કવર સ્ટોરી - પ્રશાંત પટેલ
શુભ મુહૂર્તનું બીજું નામ અક્ષય તૃતીયા છે. આ દિવસે કરાતા કોઈ પણ મંગળકાર્ય માટે યોગ, ગ્રહ-નક્ષત્ર વગેરે જોવાની જરૂર રહેતી નથી. કોઈ પણ કાર્ય નિર્વિઘ્ને સંપન્ન થાય છે. તેથી આ દિવસે સૌથી વધુ લગ્નો થાય છે. ઘણી વાર યુવક-યુવતીના અમુક ગ્રહોને ધ્યાનમાં રાખતાં લગ્ન માટેનું મુહૂર્ત આવતાં વર્ષ નીકળી જતું હોય છે. જ્યારે અખાત્રીજને દિવસે ગ્રહોની કે બીજી કોઈ પળોજણમાં પળવાની જરૂર રહેતી નથી. આમ, લગ્ન માટેનું આ સર્વસામાન્ય, સર્વશ્રેષ્ઠ અને વણજોયું મુહૂર્ત ગણાય છે. અક્ષય તૃતીયાનો દિવસ સોનાની ખરીદી માટે ઘણો શુભ મનાય છે. એટલે જ આ દિવસે મોટાપાયે સોનાની ખરીદી થતી હોય છે.
અક્ષય તૃતીયાના નામકરણમાં બે શબ્દો છે અક્ષય અને તૃતીયા. અક્ષયનો અર્થ થાય છે જેનો ક્ષય થતો નથી તેવું અને તૃતીયા એ તિથિક્રમ છે. આ એક એવી તિથિ છે જેનો કદી ક્ષય થતો નથી. આ દિવસનું એ રીતે પણ મહત્ત્વ આંકવામાં આવે છે કે અક્ષય તૃતીયાના દિવસે કરવામાં આવેલાં દાન-પુણ્ય, ધાર્મિક કાર્યોનાં પુણ્યોનો ક્યારેય ક્ષય થતો નથી.
આ તિથિ સતયુગની આદિતિથિ હોવાથી યુગાદિ તિથિ તરીકે પણ ઓળખાય છે. અક્ષય તૃતીયાના દિવસે રોહિણી નક્ષત્ર અને બુધવારનો દિવસ હોય તો તે મહાન ફળ આપનારી હોવાથી શિવની પૂજા કરી જળ ભરેલા ઘડાનું દાન કરનાર શિવલોકમાં પણ પુજાય છે.
વિષ્ણુ ધર્મોત્તરમાં એવું જણાવાયું છે કે આજના દિવસે વૈકુંઠવાસી ભગવાન વિષ્ણુની અક્ષત વડે પૂજા થતી હોવાથી આ તિથિ અક્ષય તૃતીયા કહેવાય છે. મત્સ્ય પુરાણ અનુસાર આ દિવસે ભગવાન વિષ્ણુની અક્ષત વડે પૂજા કરવાથી તેઓ અતિપ્રસન્ન થાય છે અને પૂજા કરનારની સંતતિ પણ અક્ષય બની રહે છે. જ્યારે અન્ય કોઈ પણ સમયે ભગવાન વિષ્ણુની અક્ષત દ્વારા પૂજા કરવામાં આવતી નથી. ભગવાન વિષ્ણુની પૂજામાં હંમેશાં અક્ષતની જગ્યાએ સફેદ તલનો ઉપયોગ કરવામાં આવે છે. અક્ષય તૃતીયાનું આટલું બધું મહત્ત્વ હોવાનું બીજું કારણ એ પણ છે કે આ તિથિએ ભગવાન વિષ્ણુના ત્રણ અવતાર, નર-નારાયણ અવતાર, પરશુરામ અવતાર અને હયગ્રીવ અવતારનું પ્રાગટય થયું હતું.
પૌરાણિક કથા
પૌરાણિક કથાઓ અનુસાર અક્ષય તૃતીયાના દિવસે જ મહાભારતનું યુદ્ધ પૂરું થયું હતું. દ્વાપર યુગનું સમાપન પણ આ જ દિવસે થયું હતું. આ જ દિવસે યુધિષ્ઠિરે ભગવાન શ્રીકૃષ્ણને પૂછતાં જણાવ્યું હતું કે આજના દિવસે જે પણ રચનાત્મક અથવા સાંસારિક કાર્ય કરશે તેનું પુણ્યફળ અવશ્ય મળશે. કોઈ પણ નવું કાર્ય, નવા ઘરમાં પ્રવેશ અને વેપાર-ધંધો શરૂ કરશો તો તેમાં બરકત અને ખ્યાતિ મળશે. એવું માનવામાં આવે છે કે અક્ષય તૃતીયાના દિવસે સ્નાન, ધ્યાન, જપ-તપ, હવન કરવાથી અને પિતૃતર્પણ કરવાથી તથા દાન-પુણ્ય કરવાથી અનેકગણું પુણ્ય પ્રાપ્ત થાય છે.
