મુંબઈ 11, એપ્રિલ
બોલિવૂડ મહાનાયક અમિતાભ બચ્ચને સોમવારે પોતાના ટ્વીટર પર ટ્વીટ કરીને કહ્યું હતું કે તેમનાં પેટમાં દુખાવો ઉપડ્યો છે અને તેમને સીટી સ્કેન કરાવવું પડે તેમ છે. બસ તેમનાં આ ટ્વીટથી મંગળવારે તેમનાં ઘરની બહાર મીડિયા કર્મીઓની ભીડ જામી ગઈ હતી એ જાણવા કે તેમનું સ્વાસ્થય કેવું છે.
અમિતાભે આ અંગે ટ્વીટ કર્યું હતું કે, "હું સવારે મારા ઘરેથી મારા મેકઅપમેનની ભોજપુરી ફિલ્મમાં ડબિંગ માટે જઈ રહ્યો હતો અને ઘરની બહાર જોયું તો મીડિયાની ગાડીઓ ઉભી હતી અને કેમેરા મારી પાછળ હતાં, એવું શા માટે?.."
અમિતાભનાં સુરક્ષાકર્મીઓએ મીડિયાને પૂછ્યું ત્યારે તેમણે જણાવ્યું કે તેઓ અમિતાભના સ્વાસ્થયનાં સમાચાર લેવા આવ્યાં છે. ત્યારે અમિતાભે ટ્વીટ કર્યું હતું કે, તેના પરથી ખ્યાલ આવે છે કે ટ્વીટરની તાકાત કેટલી છે. હવે મારે ટ્વીટર પર શું લખવું અને શું ના લખવું તેનું મારે ધ્યાન રાખવું પડશે.