નવી દિલ્હી, તા. ૧૦
એનર્જી ડ્રિન્કનાં શોધકની અનોખી ઉપાસના
૧ અબજ ડૉલરનાં એનર્જી ડ્રીન્કનું વેચાણ
સરકારની નીતિઓ કે પદ્ધતિસરનાં શિક્ષણમાં માનતા નથી
અમેરિકામાં વસતા ભારતીય ધનિક મનોજ ભાર્ગવને એક મહિના પહેલા કોઈ જાણતું નહોતું પણ જ્યારથી તેમનું નામ આ વર્ષનાં ફોર્બ્સનાં અબજોપતિઓની યાદીમાં ચમક્યું છે ત્યારથી તેમનો સિતારો ચમકી ગયો છે. તેઓ ભારતીય વેન્ચર કેપિટાલિસ્ટ વિનોદ ખોસલા કરતા પણ વધુ સંપત્તિ ધરાવતા ધનિક ભારતીય છે. 'ફાઈવ અવર એનર્જી' નામનાં એનર્જી ડ્રીન્કનાં આ શોધક તેમની કમાણીનો ૯૦ ટકા હિસ્સો ભારતમાં દાન કરવાનો બુલંદ ઈરાદો સેવે છે. દાન કરવું તે તેમની ઉપાસના છે.
મનોજ ભાર્ગવને સરકારની નીતિઓમાં વધુ વિશ્વાસ નથી. તેઓ પદ્ધતિસરનાં ઔપચારિક શિક્ષણમાં પણ માનતા નથી. પ્રિન્સટન યુનિર્વિસટીમાંથી ડ્રોપ લેનાર આ ૫૮ વર્ષનાં ભારતીય વ્યક્તિની સામાન્ય બુધ્ધિમતાને કેળવવામાં માને છે. મગજનું આ કૌશલ્ય તેમનું બ્રહ્માસ્ત્ર છે હોવાનું તેમણે એક અખબારી મુલાકાતમાં જણાવ્યું હતું.
મનોજ ભાર્ગવે એનર્જી ડ્રીન્કની શોધ કરી છે અને તેને 'ફાઈવ અવર એનર્જી' એવું બ્રાન્ડ નેમ આપવામાં આવ્યું છે. તેઓ ૨ ઔંસ એનર્જી ડ્રીન્કનું રેડ અને યલો બોટલમાં વેચાણ કરે છે અને અમેરિકાનાં એનર્જી ડ્રીન્કનાં માર્કેટમાં તેઓ ૯૦ ટકા્ હિસ્સો ધરાવે છે. ૨૦૦૩માં તેમણે આ એનર્જી ડ્રીન્કની શોધ કર્યા પછી માત્ર આઠ વર્ષમાં તેનું વેચાણ ૧ અબજ ડૉલર પર પહોંચાડયું છે.
મનોજ ભાર્ગવ કહે છે કે તેમની ૯૦ ટકા કમાણીનું તેઓ ભારતમાં દાન કરવા માગે છે. તેઓ કહે છે કે મેં પશ્ચિમનાં દેશોમાં ધૂમ કમાણી કરી છે. જેમાંનો ૯૦ ટકા હિસ્સો હું ભારતમાં દાન કરવા માગું છું. હું વ્યક્તિગત ખર્ચમાં બહુ માનતો નથી. તેમણે ભારતમાં લોકસેવાનાં કાર્યો કરવા માટે નોન પ્રોફિટ સંસ્થા હંસ ઓર્ગેનાઈઝેશનની રચના કરી છે.
મનોજભાઈ સરકારની નીતિઓને સૌથી મોટો પડકાર માને છે. તેમનું માનવું છે કે બધા સારા કાર્યોને આ નીતિઓ અવરોધે છે. હું તેનાંથી શક્ય તેટલો દૂર રહેવાનાં પ્રયાસો કરું છું. તેઓ વિશ્વાસપૂર્વક કહે છે કે જો કોઈ સારા કાર્યોને બગાડતી હોય તો તે સરકાર છે. તેઓ સાધુ સન્યાસીઓ સાથે ઘરોબો ધરાવે છે.
મનોજ ભાર્ગવે તેમનાં જીવનનાં ૧૨ વર્ષ ભારતમાં જુદા જુદા આશ્રમોમાં ગાળ્યા છે અને આજે પણ મનની શાંતિની ખોજમાં છે. તેઓ દરરોજ એક કલાક મૌન પાળે છે. તેમનાં સાદા જીવન અને સૌમ્ય સ્વભાવ માટે તેઓ જાણીતા છે.
મનોજભાઈનું માનવું છે કે ભારતનાં ઉદ્યોગગૃહો શિક્ષણને વધારે મહત્ત્વ આપે છે અને ટોચની સંસ્થાઓમાંથી ઉચ્ચ શિક્ષણ મેળવેલાઓને તેઓ નોકરીમાં રાખે છે પણ આ બધા ભાડે રાખેલા પ્લમ્બર જેવા છે. આવા એમબીએ થયેલાઓથી હું પ્રભાવિત થયો નથી. 'મારા શિક્ષણ આડે મેં મારા શાળાકીય શિક્ષણને આવવા દીધું નથી' તેવા માર્ક ટ્વેઈનનાં અવતરણો તેમનો આદર્શ છે.
દસ વર્ષમાં દાન પેટે ૫ ૦૦૦ કરોડ ખર્ચશે
કેન્સરનાં ગરીબ દર્દીઓની સારવાર માટે તેમનું ફાઉન્ડેશન કમલા નહેરુ મેમોરિયલ હોસ્પિટલ જેવા મોટા ૪૦૦ ચેરિટી પ્રોજેક્ટને નાણાંનું દાન કરવાના છે અને આ માટે દસ વર્ષમાં ૫૦૦૦ કરોડ ખર્ચવાની તેમની ગણતરી છે.