રાજકોટ તા. ૧૦
સ્ટોક નિયંત્રણ ધારાનાં અમલની સુચના બાદ રાજકોટમાં કલેકટરે ઓઇલ મિલોમાં અને તેલિબિયાના વેપારીઓ ઉપર તુટી પડવા પુરવઠા તંત્રને આદેશ આપ્યો હતો. જેના પગલે રાજકોટની રાજમોતી ઓઇલ મિલમાં, ધોરાજીમાં રઘુવીર અને ગોવર્ધન ઇન્ડ્ર.માં, શાપર-વેરાવળમાં મહેન્દ્ર ઓઇલમિલમાં દરોડા પાડવામાં આવ્યા હતાં. જેમાં જસદણ અને શાપરની ઓઇલ મિલમાંથી ૨૬૧૪ કિલો સિંગતેલનો જથ્થો નવા કાયદા અર્તગર્ત સીઝ કરવામાં આવ્યો હતો.
- રાજમોતી ઓઇલ મિલમાં રહેવાપાત્ર જથ્થામાં નહિવત વધ-ઘટ જોવા મળી
શાપર-વેરાવળમાં આવેલી મહેન્દ્ર ઓઇલમિલમાં જસદણના પ્રાન્ત અધિકારી ગઢવીએ દરોડો પાડી તેમાંથી ૨૩૭૫૦ની કિંમતનું ૧૯૦ કિલો સીંગતેલ સીઝ કરવામાં આવ્યુ હતુ. જયારે જસદણની દામોદર ઓઇલમિલમાં વાંકાનેરના ડે. કલેકટરે ચેકિંગ કર્યુ હતું. જેમાં ૧,૪૬,૯૬૮ની કિંમતનું ૧૨૨૪ કિલો સિંગતેલનો જથ્થો સ્થગિત કરવામાં આવ્યો હતો. આ ઉપરાંત રાજમોતી ઓઇલ મિલમાં મધ્યાન્હ ભોજનના ડે. કલેકટર કેતન નાયક અને સીટી મામલતદાર રાયજાદાએ તપાસ કરી હતી. તપાસણી સમયે મિલમાં પડેલા ખાધતેલના હાજર જથ્થાની ખરાઇ પંચો રૂબરૂ કરવામાં આવી હતી. જે પંચરોજકામની વિગતે હાજર રહેવા પાત્ર જથ્થામાં નહીવત વધ-ઘટ જોવા મળી હતી.
જથ્થા મર્યાદા બાબતે રાજમોતી ઓઇલ મિલમાં છેલ્લા બાર મહિનામાં કરેલા ઉત્પાદનનું પત્રક મેળવાયું હતું. જેની જથ્થા મર્યાદા હૂકમ -૨૦૧૨માં સુચવ્યા મુજબ હાજર જથ્થાની ચકાસણી કરતાં નિયત મર્યાદા કરતાં ઓછો મળી આવ્યો હતો. જાન્યુ.-૧૧ થી ડિસે. -૧૧ ના બાર મહિનાનું થયેલુ ઉત્પાદન પત્રક અનુસાર કુલ ૧૭૧૬૬૩૧૯ કિ.ગ્રા. થાય છે. જેનું ૧/૧૨ જથ્થા મર્યાદા અનુસાર વધુમાં વધુ ૧૪,૩૦,૫૨૬ કિલોનો જથ્થો સંગ્રહ કરી શકે. પંચ રોજકામ બાદ રાજમોતી ઓઇલ મિલમાંથી ખાદ્યતેલનો હાજર જથ્થો ૧,૬૨,૪૦૩ કિ.ગ્રામ મળી આવ્યો હતો. નહિવત વધ-ઘટના પગલે કલેકટરને રિપોર્ટ કરવામાં આવ્યો છે.