નવી દિલ્હી, તા. ૧૧
ચેન્નાઈ, બેંગલુરુ, તિરૃવનંતપુરમ્, કોલકાતામાં આંચકા અનુભવાતાં લોકોમાં ગભરાટ
ચેન્નાઈવાસીઓમાં ૨૦૦૪ની સુનામી હોનારતની યાદ તાજી થઈ
બેંગલુરુમાં મેટ્રો રેલસેવા ખોરવાઈ ઃ કોલકાતામાં બે કલાકમાં બે હળવા આંચકા
ઇન્ડોનેશિયામાં ૮.૯ની તીવ્રતાના પ્રચંડ ધરતીકંપ બાદ આજે ભારતના અનેક ભાગોમાં પણ ધરા ધ્રૂજી હતી. ભારતમાં ખાસ કરીને દક્ષિણ-પૂર્વીય ભાગોમાં ભૂકંપના આંચકા અનુભવાયા હતા, જેની તીવ્રતા ઓછી હોવા છતાં લોકોમાં ભારે દહેશત વ્યાપી ગઇ હતી. ઇન્ડોનેશિયામાં ભૂકંપનાં પગલે સુનામી હોનારતની દહેશત પણ ફેલાઇ હતી, જોકે, ભૂકંપથી જાનમાલનું નુકસાન પહોંચ્યાના કોઇ અહેવાલ નથી.
ચેન્નાઈ, બેંગલુરુ, તિરૃવનંતપુરમ્ અને કોલકાતામાં ભૂકંપનો આંચકો અનુભવાતાં લોકોમાં ગભરાટ ફેલાયો હતો. ચેન્નાઈવાસીઓમાં વર્ષ ૨૦૦૪ની સુનામી હોનારતની યાદ તાજી થઇ હતી. કેરળનાં પાટનગર કોચીમાં પણ ભૂકંપના આંચકા અનુભવાતાં રાજ્ય સરકારે રાજ્યવ્યાપી એલર્ટ ઘોષિત કર્યો હતો. સુનામી ર્વોિંનગનાં પગલે ચેન્નાઈ પોર્ટ પર કામકાજ ખોરવાયું હતું. નેશનલ ડિઝાસ્ટર રિસ્પોન્સ ફોર્સની ૬ ટુકડીઓ ચેન્નાઈ રવાના કરાઈ હતી.
જોકે, ચેન્નાઈના મરિના બીચ પર લોકો સંભવિત સુનામીના સાક્ષી બનવા મોટી સંખ્યામાં ઊમટી પડતાં તેમને ત્યાંથી ખસેડવા માટે પોલીસે ભારે જહેમત ઉઠાવી હતી. ઓફિસો અને શાળા-કોલેજોમાં રજા જાહેર કરાઈ દેવાઈ હતી અને સોશિયલ નેટર્વિંકગ સાઇટ્સ પર ભૂકંપ સંબંધિત મેસેજિસની ભરમાર જોવા મળી હતી.
બીજી તરફ બેંગલુરુમાં બપોરે ૨-૪૦ કલાકથી મેટ્રો રેલસેવા ખોરવાઇ હતી અને પેસેન્જરોને સ્ટેશનો ખાલી કરવા તાકીદ કરવામાં આવી હતી. ભૂકંપના આંચકાને પગલે બહુમાળી ઇમારતોમાંથી લોકો ગભરાટના માર્યાં બહાર દોડી આવ્યાં હતાં.
દરમિયાન, કોલકાતાથી પ્રાપ્ત અહેવાલ મુજબ, ઇન્ડોનેશિયામાં ભૂકંપ બાદ શહેરમાં બે કલાકથી પણ ઓછા ગાળામાં ભૂકંપના બે હળવા આંચકા અનુભવાયા હતા, જે પૈકી પહેલો આંચકો ૨-૪૨ કલાકે અને બીજો ૪-૧૩ કલાકે અનુભવાયો હતો. ઉત્તર અને દક્ષિણ ૨૪ પરગણા, દાર્જિલિંગ અને સિલિગુડીમાં પણ આંચકા અનુભવાયા હતા.
કોલકાતા શહેરના પાર્ક સ્ટ્રીટ વિસ્તારમાં કેટલીક ઇમારતોમાં તિરાડો પડી ગઇ હતજ, જોકે સુનામીની ચેતવણીને મોડેથી પાછી ખેંચી લેવામાં આવી હતી. પશ્ચિમ બંગાળનાં મુખ્યમંત્રી મમતા બેનરજીએ પત્રકારોને જણાવ્યું હતું કે, જિલ્લા વહીવટીતંત્રોને સતર્ક કરાયા છે.
હૈદરાબાદના સુનામી ર્વોિંનગ સેન્ટરનાં સૂત્રોએ કહ્યું હતું કે દરિયામાં થઇ રહેલી હિલચાલ પર તેમની ચાંપતી નજર છે. હાલમાં દરિયાઇ જળસપાટીમાં કોઇ ખતરનાક ફેરફારના સંકેત દેખાઇ રહ્યા નથી. જમ્મુ-કાશ્મીરના જુદા જુદા ભાગોમાં તેમજ મુંબઇથી ૧૫૫ કિલોમીટર દૂર અરબી સમુદ્રમાં પણ ભૂકંપનો આંચકો અનુભવાયો હતો.