લંડન, તા. ૧૧
લિડિંગ ક્રિકેટર ઇન ધ વર્લ્ડ તરીકે પણ પસંદગી
ક્રિકેટનાં બાઇબલ તરીકે ઓળખાતા 'વિઝડન' દ્વારા શ્રીલંકાના કુમાર સંગાકારાની 'ક્રિકેટર ઓફ ધ યર', 'લિડિંગ ક્રિકેટર ઇન ધ વર્લ્ડ' તરીકે પસંદગી કરવામાં આવી છે. આ સાથે જ સંગાકારા વિઝડન દ્વારા બંને ખિતાબ મેળવનારો સૌપ્રથમ બની ગયો છે. વિઝડન દ્વારા દર વર્ષે પાંચ ક્રિકેટરને પ્લેયર ઓફ ધ યર જાહેર કરવામાં આવે છે. જેમાં દર વર્ષની જેમ આ વખતે પણ ઈંગ્લેન્ડના ખેલાડીઓનો દબદબો જોવા મળ્યો છે. જેમાં ટિમ બ્રેસ્નાન, એલિસ્ટર કૂક, ગ્લેન ચેપલ અને એલન રિચાર્ડસનનો સમાવેશ થાય છે. સંગાકારાએ ગયા વર્ષે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં ૨,૨૬૭ રન બનાવ્યા હતા. કૂકને ભારત સામે ૨૯૪ રનની ઈનિંગ્સ રમવા બદલ આ એવોર્ડ માટે પસંદગી થઈ છે. ફર્સ્ટ ક્લાસ ક્રિકેટમાં શાનદાર દેખાવ બદલ ગ્લેન ચેપલ અને એલન રિચાર્ડસનની આ એવોર્ડ માટે પસંદગી થઈ છે.
દર વર્ષની જેમ આ વર્ષે પણ આ એવોર્ડ જાહેર થતાંની સાથે જ વિવાદ ઊભો થયો છે. વિઝડન ક્રિકેટનું પ્રતિષ્ઠિત મેગેઝિન હોવા છતાં એવોર્ડ માટે પસંદ થતા ખેલાડીઓનાં નામ સાંભળી ક્રિકેટપ્રેમીઓને નવાઈ લાગે છે. ગ્લેન ચેપલ અને એલન રિચાર્ડસનનું નામ ભાગ્યે જ કોઈ ક્રિકેટપ્રેમીએ સાંભળ્યું હશે તો પણ તેને વિઝડન ક્રિકેટર ઓફ ધ યર જાહેર કરવાનો મતલબ સમજાતો નથી. બીજી બાજુ વિરાટ કોહલી, મહેન્દ્રસિંહ ધોની જેવા ખેલાડીઓએ શાનદાર દેખાવ કર્યો હોવા છતાં તેમની અવગણના કરવામાં આવી છે.