બીજી એક પ્રચલિત કથા અનુસાર પ્રાચીન કાળમાં એક ગરીબ, સદાચારી અને દેવતાઓમાં શ્રદ્ધા રાખવાવાળો વૈશ્ય રહેતો હતો. તે શ્રીમંત ખાનદાનનો હોવા છતાં પણ બહુ ગરીબ હતો અને તે દિવસ-રાત ખૂબ જ મુશ્કેલીઓનો સામનો કરતો હતો. એક દિવસ કોઈ બ્રાહ્મણે તેને અક્ષય તૃતીયાનું વ્રત કરવાની સલાહ આપી.
આ દિવસે ગંગાસ્નાન કરીન
વિધિ-વિધાનપૂર્વક દેવતાઓની પૂજા કરવાથી પણ અનેકગણું પુણ્ય મળે છે તેમ તેમણે જણાવ્યું. આ વૈશ્યએ બ્રાહ્મણના જણાવ્યા અનુસાર વ્રત કર્યું અને થોડાક જ દિવસોમાં તેનો વેપાર ધમધોકાર ચાલવા લાગ્યો. ત્યારબાદ તે આખી જિંદગી અક્ષય તૃતીયાના દિવસે દાન-પુણ્ય કરવા માટે ધનનો કોથળો ખુલ્લો મૂકી દેતો. બીજા જન્મમાં આ વૈશ્ય કુશાવતીનો રાજા બન્યો. તે એટલો ધનવાન અને પ્રતાપી રાજા હતો કે બ્રહ્મા, વિષ્ણુ અને મહેશ પણ તેના દરબારમાં અક્ષય તૃતીયાના દિવસે બ્રાહ્મણનો વેશ ધારણ કરીને તેના મહાયજ્ઞામાં સામેલ થતા હતા. પોતાની શ્રદ્ધા અને ભક્તિનો તેને લેશમાત્ર પણ ઘમંડ નહોતો અને અપાર વૈભવ છતાં તે ધર્મના માર્ગથી વિચલિત થતો ન હતો. એવી કિંવદંતી છે કે આ જ રાજા આગળ જઈને ચંદ્રગુપ્તના રૂપમાં પેદા થયો હતો.
વિવિધ સ્થળે ઉજવણીની પરંપરા
અક્ષય તૃતીયાનું પર્વ ભરઉનાળે આવતું હોવાથી આ દિવસે જળ, પંખા, ચરણપાદુકા, છત્રી વગેરેનાં દાનનું વિશેષ મહત્ત્વ છે. આખાય જગતનો તાત ગણાતો ખેડૂત પણ તેનું ખેતીકામ આજના દિવસે શરૂ કરતો હોવાથી તરસી ધરતીની તરસ છિપાય છે. તરસી વ્યક્તિને ગરમીમાં અમૃત સમાન જળ મળી રહે તે માટે પરબ અને પશુ-પક્ષીઓ માટે હવાડા બાંધવાથી ખૂબ જ પુણ્ય પ્રાપ્ત થાય છે. આ દિવસે બદ્રી ધામનાં દ્વાર ખૂલે છે અને ચાર ધામની યાત્રાની શરૂઆત થાય છે. ભારતભરમાં જુદી જુદી જગ્યાએ પરંપરા મુજબ આ પર્વની ઉજવણી થાય છે.
અયોધ્યાઃ અયોધ્યામાં અખાત્રીજના દિવસે શ્રી ઠાકુરજીની વિશેષ પૂજા-અર્ચના થાય છે. તેમજ ગરુડ સહિત ગરુડ ગોવિંદ ચંદન ર્ચિચત વિગ્રહનાં દર્શન પણ ફક્ત આજના દિવસે જ થાય છે.
વૃંદાવનઃ વર્ષમાં એક જ વાર થતાં શ્રી વિહારીજીનાં ચરણદર્શન પણ વૃંદાવનમાં માત્ર અક્ષય તૃતીયાના દિવસે જ થાય છે.
જગન્નાથપુરીઃ અષાઢી રથયાત્રા માટેના રથોનું નિર્માણકાર્ય અખાત્રીના દિવસથી જ પ્રારંભ થાય છે તથા ચંદનયાત્રાનું પણ આયોજન કરવામાં આવે છે.
ગુજરાતઃ ગુજરાતમાં અખાત્રીજના દિવસે વસ્ત્ર, પંખા તથા અન્ન, દ્રવ્ય વગેરેનું દાન કરવામાં આવે છે. તો કેટલીક જગ્યાએ પીવાના પાણીની પરબ શરૂ કરવામાં આવે છે. ગુજરાતમાં આ દિવસે સુવર્ણની ખરીદીનું પણ વિશેષ મહત્ત્વ છે.
રાજસ્થાનઃ શ્રીનાથજીમાં ભગવાનને ખાસ મલયગિરિ ચંદન, શીતળ સામગ્રી તથા મોતીના આભરણ ધરાવાય છે. ભજન-કીર્તન પણ થાય છે. રાજસ્થાનમાં એક એવી માન્યતા પણ પ્રચલિત છે કે આજના દિવસે કરવામાં આવેલાં લગ્ન ક્યારેય ખંડિત થતાં નથી.