વડોદરા,તા.૧૦
શહેરમા આજે કાળઝાળ ગરમીના કારણે હિટ સ્ટ્રોક એટલે કે લૂ લાગવાના બનાવોમાં વધારો થયો છે. સરકારી અને ખાનગી દવાખાનાઓમાં લૂની અસર તળે આવેલા કેટલાંક દર્દીઓએ આજે સારવાર લીધી હતી. આકરી ગરમીના પ્રકોપથી જનજીવન પર પણ અસર પડી છે અને બપોરના ૧૨ કલાક પછી તો શહેરમા જાણે કરર્ફ્યુનું વાતાવરણ હોય તેમ માર્ગો શાંત બની જાય છે. દરમિયાન આકરી ગરમીએ વધુ એકનો ભોગ લીધો હતો જેના કારણે પ્રવર્તમાન મોસમમા ગરમીના કારણે મોતનો આંકડો બે પર પહોંચ્યો છે.
- તાપમાન ૪૧ ડિગ્રીએ પહોંચ્યું, લૂ લાગવાના બનાવોમાં વધારો
ટ્વેન્ટી૨૦ ફોર્મેટની જેમ ઉનાળો પણ ઝડપી ઇનિંગ રમવા માંગતો હોય તેમ આજે તાપમાનમા ફરી ઉછાળો જોવા મળ્યો હતો.સોમવારે શહેરમાં તાપમાન ૪૦.૪ ડિગ્રી નોંધાયું હતું. જેમા આજે વધારો થયો હતો અને પારો ૪૧ ડિગ્રીએ પહોંચી જતા આકરી ગરમી અનુભવાતી હતી. બપોરે તો આકાશમાથી અગનગોળા વરસતા હોય તેવી અનુભૂતિના કારણે લોકોએ ઘરમા પૂરાઇ રહેવાનું જ મુનાસીબ માન્યું હતું જેના કારણે માર્ગો પરની અવરજવર નહીવત બની જતા શહેર શાંત બની ગયું હતું. ગરમીની અસર એટલી હતી કે મોડી સાંજ સુધી તાપ અનુભવાતો હતો.
અંગ દઝાડતી ગરમીના કારણે લૂ લાગવાના બનાવોમા આજે વધારો નોંધાયો હતો.
દરમિયાન શહેરના કમાટીબાગ પાસે આવેલી વન વિભાગની ઓફિસ પાસેથી કાલે બપોરે એક અજાણ્યા ૬૫ વર્ષીય વૃદ્ધનો મૃતદેહ મળી આવ્યો હતો જેનું મોત લૂ લાગવાના કારણે થયું હોવાનું અનુમાન છે.
વધતી ગરમીમાં હાર્ટ એટેક અને હાઇપોથેમિયાથી મોતનો ખતરો
વડોદરા : કાળઝાળ ઉનાળો મોતનુ કારણ પણ બની શકે છે. ઘણા લોકો ગરમીને ગણકારતા નથી અને આકરા તડકામા ફરતા રહેતા હોય છે અથવા તો ખુલ્લા આકાશ નીચે મહેનત કરતા હોય છે. આ પ્રકારની પ્રવૃતિ મોટુ જોખમ નોતરી શકે તેમ છે તેમ જણાવતા શહેરના ફિઝીસીયન ડો.અમલાણીએ ઉમેર્યુ હતુ કે ઉનાળામા સનસ્ટ્રોક (લુ)ના બનાવો સામાન્ય હોય છે. પણ આ સામાન્ય બાબત જ મોત સુધી લઇ જાય છે. લુની અસર વધુ હોય તો તેની સીધી અસર મગજમા આવેલી હોઇપોથેલેમસ ગ્રંથી પર થાય છે. શરીરના તાપમાનને નિયંત્રણ કરતી આ ગ્રંથીમા જો ગરબડ ઉભી થાય તો અસરગ્રસ્તના શરીરનુ તાપમાન ૧૦૬ થી ૧૦૮ ફેરનહીટ સુધી પહોંચી જાય છે અને તાપમાન જો કાબુમા ન આવે તો મોત થાય છે. સનસ્ટ્રોકના કારણે શરીરમા પાણીનો ઘટાડો થાય છે આવા સમયે જો સારવાર ન લેવામા આવે તો કિડની સટ ડાઉન થઇ જાય છે. આ ઉપરાંત ગરમી અને લુના કારણે ગભરામણ પણ થાય છે જેના પરીણામે બ્લડપ્રેશર કાબુમા રહેતુ નથી અને હાર્ટ એટેકનુ જોખમ વધી જાય છે.