સાનફ્રાન્સિસ્કો,તા. ૧૦
આઈપીઓ પહેલા ફોટો શેરિંગ એપ્લીકેશન ડેવલપરને ખરીદવાનો સોદો
વિશ્વની નંબર વન સોશિયલ મીડિયા વેબસાઈટ થોડા મહિનાઓ પછી તેનો આઈપીઓ યોજવા જઈ રહી છે ત્યારે તેનાં આ સંભવિત પબ્લિક ઈશ્યૂ પહેલાં તેણે ૧ અબજ ડૉલરમાં ફોટો શેરિંગ એપ્લીકેશન ડેવલપર કંપની ઈન્સ્ટાગ્રામને ખરીદવાનો સોદો કર્યો છે. આ માટે ફેસબુક દ્વારા રોકડ અને શેર ખરીદી પેટે ૧ અબજ ડૉલર ચૂકવવામાં આવશે. પોતાનાં ગ્રાહકોને સતત નવા ફીચર્સ તેમજ મોબાઈલ એપ્લીકેશન આપવાનું ફેસબુક માટે જરૂરી છે ત્યારે નોંધપાત્ર આવક નહીં ધરાવતી ઈન્સ્ટાગ્રામ માટે આ સોદો સોનાના ઈંડાં સમાન છે. ઈન્સ્ટાગ્રામ જેવી કંપની તેનાં કટ્ટર હરિફ ટ્વિટર કે ગૂગલનાં હાથમાં સરકી ન જાય તે પહેલા ફેસબુક દ્વારા તેને ખરીદી લેવામાં આવી છે.
ઈન્સ્ટાગ્રામ એપ્લીકેશનથી વેબસાઈટનાં યૂઝર્સ ફિલ્ટર્સ અને પિક્ચરની ઈફેક્ટ તેમના આઈફોન તેમજ એન્ડ્રોઈડ ડીવાઈસિસમાં મેળવી શકશે અને આ ફોટો તેમનાં મિત્રોને મોકલી શકશે. જાન્યુઆરી, ૨૦૧૧ પછી ઈન્સ્ટાગ્રામનાં ૩ કરોડ યુઝર્સ છે. ૨૦૧૧નાં અંતે ઈન્સ્ટાગ્રામનાં યૂઝર્સ દ્વારા ૪૦ કરોડ ફોટો અપગ્રેડ કરવામાં આવ્યા હતા. આમ દર સેકન્ડે ૬૦ ફોટો અપલોડ થતા હતા. ઈન્સ્ટાગ્રામને ખરીદીને ફેસબુક મોબાઈલ ડીવાઈસ મારફતે નવી આવક ઊભી કરવા માગે છે. ઈન્સ્ટાગ્રામ દ્વારા ગયા અઠવાડિયે એન્ડ્રોઈડ એપ્લીકેશન શરૂ કરવામાં આવ્યા પછી ૧૦ લાખથી વધુ ડાઉનલોડિંગ થયું હતું.
ઈન્સ્ટાગ્રામની લોકપ્રિયતા તાજેતરનાં સમયમાં વધી છે ત્યારે કંપની ફેસબુકને અનુરૂપ ફોટો ડ્રીવન સોશિયલ નેટવર્ક પૂરું પાડવાની નેમ ધરાવે છે. ટ્વિટર પણ તેને ખરીદવા માગતું હતું તેમ સોશિયલ ઈન્ટરનેટ ફંડનાં સ્થાપક લોઉ કેર્નરે જણાવ્યું હતું. ગૂગલ પણ તેને ખરીદવા સ્પર્ધામાં હોવાનું જાણવા મળ્યું હતું.
ફેસબુક દ્વારા મે મહિનામાં સિલિકોન વેલીનો સૌથી મોટો આઈપીઓ યોજીને ૫ અબજ ડૉલર ઊભા કરવામાં આવશે. ફેસબુકનાં સ્થાપક માર્ક ઝુકરબર્ગ માટે આ સોદો સિદ્ધિ સમાન છે.
ઈન્સ્ટાગ્રામ શું છે ............
ઈન્સ્ટાગ્રામ ફોટો શેરિંગ એપ્લીકેશન ડેવલપર કંપની છે. ઈન્સ્ટાગ્રામને ૨૦૧૦ની શરૂઆતમાં ૫૦ કરોડ ડૉલરમાં સ્થાપવામાં આવી હતી. કંપનીએ ગયા અઠવાડિયે જ ૫ કરોડ ડૉલરનું નવું ફંડ મેળવ્યું હતું. ઈન્સ્ટાગ્રામ એપ્લીકેશનથી વેબસાઈટનાં યૂઝર્સ ફિલ્ટર્સ અને પિક્ચરની ઈફેક્ટ તેમના આઈફોન તેમજ એન્ડ્રોઈડ ડીવાઈસિસમાં મેળવી શકશે અને આ ફોટો તેમનાં મિત્રોને મોકલી શકશે. જાન્યુઆરી, ૨૦૧૧ પછી ઈન્સ્ટાગ્રામનાં ૩ કરોડ યુઝર્સ છે. ૨૦૧૧નાં અંતે ઈન્સ્ટાગ્રામનાં યૂઝર્સ દ્વારા ૪૦ કરોડ ફોટો અપગ્રેડ કરવામાં આવ્યા હતા. આમ દર સેકન્ડે ૬૦ ફોટો અપલોડ થતા હતા.