રાજકોટ તા. ૧૧
- જો દરિયાઈ સુનામી આવે તો માધવપુર, પોરબંદર, વેરાવળને અસર વધુ થવાની શકયતા
ભૂકંપ શબ્દ માનવજીવન સાથે કેડો છોડતો નથી. આજે બપોરે ર-૦૩ કલાકે ઈન્ડોનેશિયા સુમાત્રામાં ૮.૯ની માત્રાનો ભૂકંપ આવ્યો હતો અને એના આધારે કેટલાય ઈલેકટ્રોનિક મિડિયામાં એવી દહેશત વ્યકત કરવામાં આવતી હતી કે આ ભૂંકપની ગુજરાતને કોઈ અસર આવે એમ નથી આમ છતાં જો અસર આવે તો દરિયામાં સુનામીની અસર થોડા ઘણા અંશે આવી શકે છે અને દરિયાનું પાણી એક કિલોમિટર સુધી રેલાય અને ઉંચા મોજા ઉછળી શકે છે. જેના કારણે સ્થાનિક માછીમારોને અસર વર્તાઈ શકે છે. આ સમાચારોના પગલે દરિયામાં રહેલા માછીમારોએ ભય અને દહેશત વચ્ચે આજનો દિવસ પસાર કર્યો હતો. જો કે આ લખાય છે ત્યાં સુધીમાં દરિયામાં કોઈ નવી ગતિવિધિ દર્શાતી નથી. દરિયામાં કોઈ મૂવમેન્ટ કે કરંટ વર્તાતો નથી.
સિસ્મોલોજી સેન્ટરના ગાંધીનગર સ્થિત સુત્રો કહે છે કે ઈન્ડોનેશિયાના ભુકંપને ગુજરાત સાથે હાલ કોઈ કનેકશન ટચ થતું નથી. ગુજરાતમાં કોઈ ભૂકંપ આવવાની કોઈ શકયતા જોવામાં આવતી નથી. દરિયામાં ત્સુનામીની અસર વર્તાય એવું પણ જણાતું નથી આથી કોઈ અમોએ પ્રિકોશન્સ ઈન્સ્ટ્રકશન જારી કરી નથી. હાલની અસરે એમ કહી શકાય કે આ ભૂકંપની અસર ગુજરાતને સ્પર્શ કરે એમ લાગતી નથી. જો કે ઈલે. મિડિયામાં આવતા સમાચારો અને જુદા જુદા ઇન્ટવ્યૂમાં એમ કહેવાય છે કે થોડી એવી આશંકા રહે છે કે ગુજરાતમાં દરિયાઈ વિસ્તારમાં સુનામીની નાની અસર આવે તો દરિયામાં મોટા મોજા ઉછળવા સાથે દરિયાનો જળજથ્થો એક કિલોમિટર સુધી રેલાઈ શકે છે. આ સમાચારે માછીમારોના જીવ ઉચક બનાવ્યા હતા અને આખો દિવસ ભય અને આશંકા વચ્ચે પસાર કર્યો હતો.
માંગરોળ માછીમાર સમાજના આગેવાન કરશનભાઈ હોદારના જણાવ્યા મુજબ હાલ તો દરિયો નોર્મલ છે. દરિયામાં કોઈ કરંટ જણાતો નથી. આવી જ રીતે ચોરવાડના માછીમાર સંજયભાઈ હોદારના જણાવ્યા મુજબ હાલ અમો દરિયામાં જ છીએ હાલ દરિયામાં કોઈ નવી ગતિવિધિ જણાતી નથી. પણ ઈન્ડોનેશિયા અને સુમાત્રાના ભુકંપની અસર અને આફટર શોકના ભાગ રૂપે દરિયામાં જો અસર આવે તો અમોને પરેશાની થાય એ ભય અમોને લાગી રહયો છે.