જ્ઞાન ગંગા - ઋમિત પંડયા
મિથિલાના રાજા જનકને તેમના એક મંત્રીએ પ્રશ્ન પૂછયો કે, ‘મહારાજ, તમે તો દેહધારી છો, તો પછી તમને વિદેહ અર્થાત્ શરીર વગરના શા માટે કહેવામાં આવે છે?’ રાજા જનકે કહ્યું, ‘હું તમને આ પ્રશ્નનો ઉત્તર થોડા જ દિવસોમાં આપીશ.’
થોડા દિવસ પછી મહારાજા જનકે સભામાં ઘોષણા કરી કે, ‘આપણા મંત્રીથી એક ભયંકર અપરાધ થઈ ગયો છે, જેને કારણે તેમને એક અઠવાડિયા પછી મૃત્યુદંડ આપવામાં આવશે.’ ઘોષણા કર્યા પછી તેમણે મંત્રીને બોલાવ્યા. મંત્રી મૃત્યુદંડના ભયથી કાંપતાં કાંપતાં જનક પાસે પહોંચ્યા. તેમણે મંત્રી સામે છત્રીસ પ્રકારનાં વ્યંજન રાખ્યાં અને તે ખાવાનું કહ્યું. મંત્રી ભૂખ્યા હોવા છતાં પણ મનથી ભોજન ન કરી શક્યા કે તેનો સ્વાદ પણ ન માણી શક્યા. ભોજન કર્યા પછી જનકે કહ્યું, ‘તમે એ ન કહ્યું કે ભોજન કેવું બન્યું હતું, તેમાં કોઈ કમી તો નથી ને?’ મંત્રી રડતાં રડતાં બોલ્યા, ‘મહારાજ, એક અઠવાડિયા પછી તો મારું મૃત્યુ થવાનું છે, તેથી મને મૃત્યુ સિવાય બીજો કોઈ વિચાર જ નથી આવી રહ્યો. મેં તો એ પણ ધ્યાન નથી આપ્યું કે ભોજનમાં શું શું હતું?’
જનકે કહ્યું, ‘આ જ તમારા પ્રશ્નનો જવાબ છે. જે રીતે એક અઠવાડિયા પછી આવનારા મૃત્યુના ડરથી ભોજન કરતી વખતે દેહ હોવા છતાં પણ તમે વિદેહી બની ગયા હતા. તે જ પ્રમાણે હું દરેક ક્ષણે મારી સામે મૃત્યુને જોવું છું. દરેક ક્ષણે મૃત્યુને મગજમાં રાખીને બધી જ વસ્તુઓનો ઉપભોગ કરવા છતાં પણ તેમનાથી અલગ છું. મારી અંદર એ વસ્તુઓ માટે કોઈ મોહ જાગતો નથી. તેથી બધા મને વિદેહ કહે છે. તમને મૃત્યુદંડ નહીં આપવામાં આવે. તમને જવાબ આપવા માટે મેં જ આ નાટક રચ્યું હતું.’