મુંબઇ, તા. ૧૧
ઇન્ડોનેશિયામાં આવેલા ધરતીકંપની ધ્રુજારી ભારતીય શેરબજારો પર પણ અનુભવાઇ. ૨૮ દેશોમાં સુનામીનું એલર્ટ જારી થતાં શેરબજારમાં ગભરાટ જોવા મળ્યો હતો. પરંતુ ઇન્ડોનેશિયામાં બિઝનેસ ધરાવતા ઉદ્યોગ ગૃહો તરફથી જેમ જેમ સ્થિતિ સ્પષ્ટ થતી ગઇ એમ રિકવરી નોંધાવા લાગી હતી.
ભૂકંપના સમાચારોની અસર અદાણી પાવરના શેરોમાં અનુભવાઇ હતી. અદાણી ઇન્ડોનેશિયામાં બુન્યુ ટાપુમાં માઇનિંગ રાઇટ્સ અને લાંબા ગાળાના કોલ સપ્લાય એગ્રીમેન્ટ ધરાવે છે. મુંદ્રા પાવર પ્લાન્ટ માટે કોલસાની જરૂરિયાત ઇન્ડોનેશિયાથી પૂરી થતી હોઇ થોડો સમય પુરવઠા પર અસર થવાની શક્યતા છે. અદાણી પાવરનો શેર ૨.૨૧ ટકા ઘટીને રૂ . ૭૦.૯૦ની સપાટીએ બંધ રહ્યો હતો.
તાતા પાવર ઇન્ડોનેશિયન થર્મલ કોલ પ્રોડયુસરઅને ટ્રેડિંગ કંપનીમાં ૩૦ ટકા ઇક્વિટી ધરાવે છે. આ શેરનો ભાવ ૨.૫ ટકા ઘટીને રૂ . ૫૬.૪૫ની સપાટીએ બંધ રહ્યો હતો. જેએસડબલ્યુ એનર્જી પાસે કેપ્ટીવ માઇન ન હોવાથી સૌથી વધારે કોલસો આયાત કરે છે. આયાતી કોલસા પર તે ૨૧૦૦ મેગાવોટની ક્ષમતા ચલાવે છે. ૨૦૧૩માં આ કંપની કોલસા આધારિત વીજ ઉત્પાદન ૩૧૪૦ મેગાવોટ સુધી લઇ જવા માગે છે. આ શેર ૨.૫ ટકા ઘટીને રૂ . ૫૬.૪૫ની સપાટીએ બંધ રહ્યો હતો.
લેન્કો ઇન્ફ્રાટેક શેર પર આજે ભૂકંપના સમાચારની નેગેટિવ અસર જોવા મળી હતી. ૧૨૦૦ મેગાવોટના વીજ પ્રોજેક્ટ માટે કંપનીને સંપૂર્ણપણે આયાત પર આધાર રાખવો પડે છે. આ આખી સ્થિતિમાં કોલ ઇન્ડિયાને ફાયદો મળે એવી સંભાવના છે. આયાતી કોલસાનો પુરવઠો ખોરવાય તો કોલ ઇન્ડિયાના ઇ-ઓક્શનમાં વધારે કંપનીઓ ભાગ લેશે. જોકે આ શેર પણ અડધો ટકો ઘટીને રૂ . ૩૩૧.૪૫ની સપાટીએ બંધ રહ્યો હતો.
દરમિયાન બજાજ ઓટો અને ગોદરેજ દ્વારા ઇન્ડોનેશિયામાં તેમનો બિઝનેસ અને કર્મચારીઓ સબ સલામત હોવાની સ્પષ્ટતા કરી હતી.