ થયેલાઓ માટે કોઈ સારવારનો કે મૃતદેહો માટે કોઈ વ્યવસ્થા ગોઠવવાનો વિચાર કર્યા સિવાય પોલીસ પલટન અને ડાયર અહીંથી ચાલતા થયા. ડાયરને આ કૃત્ય માટે જરા પણ પસ્તાવો ન થયો. તેની નાગાઈ હંટર કમિશન સમક્ષ આપેલ જુબાનીમાંથી છતી થાય છે.ળતપાસપંચના સભ્યોએ ડાયરને પૂછયું કે ઘાયલ થયેલા લોકોને સારવાર મળે તે માટે તેઓને હોસ્પિટલ કેમ ન પહોંચાડયા?

ડાયરે નફ્ફટાઈથી જવાબ આપ્યો, ઘાયલ થયેલા લોકોને હોસ્પિટલે પહોંચાડવા તે મારી ફરજમાં નથી આવતું. જનરલ ડાયરે એ પણ કબૂલ કર્યું કે જો મારી પાસે વધારે ગોળીઓ હોત તો ચલાવત પણ બીજી મારી પાસે હતી નહીં.

આ બનાવે પંજાબમાં ડર ઊભો કર્યો. સમસ્ત દેશમાં બ્રિટિશ સરકાર પ્રત્યે ધિક્કારની લાગણી જન્મી. હવે આ ઘટના બની તેનાં કારણો તપાસીએ.

ફેબ્રુઆરી ૧૯૧૯માં, બ્રિટિશ સરકારે હિંદ માટે ‘રોલેટ એક્ટ’ નામનો કાયદો ઘડયો. આ કાયદાની જોગવાઈ અનુસાર, સરકાર કોઈ પણ વ્યક્તિને માત્ર શકના આધારે પકડી શકે, તેને જેલમાં પૂરી શકે અથવા દેશનિકાલ પણ કરી શકે. તે સમયે આ કાયદો કાળા કાયદા તરીકે પ્રખ્યાત થયો.

ગાંધીજીએ આ કાયદાનો વિરોધ કરવાનું નક્કી કર્યું અને બીજી માર્ચથી સત્યાગ્રહની શરૂઆત પણ કરી દીધી. સત્યાગ્રહમાં જોડાનાર વ્યક્તિએ પ્રતિજ્ઞાપત્રમાં સહી કરવાની હતી. આ પ્રતિજ્ઞાપત્રમાં કોઈ હિંસા નહીં કરવાની અને કોઈ માલમિલકતને નુકસાન નહીં પહોંચાડવાની ખાતરી આપવાની હતી. સમસ્ત દેશમાં હડતાળ પાડવા માટે એક નાનકડી નોટિસ કાઢવામાં આવી. ૩૦ માર્ચ, ૧૯૧૯નો દિવસ હડતાળ પાડવા માટે નક્કી થયો પણ પાછળથી આ તારીખમાં ફેરફાર કરીને ૬ એપ્રિલનો દિવસ નક્કી કરવામાં આવ્યો. તારીખમાં થયેલ ફેરફારના ખબર દિલ્હી પહોંચવામાં વિલંબ થયો. એટલે દિલ્હીમાં ૩૦ માર્ચથી હડતાળ શરૂ થઈ ગઈ. સ્વામી શ્રદ્ધાનંદની આગેવાની હેઠળ, દિલ્હી રેલવે સ્ટેશન પાસેથી પસાર થઈ રહેલા સરઘસને અટકાવવા માટે પોલીસે ગોળીબાર કર્યો જેમાં પાંચ લોકો મોતને ભેટયા. ચાંદની ચોકમાંથી પસાર થઈ રહેલા સરઘસ પર પણ ગોળીબાર કરવામાં આવ્યો.

૬ એપ્રિલથી પંજાબમાં હડતાળ શરૂ થઈ. લાહોર અને અમૃતસરમાં જાહેરસભાઓ ભરવામાં આવી. ૯ એપ્રિલના રોજ રામનવમીનો તહેવાર લોકોએ શાંતિથી ઊજવ્યો. ૧૦ એપ્રિલના રોજ ડો. સતપાલ તથા સૈફુદ્દીન કીચલુની ધરપકડ કરવામાં આવી અને વાતાવરણ બગડયું. સમસ્ત પંજાબમાં ઇન્ડિયા ડિફેન્સ એક્ટ લાદવામાં આવ્યો.

૧૧ એપ્રિલના રોજ અમૃતસરમાં હડતાળ જાહેર કરવામાં આવી. લોકોએ ડેપ્યુટી કમિશનરની ઓફિસે જઈને ડો. સતપાલ અને સૈફુદ્દીન કીચલુના છુટકારાની માગણી કરી હતી પણ આ માંગણી સ્વીકારવામાં આવી ન હતી. રેલવે ક્રોસિંગ તરફ જતું સરઘસ ટોળાશાહીમાં ફેરવાયું અને ટોળાનો રોષ ફાટી નીકળ્યો. આ ટોળાએ પાંચ અંગ્રેજોની તેમની જ ઓફિસમાં હત્યા કરી નાખી. બેંક અને ટાઉનહોલના મકાનને આગ લગાડવામાં આવી અને ટેલિફોનના વાયરો કાપી નાખવામાં આવ્યા. આ બનાવો બ્રિટિશ સરકારની સહનશક્તિની બહારના હતા. આ કારણસર બ્રિટિશ સરકારે પંજાબના લોકોને પાઠ ભણાવવાનો નિશ્ચય કરી લીધો અને આ પાઠ તે જલિયાંવાલા હત્યાકાંડ.

ઉપરની ઘટનાનું આપણને ન ગમે તેવું કડવું સત્ય એ હતું કે જલિયાંવાલામાં એકઠા થયેલા નિર્દોષ લોકો પર ગોળીબારનો હુકમ આપનાર ડાયર અંગ્રેજ હતો પણ ગોળીઓ ચલાવનાર મોટાભાગના ભારતીયો જ હતા. પોતાના જ નિર્દોષ ભાઈઓ ઉપર ગોળીઓ છોડવામાં તેઓના હાથ કેમ કાંપી ન ઉઠયા?

ગાંધીજીએ પોતાની ભૂલ સ્વીકારી લીધી. હંટર કમિશન સમક્ષ જુબાની આપતાં ગાંધીજીએ કબૂલ કર્યું કે, આ હડતાળના આદેશો પોતે આપ્યા છે. અને આંદોલનના પિતા પોતે જ છે.  

purti.ardhsaptahik@sandesh.com
 
Share This


 
 
   
blog comments powered by Disqus
 
Most Popular
Columns/Editorial
Sulekha-Home
 
© Reproduction in Whole or in part without written permission is prohibited.
investorsgrievance@sandesh.com