અમદાવાદ, તા.૧૧
ઔદ્યોગિક ઉત્પાદનના આંકડા જાહેર થવા પૂર્વે શેરબજારમાં સેન્ટિમેન્ટ નબળું રહેતાં તેમજ ઈન્ડોનેશિયાના સુમાત્રામાં ભયાવહ ભૂકંપ બાદ એશિયા સહિત ભારતના અનેક વિસ્તારોમાં પણ ભૂકંપના આંચકા અનુભવાતાં છેલ્લા કલાકોમાં સાવચેતી વચ્ચે નરમાઈ જોવા મળી હતી. બીએસઈ સેન્સેક્સ ૪૪.૪૪ પોઈન્ટ ઘટીને ૧૭,૧૯૯.૪૦ની નીચી સપાટીએ બંધ થયો હતો. નિફ્ટી આંક ૧૬.૭૫ પોઈન્ટના ઘટાડા સાથે ૫,૨૨૬.૮૫ બંધ થયો હતો.
બજાર બંધ થવામાં એક કલાક બાકી હતો ત્યારે દેશમાં નિકોબાર દ્વિપ ઉપરાંત તમિળનાડુ અને આંધ્ર પ્રદેશમાં સુનામીની ચેતવણી જાહેર થતાં દિવસની ટોચેથી બજારમાં વેચવાલીનું દબાણ રહ્યું હતું. મેટલ, કન્ઝ્યુમર ડયુરેબલ્સ, ઓઈલ એન્ડ ગેસ, કેપિટલ ગુડ્સ, રિયાલ્ટી, પાવર, ઓટો, ટેલિકોમ અને પીએસયુ સેક્ટરના શેરોમાં ૦.૧૨થી ૧.૩૪ ટકાનો ઘટાડો થયો હતો. બીએસઈ એફએમસીજી સતત બીજા દિવસે નવી ઓલટાઈમ ટોચે ગયો હતો. ઈન્ટ્રાડેમાં એફએમસીજી આંક ૪,૫૯૭.૯૫ થઈ અંતે ૪,૫૬૯.૬૭ બંધ થયો હતો.
ઈન્ફોસીસના પરિણામ પૂર્વે રોકાણકારોની વેચવાલી રહેતાં શેર ૦.૯૨ ટકા વધીને રૃ. ૨,૮૦૨.૩૫ની સપાટીએ બંધ થયો હતો. રિલાયન્સમાં ૧.૩૬ ટકાનો ઘટીને રૃ. ૭૩૨.૯૦ બંધ થયો હતો. ગાર મુદ્દે વધુ સ્પષ્ટતાની અનિશ્ચતિતતાથી એફઆઈઆઈની બીજા સેશનમાં પ્રોવિઝનલ રૃ. ૪૪૫.૭૭ કરોડની વેચવાલી રહી હતી. એશિયન બજારોમાં હોન્ગકોંગ, જાપાન, સિંગાપોર અને દક્ષીણ કોરીયામાં નરમાઈ હતી જ્યારે ચીન અને તાઈવનમાં નજીવો સુધારો થયો હતો. યુરોપમાં સ્પેનના બોન્ડની ઉપજ રેકોર્ડ ૬ ટકાની સપાટીએ પહોંચતા યુરોઝોન કટોકટીની ચિંતા સર્જાઈ છે. પ્રતિકુળતા વચ્ચે પણ ફ્રાંસ, યુકે અને જર્મનીના પ્રમુખ બેન્ચમાર્ક ૦.૫૨થી ૧.૪૦ ટકા ઉપર કામકાજમાં હતાં. બીએસઈ માર્કેટ બ્રેડ્થમાં ૧,૨૩૨ શેરોમાં સુધારો જ્યારે ૧,૫૩૯ શેરોમાં ઘટાડો નોંધાયો હતો.
એરલાઈનમાં એફડીઆઈની આશાએ શેરોમાં ઊડાન
ગુરુવારે કેબિનેટ બેઠકમાં દેશની એરલાઈન કંપનીઓમાં ફોરેન ડાયરેક્ટ ઈન્વેસ્ટમેન્ટની મંજૂરીની આશાએ આજે એરલાઈન કંપનીઓના શેરોએ તેજીની ઊડાન ભરી હતી. કિંગફીશર એરલાઈનનો શેર ૬.૪૩ ટકા વધીને રૃ. ૧૯.૮૫ની સપાટીએ બંધ થયો હતો. જ્યારે જેર એરવેઝ ૫.૨૬ અને સ્પાઈસ જેટમાં ૫.૪૫ ટકાનો ઊછાળો નોંધાયો હતો. વાણિજ્ય અને ઉડ્ડયન મંત્રાલયે વિદેશી એરલાઈન કંપનીઓને સ્થાનિક એરલાઇનમાં રોકાણની મંજૂરી આપી છે જે કેબિનેટની અંતિમ મંજૂરીની રાહે છે. પ્રવર્તમાન ધોરણો મુજબ સ્થાનિક એરલાઈન કંપનીમાં વિદેશી એરલાઈન કંપની ૪૯ ટકાથી વધુ હિસ્સો ધરાવી શકે નહિ.
ટ્રેડિંગમાં સ્ટોક માર્કેટમાં ઉતાર ચઢાવનો દોર જોવા મળ્યો હતો. માર્કેટમાં અંતિમ સેશનમાં સામાન્ય તેજી જોવાઈ હતી ત્યાં ફરીથી ઘટાડો નોંધાયો હતો. સેન્સેક્સ....