અમદાવાદ, તા. ૧૧
ઇન્ડોનેશિયામાં ભૂકંપના પગલે ૨૮ દેશોના દરિયા કિનારાના વિસ્તાર માટે સુનામીની ચેતવણી આપવામાં આવી છે. આના કારણે રાજ્યના ઉર્જા અને પેટ્રોલિયમ વિભાગના અગ્રસચિવ પાંડિયને તાત્કાલિક ડિઝાસ્ટર મેનેજમેન્ટની સ્થિતિની સમીક્ષા કરી હતી. રાજ્ય સરકારના ઉર્જા અને પેટ્રોલિયમ વિભાગે આંદામાન અને નિકોબારના ઓન શોર અને ઓફ શોર સાઇટ પર કામ કરી રહેલા ૯૦ કર્મચારીઓ માટે એલર્ટ જાહેર કરીને તેમના માટે બે હેલિકોપ્ટર અને બોટની વ્યવસ્થા કરી નાંખી છે.
એનર્જી અને પેટ્રોલિયમ વિભાગના અગ્રસચિવ ડી.જે. પાંડિયને જણાવ્યું કે, દરિયા કિનારાના વિસ્તારોમાં સુનામી ચેતવણી સાથે જ અમારા કર્મચારીઓની સુરક્ષા માટે તમામ વ્યવસ્થા ઊભી કરી દેવામાં આવી છે. અહીંથી સતત પરિસ્થિતિ પર ચાંપતી નજર રાખવામાં આવી રહી છે. આંદામાનના ઇસ્ટ કોસ્ટ બેઝિનમાં અને કાકીનાડામાં હાલ ડ્રીલીંગનું કામકાજ ચાલુ છે. જીએસપીસી ડોમેસ્ટિક અને ઇન્ટરનેશનલ ઓઇલ ફિલ્ડમાં એક્સપ્લોરેશનના કામકાજ કરે છે. આંદામાન નીકોબારમાં ઓનશોર અને ઓફશોર ઓઇલ ફિલ્ડમાં હાલ કામ ચાલે છે છે. આથી પાંડિયને તાત્કાલિક સ્થિતિની સમીક્ષા કરીને તંત્ર એલર્ટ કરી દીધું છે.
- આંદામાન નિકોબારના પ્રોજેક્ટમાં કામ કરી રહેલા ૯૦ જણ માટે બે હેલિકોપ્ટર તૈયારઃ પાંડિયન
ઇન્ડોનેશિયાના કારણે કોલસાના પુરવઠામાં પણ મુશ્કેલી થવાની સંભાવના છે ગુજરાતમાં આશિર્વાદ એન્ટરપ્રાઇઝના આશિષ ભટ્ટના જણાવ્યા પ્રમાણે ભારતમાં મહીને ઓછામાં ઓછો ૫૦ લાખ ટન કોલસો ઇન્ડોનેશિયાથી આયાત થાય છે. જો દરિયાઇ તોફાનની સ્થિતિ સર્જાય તો હાલ રસ્તામાં જે શિપો છે તેને આવતા વિલંબ થાય તો ઓછામાં ઓછા દસથી ૧૫ દિવસ કોલસાનો પુરવઠો વિલંબમાં મુકાય તેવી શક્યતા છે. આ સંજોગોમાં કોલસાના ભાવમાં વધારો થવાની શક્યતા નકારી શકાય નહીં.
ભારતમાં ૫૫ ટકા વીજ ઉત્પાદન થર્મલ કોલ મારફતે થાય છે, તેમાં ૩૦ ટકા કોલસાની આયાત ઇન્ડોનેશિયાથી કરવામાં આવે છે. અદાણી ઇન્ડોનેશિયામાં બુન્યુ કોલ માઇન ધરાવે છે પરંતુ ત્યાં કોઇ અસર થઇ હોવાની શક્યતા કંપનીના અધિકારીએ નકારી કાઢી હતી. તાતા પાવર પણ ઇન્ડોનેશિયાથી કોલસાની આયાત કરે છે. આથી જ્યાં સુધી ત્યાં સ્થિતિ સામાન્ય ન થાય ત્યાં સુધી પુરવઠો ખોરવાવાની શક્યતા છે.